Friday, July 4, 2025

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતન ખાતે ૪૨મુ શારદીય નવરાત્રિ અનુષ્ઠાન યોજાશે:જાણો ધાર્મિક,આધ્યાત્મિક અને સેવાકીય કાર્યો ની સંપૂર્ણ વિગત

પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝાની સન્નિધિમાં ૪૨મુ શારદીય નવરાત્રિ અનુષ્ઠાન- ૨૦૨૩ ધાર્મિક, આધ્યાત્મિક અને સામાજિક સેવાકીય કાર્યોથી સંપન્ન થશે.

પોરબંદરમાં સાંદીપનિ વિદ્યાનિકેતનમાં આ વર્ષે ૪૨મું શારદીય નવરાત્રી અનુષ્ઠાન તારીખ ૧૫/૧૦/૨૦૨૩ થી ૨૪/૧૦/૨૦૨૩ ઉજવવામાં આવશે. તેમજ સાંદીપનિ વિદ્યાનિકેતનના સંસ્થાપક, સસ્કૃતિ અને સંસ્કૃતભાષાના સંપોષક તથા સંવાહક, દેશ-વિદેશમાં શ્રીમદ ભાગવત કથા અને શ્રીરામ કથાના માધ્યમથી અનેક લોકોના જીવનને ધન્ય બનાવનારા પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝાના શ્રીમુખેથી પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રિ દરમિયાન પ્રતિદિન સવારે ૮:૩૦થી “શ્રીરામચરિતમાનસ” નું મૂળ પારાયણ થશે તથા બપોર બાદ ૩:૩૦ વાગ્યેથી પ્રતિદિન અયોધ્યાના પરમ પૂજ્ય શ્રીમદ્ જગદ્દગુરુ રામાનુજાચાર્ય સ્વામી શ્રી રાઘવાચાર્યજી મહારાજના વ્યાસાસનથી “શ્રી વાલ્મીકિ રામાયણ કથા” ના શ્રવણનો અલભ્ય અવસર પ્રાપ્ત થશે. શારદીય નવરાત્રિ અંતર્ગત શ્રીહરિ મંદિરમાં પ્રતિદિન નૂતન ધ્વજારોહણ, પૂજન અને શ્રીકરૂણામય માતાજીના અલૌકિક ઝાંખીના દિવ્ય દર્શન અને સાયં આરતી અને રાસ-ગરબા થશે.

શ્રીહરિ મંદિરમાં યોજાનાર વિવિધ મનોરથ
શારદીય નવરાત્રિમાં પૂજ્ય ભાઈશ્રીના સાન્નિધ્યમાં શ્રીરામચરિતમાનસ અનુષ્ઠાન અને કથાની સાથે શ્રીહરિ મંદિરમાં વિવિધ મનોરથ સંપન્ન થશે. જેમાં પ્રતિદિન દરેક શિખર પર નુતન ધ્વજારોહણ, શ્રી કરુણામયીમાતાનું ષોડશોપચાર પૂજન એવં સાયંકાળે અલૌકિક દિવ્ય ઝાંખીના દર્શન યોજાશે. આ સિવાય વિશેષ મનોરથમાં તા.૧૮-૧૦-૨૩ના રોજ કરુણામયી માતાજીના નૌકાવિહાર,
તા.૨૦-૧૦-૨૩ ના રોજ જલ પુષ્પાભિષેક, તા. ૨૨-૧૦-૨૩, દુર્ગાષ્ટમીના દિવસે અન્નકૂટ મનોરથ સંપન થશે. આ દિવ્ય મનોરથના લાભ લેવા માટે આપ શ્રીહરી મંદિરનો ૯૦૯૯૯ ૬૬૨૬૦ પર સંપર્ક કરી શકો છો.
આ સાથે તા. ૨૨-૧૦-૨૩, અષ્ટમીના દિવસે સાંદીપનિ યજ્ઞશાળામાં યજ્ઞ સંપન્ન થશે અને ૨૪-૧૦-૨૩ ના દિવસે સવારે ૬:૦૦થી ૭:૦૦ દરમ્યાન સંકીર્તન સાથે પ્રભાતફેરી સંપન્ન થશે.
તારીખ ૨૪/૧૦/૨૦૨૩, વિજયાદશમીના અવસરે સાંદીપનિ યજ્ઞશાળામાં હોમાત્મક સુંદરકાંડ યજ્ઞ કરવામાં આવશે તેમજ વિજયાદશમીના પાવન દિવસે સવારે શ્રીહરિ મંદિરમાં દ્વારકાધીશજીની ધ્વજાજીનું પૂજન થશે અને સાયંકાલે ૫:૦૦ વાગ્યે દ્વારકા મુકામે જગતમંદિરે પૂજ્ય ભાઇશ્રી અને ભાવિકોની ઉપસ્થિતિમાં ધ્વજારોહણ થશે.

વિશેષ મહાદુર્ગા પૂજા એવં અનુષ્ઠાન મનોરથ
શારદીય નવરાત્રિમાં મા ભગવતીની આરાધનાનું વિશેષ મહત્ત્વ હોય છે. આ વર્ષે સાંદીપનિ વિદ્યાનિકેતનની શ્રીહરિ મંદિરની બગીચીમાં વૈદિક રીચ્યુલ ટીમ દ્વારા માં મહિસાસૂરમર્દિની મંડપ સ્થાપના થશે. જ્યાં સંપૂર્ણ નવરાત્રિ દરમ્યાન પૂજા-અર્ચના સંપન્ન થશે. જેના મનોરથી તરીકે ભગવદીયા કોકિલાબેન ધીરુભાઈ અંબાણી પરિવાર, મુંબઈ સેવા આપશે.
આ સાથે વૈદિક રીચ્યુલ ટીમ દ્વારા સપાદ નવાર્ણમંત્ર અનુષ્ઠાન, શતચંડી અનુષ્ઠાન, દેવીરાજોપાચાર પૂજા, બ્રહ્મમુહુર્તમાં દેવીપુજા અને ૧૦૮ દીપ અર્પણ, દેવી અથર્વશીર્ષ ૧૦૮ પાઠ, સરસ્વતીદેવી અથર્વશીર્ષ પાઠ, શ્રીસુકત ૧૦૮ પાઠ, લક્ષ્મીપ્રાપ્તિ હેતુ કમલાપ્રયોગ એવં શ્રીયંત્ર પૂજા, સંગીતમય દેવી સંકીર્તન એવં પૂજા, સપ્તશતી પાઠ, સાંગોપાંગ ચંડીપાઠ, દેવીકવચ, દેવી અથર્વશીર્ષ, સિદ્ધકુંજીકા સ્તોત્ર ૧૦ પાઠ, તંત્રોક્તરાત્રીસુક્ત ૧૦ પાઠ, સંપુટીત ચંડીપાઠ, લલિતાસહસ્રનામ સ્તોત્ર ૧૦ પાઠ, લલિતા સહસ્રનામથી કુંકુમ અર્ચન, દેવીશૃંગાર અર્પણ, કાળી અષ્ટોતર નામ, સૌન્દર્યલહરી પાઠ, સરસ્વતી ઘનપાઠ, હવનાષ્ટમી યજ્ઞ જેવા વિશેષ મનોરથ સંપન્ન થશે. આ મનોરથમાં આપ સૌ ભાવિકો જોડાઈ શકો છે. જેમના માટે સંપર્ક નંબર ૭૦૧૬૦ ૩૫૫૫૪ છે.

વિવિધ મેડીકલ કેમ્પ
શારદીય નવરાત્રિ અનુષ્ઠાન મહોત્સવ દરમ્યાન ધાર્મિક કાર્યક્રમોની સાથે પૂજ્ય ભાઇશ્રીની પ્રેરણાથી સેવાકીય કાર્યો તરીકે વિવિધ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં સાંદીપનિ પરિસરમાં તારીખ:-૧૫/૧૦/૨૦૨૩ થી ૨૩/૧૦/૨૦૨૩સુધી પ્રતિદિન સવારે ૯:૦૦ થી બપોરે ૧:૦૦ સુધી દંતયજ્ઞ કેમ્પ તથા તારીખ ૨૦/૧૦/૨૦૨૩ ના રોજ સવારે ૮:૩૦ થી ૧૨:૩૦ સુધી નેત્રમણીના સાથે નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.
તારીખ ૨૧/૧૦/૨૦૨૩ના રોજ પોરબંદરની લાયન્સ હોસ્પિટલ ખાતે પલ્મોનોલોજીકેમ્પ તથા કાર્ડિયોલોજી કેમ્પનું સવારે ૮:૩૦ થી ૧૨:૩૦ સુધી આયોજન કરવામાં આવેલ છે. આ સાથે તા.૧૫ અને ૧૬મી ઓક્ટોબરના રોજ સવારે ૮:૩૦ થી ૧૨:૩૦ દરમિયાન પોરબંદરની ધામેચા આઈ હોસ્પિટલ ખાતે સુપરસ્પેશીયાલીસ્ટ આઈ કેમ્પનું તથા ૧૫-૧૦-૨૩ ના રોજ ન્યુરોલોજી કેમ્પનુ પણ ૮:૩૦ થી ૧૨:૩૦ દરમિયાન આયોજન કરવામાં આવેલ છે. આતમામ મેડિકલ કેમ્પ્સની વિશેષ માહિતી માટે કો-ઓર્ડિનેટર શ્રી સુરેશભાઈ ગાંધી તથા શ્રી ભરતભાઈ ગઢવીનો સંપર્ક કરવો જેના સંપર્ક નંબર 97122 22000 છે.

સંપૂર્ણ શારદીય નવરાત્રિ અનુષ્ઠાન મહોત્સવના મુખ્ય મનોરથી તરીકે ભગવદીયા દર્શનાબેન દિનેશભાઈ કાપડિયા પરિવાર-યુ.એસ.એ., સેવા આપશે. શારદીય નવરાત્રિ અનુષ્ઠાન મહોત્સવમાં યોજાનારા અનુષ્ઠાન, કથા-શ્રવણ અને દરેક મનોરથ દર્શનનો અમૂલ્ય લાભ લેવા માટે સાંદીપનિ પરિવાર નિમંત્રણ પાઠવે છે.

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે