પોરબંદર
ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર જાગૃતિ લાવવા નેશનલ લેવલની વિવિધ પ્રકારની સ્પર્ધાઓ યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધાઓમાં પોરબંદર જિલ્લામાંથી વધુમાં વધુ લોકો જોડાય તે માટે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી હેતલબેન જોશીના માર્ગદર્શન હેઠળ જેસીઆઈ પોરબંદર દ્વારા તમામ સ્પર્ધાઓની માહિતી આપતી સુંદર માહિતી પત્રિકા તૈયાર કરી લોક જાગૃતિ માટે પ્રસિદ્ધ કરવામાં આવી છે.
આ માહિતી સભર પત્રિકાના માધ્યમથી પોરબંદરની શાળા, કોલેજો અને વિવિધ સામાજિક સંસ્થાઓ આ મતદાર જાગૃતિ અભિયાનમાં જોડાઈ તેવા જેસીઆઈ પોરબંદર દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
■ પાંચ પ્રકારની સ્પર્ધાઓ યોજાશે.
(1) ગીત સ્પર્ધા : માય વોટ ઇઝ માય ફ્યુચર થીમ ઉપર ક્લાસિકલ, કન્ટેમ્પરરી, રેપ વગેરે પ્રકારનું કોઈપણ 3 મિનિટનું ગીત તૈયાર કરવાનું રહેશે.
(2) વીડિયો સ્પર્ધા : મતદાન નૈતિક ફરજ, પ્રલોભન મુક્ત મતદાન, પાવર ઓફ વોટ તથા મતદારો માટે મતદાનનું મહત્વ વગેરે ઉપર 1 મિનિટનો વીડિયો બનાવવાનો રહેશે.
(3) પોસ્ટર સ્પર્ધા : મતદાર જાગૃતિ આધારિત ડીઝીટલ પોસ્ટર, સ્કેચ અથવા પેઇન્ટેડ પોસ્ટર બનાવી શકાશે.
(4) સ્લોગ સ્પર્ધા : સ્પર્ધક પોતાના શબ્દોથી લોકોને પ્રેરિત કરી શકે તેવી થીમ આધારિત સુત્રો તૈયાર કરવાના રહેશે.
(5) ક્વિઝ સ્પર્ધા : આ સ્પર્ધા કુલ ત્રણ લેવલમાં યોજાશે. દરેક લેવલમાં 20 વૈકલ્પિક પ્રકારના પ્રશ્નો રહેશે. દરેક લેવલમાં 10 મિનિટની સમયમર્યાદા રહેશે.
■ સ્પર્ધકો માટે ત્રણ પ્રકારની કેટેગરી
ગીત, વીડિયો અને પોસ્ટર ડિઝાઇન સ્પર્ધાઓમાં ભાગ લેનાર સ્પર્ધકોના નીચે પ્રમાણે ત્રણ વર્ગ પાડવામાં આવ્યા છે. સ્લોગન અને ક્વિઝ માટે કોઈ અલગ વર્ગ પાડવામાં આવ્યા નથી.
(1) ક્લાપ્રેમી : આ વર્ગમાં જે વ્યક્તિઓ બિઝનેસ તરીકે નહીં પણ પોતાના શોખ તરીકે ગાયન / વીડિયો મેકિંગ કે પોસ્ટર ડિઝાઈન કરે છે તેવા સ્પર્ધકો ક્લાપ્રેમી વિભાગમાં ભાગ લઈ શકશે.
(2) વ્યવસાયિક : જે વ્યક્તિઓ આજીવિકા તરીકે ગાયન, વીડિયો મેકિંગ અથવા પોસ્ટર ડિજાઇન કરે છે તે સ્પર્ધકો આ વિભાગમાં ભાગ લઈ શકશે.
(3) સંસ્થાકીય : શૈક્ષણિક સંસ્થાઓ જેવી કે શાળા કોલેજો, યુનિવર્સિટીઓ અને સામાજિક ટ્રસ્ટ જેવી નોંધાયેલી સંસ્થાઓ આ વર્ગમાં ભાગ લઈ શકશે.
■ સ્પર્ધામાં કઈ રીતે ભાગ લેશો ??
ક્વિઝ સ્પર્ધા માટે સ્પર્ધકે પોતાનું નામ https://ecisveep.nic.in./contest/ વેબસાઈટ પર રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. સ્પર્ધકે ગીત, વિડિઓ, સ્લોગન અને પોસ્ટરની કૃતિ voter-contest@eci.gov.in ઇમેઇલ પર સ્પર્ધાનું નામ, શ્રેણી સ્પર્ધકનું નામ, સરનામું, મોબાઈલ જેવી વિગતો સાથે ચૂંટણી પંચને મોકલવાનું રહેશે. તમામ સ્પર્ધકોએ પોતાની એન્ટ્રીઓ 15 માર્ચ 2022 સુધીમાં ઇમેઇલ આઈડી voter-contest@eci.gov.in પર સબમિટ કરવાની રહેશે
■ ચૂંટણી પંચ દ્વારા રોકડ ઇનામો :
ગીત સ્પર્ધામાં 3 હજારથી એક લાખ સુધીના ઇનામ, વીડિયો સ્પર્ધામાં 5 હજારથી બે લાખ સુધી, પોસ્ટર સ્પર્ધામાં 3 હજારથી 50 હજાર સુધી તથા સ્લોગન સ્પર્ધામાં 2 હજારથી 20 હજાર સુધીના રોકડ ઇનામો ભારતીય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે.
ભારતીય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલ આ મતદાર જાગૃતિ સ્પર્ધાની વધુ માહિતી માટે જિલ્લા સેવા સદન ખાતે ચૂંટણી શાખા અથવા જેસીઆઈ પોરબંદરના સ્થાપક પ્રમુખ લાખણશી ગોરાણીયાના મોબાઈલ નંબર 9925012755, પ્રમુખ રોનક દાસાણીના મોબાઈલ નંબર 8733917576 અથવા સેક્રેટરી પ્રિન્સ લાખાણીના મોબાઈલ નંબર 9726961919 ઉપર સંપર્ક કરવા જેસીઆઈ પોરબંદરની યાદીમાં જણાવાયું છે.