પોરબંદર
પાકિસ્તાન મરીન સિક્યુરીટી દ્વારા પકડી લેવાયેલ બોટો ના માલિકો ને ખાસ કિસ્સા માં પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના તથા બ્લુ રેવલ્યુશન સ્કીમ અંતર્ગત ડીપ સી ફિશિંગ બોટ બનાવવાના પ્રોજેક્ટ માં સામેલ કરી અગ્રતાક્રમ આપવા પોરબંદર ભાજપ ફિશરીઝ સેલ કન્વીનરે મત્સ્યોદ્યોગ મંત્રી ને રજૂઆત કરી છે.
પોરબંદર ભાજપ ફિશરીઝ સેલ કન્વીનર વિશાલ મઢવી એ કેન્દ્રીય મત્સ્યોદ્યોગ મંત્રી ને કરેલી લેખિત રજૂઆત માં જણાવ્યું છે કે પાકિસ્તાન મરીન સીક્યુરીટી એજન્સી દ્વારા અવાર-નવાર ભારતીય માછીમારી બોટનું અને માછીમારોનું અપહરણ કરવામાં આવે છે.અને સજાની મુદ્દત પુરી થતા ખલાસીઓને મુક્ત કરવામાં આવે છે.પરંતુ બોટને મુક્ત કરવામાં આવતી નથી.જેથી હાલમાં અંદાજીત ૧૨૦૦ થી વધુ બોટો પાકિસ્તાનના કબજામાં છે.જે મુક્ત થવાની કોઇ પણ આશા બચી નથી.તેથી આવા બોટ માલિકના પરિવારની આર્થિક પરિસ્થિતિ ખુબજ કંગાળ થઇ છે.અને આવા પરિવારમાં આર્થિક ભીસને કારણે આત્મહત્યાના બનાવ પણ બને છે.
ત્યારે માછીમાર માટે આશાના કિરણ સમાન કેન્દ્ર સરકાર દ્વારા ડીપ-સી ફીશીંગ માટેના પ્રોજેકટ અમલમાં મુક્યો છે.આ પ્રોજેક્ટ માં બોટ બનાવવામાં આવે તો કેન્દ્ર સરકાર દ્વારા યુનિટ કોસ્ટ ૧ કરોડ ૨૦ લાખ માંથી ૭૨ લાખ જેટલી સબસીડીની સહાય આપવામાં આવે છે.આ યોજનામાં પાકિસ્તાનમાં પકડાયેલ બોટોના માલિકોને સામીલ કરી પ્રથમ અગ્રતાક્રમની આપવામાં આવે અને તેના રજીસ્ટ્રેશન કોલ ફિશરીઝ વિભાગ દ્વારા રદ કરવામાં આવ્યા છે.તેને ફરી વખત જીવંત કરી ને આ બોટોના રજીસ્ટ્રેશન કોલ ઉપર લોન અને સબસીડી આપવામાં આવે તેવી માંગ કરી છે.
વધુ માં જણાવ્યું છે કે જે બોટ પાકિસ્તાન દ્વાર પકડવામાં આવી છે.તેવા માછીમારોની આર્થિક પરિસ્થિતિ ખુબજ નબળી થઇ ગઈ છે.અને બેંક લોન લેવા માટે ગેરેન્ટીના રૂપમાં મિલકત મોર્ગેજ મુકવા માટે કોઇપણ પ્રકારની વ્યવસ્થા ન હોવાથી સરકાર દ્વારા જે સહાય આપવામાં આવે છે,તે રાશી ને બોન્ડ વ્યાજ દરે બેંક માંથી ધિરાણ મળે તેવી જોગવાઇ કરી આપવામાં આવે તો બોટ માલિકો બેંક માંથી લોન લઇ શકે.કેન્દ્ર સરકારને ખાસ કિસ્સામાં ઉક્ત બાબતે ભારપૂર્વક ભલામણ કરવામાં આવે તો જેમની આર્થિક પરિસ્થિતિ ખુબજ કંગાળ થઇ ગયેલ છે.અને તેમના પરિવારનું ભરણ પોષણ કરવા અસમર્થ છે. તેવા માછીમાર ફરી વખત બેઠા થઇ શકે અને આર્થિક રીતે સામાન્ય પ્રવાહમાં જોડાઇ શકે.તેવું પણ રજૂઆત માં જણાવ્યું છે.