Tuesday, July 1, 2025

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર માં વોટર સપ્લાય પ્રોજેક્ટ અમૃત-૨ હેઠળ ૧૦૫ કરોડ ની રકમ મંજુર:શહેરની પીવાના પાણી ની સમસ્યા નિવારવા અનેક પ્રોજેક્ટ હાથ ધરાશે

પોરબંદર–છાંયા નગરપાલિકાના જુદાજુદા વોર્ડમાં પીવાના પાણીની સમસ્યાને ભૂતકાળ બનાવવા માટે પાણીને લગતા અનેકવિધ કામો હાથ ધરી વોટર સપ્લાયનું નેટવર્ક અપડેટ કરવું ખૂબ જ જરૂરી હોવાનું માની સંસદસભ્ય રમેશભાઈ ધડુક અને પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયાએ પોરબંદર–છાંયા નગરપાલિકાના ચીફ ઓફીસર પાસે આ કામો અંગેનો પ્રોજેક્ટ રીપોર્ટ તૈયાર કરાવી સરકારમાં પહોંચાડી દીધા બાદ ભાજપના આ બન્ને આગેવાનોએ પોરબંદર-છાંયામાં વોટર સપ્લાયનું નેટવર્ક અપડેટ કરવા માટે જરૂરી એવા અનેકવિધ કામોનો પ્રોજેકટ વહેલીતકે મંજૂર થઈ જાય તે માટે જે તે વખતે રાજયના મુખ્યમંત્રીશ્રીને સંયુક્ત રીતે અસરકારક રજૂઆતો કરેલ હતી.

સંસદસભ્ય રમેશભાઈ ધડુક અને પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયાની અસરકારક રજુઆતોને ધ્યાને લઈ મુખ્યમંત્રીશ્રીએ લાગતા વળગતા વિભાગોને આ બાબતે સત્વરે હકારાત્મક કાર્યવાહી કરવાની આપેલી સુચનાઓ પછી નગરપાલિકાના પૂર્વપ્રમુખ સરજુભાઈ કારીયાના સતત ફોલોઅપના પરિણામ સ્વરૂપ ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ મિશન દ્વારા વોટર સપ્લાય પ્રોજેકટ અમૃત-૨ હેઠળ પોરબંદર–છાંયા નગરપાલિકામાં વોટર સપ્લાયના નેટવર્કને અપડેટ કરવા જરૂરી એવા અનેકવિધ કામો માટે રૂા.૧૦૫.૩૮ કરોડ જેટલી માતબર રકમને મંજૂરીની મહોર મારી દેવામાં આવેલ છે. આ પ્રકારના સમાચાર મળતાંની સાથે જ પોરબંદર–છાંયાના પ્રજાજનોમાં હરખની હેલી છવાય જવા પામી છે. સાથેસાથે નગરપાલિકાના નવા પ્રમુખ ચેતનાબેન તિવારી પ્રમુખપદની ખુરશી પર આરૂઢ થયા બાદ તુરત જ તેણીને આ પ્રકારના ખુશીના સમાચાર મળતાં તેના ચહેરા પર પણ ખુશાલી જોવા મળે તે સ્વાભાવિક છે.

અમૃત-ર હેઠળ મંજૂર થયેલ આ પ્રોજેકટની વહીવટી પ્રક્રિયાઓ પૂર્ણ થયા બાદ તુરત જ ટેન્ડર બહાર પાડી શહેરમાં વોટર સપ્લાયનું નેટવર્ક અપડેટ કરવા માટેના અનેકવિધ કામો હાથ ઘરવામાં આવશે. આ કામો પૂર્ણ થયેથી પોરબંદર–છાંયામાં પાણીનું નેટવર્ક અપડેટ થશે જેના કારણે શહેરના તમામ વોર્ડમાં ઉદ્ભવતી પાણીની સમસ્યા ભૂતકાળ બનશે. તમામ વોર્ડના લોકોને સમયસર અને નિયમિત પીવાનું પાણી મળતું થશે. આ પ્રોજેકટ હેઠળ રૂા.૬૨.૭૦ કરોડના ખર્ચે ફોદાળા ડેમથી ફીલ્ટર પ્લાન્ટ સુધી જતી ૯ કિલોમીટર જેટલી મેઈન પાઈપ લાઈન ડી.આઈ.ની નાખવાનું તથા પોરબંદર–છાંયાના વોર્ડ નં.૧, ૨, ૪, ૫, ૬, ૭, ૮, ૯, ૧૦ અને ૧૧માં ૨૭ કિલોમીટર જેટલી ગ્રેવીટી મેઈન ડીસ્ટ્રીબ્યુશન પાઈપ લાઈન બીછાવવાનું કામ હાથ ધરવામાં આવશે. આ સિવાય આ પ્રોજેકટ હેઠળ શહેરના જુદાજુદા વોર્ડમાં રૂા.૧.૪૨ કરોડના ખર્ચે પાંચ સમ્પ, રૂ।.૧.૦૯ કરોડના ખર્ચે બે ઉંચી ટાંકી, રૂા.૭૩.૧૨ લાખના ખર્ચે ઈલેકટ્રીક મિકેનીકલ આઈટમ, રૂા.૧૧,૬૨ લાખના ખર્ચે હેડવર્કસ ખાતે કમ્પાઉન્ડ વોલ, રૂા.૧૨,૬૬ લાખના ખર્ચે બે પમ્પ હાઉસ અને રૂા.૨૦.૪૧ કરોડના ખર્ચે પ્રોજેક્ટના કામ દરમ્યાન ખોદકામ થયેલા રસ્તાઓના રીસ્ટોરેશનની કામગીરી હાથ ધરવામાં આવશે

પોરબંદર-છાંયાના બાકી રહેતા વોર્ડ નં.૩, ૧૨ અને ૧૩માં અગાઉ અન્ય પ્રોજેકટ હેઠળ વોટર સપ્લાયનું નેટવર્ક અપડેટ કરવાના કામોને અગાઉ મંજૂરી મળી ચૂકી છે. પોરબંદર-છાંયામાં પાણીની સમસ્યા ભૂતકાળ બને તે માટે વોટર સપ્લાયના નેટવર્કને અપડેટ કરાવવાના ભગીરથ કામ માટે રૂ।.૧૦૫.૩૮ કરોડ જેટલી માતબર રકમ મંજૂર કરાવવા બદલ ચેતનાબેન તિવારી–પ્રમુખ નગરપાલિકા-પોરબંદર, મનિષભાઈ શિયાળ ઉપપ્રમુખ, નગરપાલિકા—પોરબંદર, દિલીપભાઈ ઓડેદરા–કારોબારી અધ્યક્ષ, નગરપાલિકા—પોરબંદર, પોરબંદર-છાંયા નગરપાલિકાના જુદાજુદા વોર્ડના ભાજપના સદસ્યઓ તથા જિલ્લા ભાજપ સંગઠનના આગેવાનો અને જુદાજુદા શ્રેષ્ઠીઓએ સંસદસભ્ય રમેશભાઈ ધડુક અને પૂર્વ ધારાસભ્ય–બાબુભાઈ બોખીરીયાનો ખૂબખૂબ આભાર માની તેઓને અભિનંદન પાઠવેલ છે.

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે