પોરબંદર ના અસ્માવતી ઘાટ પાસે બારાની મુખ્ય ચેનાલમાં જામેલ રેતીને દુર કરવા ટેન્ડર પ્રક્રિયા હાથધરીને ઈજારદારને ડ્રેજીંગની કામગીરી સોંપવામાં આવી હોવાની વિધાનસભામાં સરકાર દ્વારા સ્પષ્ટતા કરાઈ છે. ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા દ્વારા કરવામાં આવેલ પ્રશ્નના જવાબમાં મત્સ્યઉદ્યોગ મંત્રી રાઘવજીભાઈ પટેલે જવાબ આપી સ્પષ્ટતા કરી છે.
પોરબંદર બંદરના અસ્માવતી ઘાટ પાસે બારાની મુખ્ય ચેનાલમાં જામેલા 12 થી 15 ફૂટના રેતી-કાદવના ભરાવાને કારણે નાની-મોટી ફિશીંગ બોટો બંદરમાંથી સમુદ્રમાં જઈ શકતી નથી. આ બાબતે ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાને રજુઆતો મળતા તેમણે રાજ્યના મત્સ્યઉદ્યોગ મંત્રી રાઘવજીભાઈ પટેલને પત્ર લખી બારાની મુખ્ય ચેનાલમાં સત્વરે ડ્રેજીંક કરાવવા માંગ કરી હતી.
ત્યારે વિધાનસભાના ચોમાસુ સત્ર દરમિયાન ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ આ રજુઆતના પગલે કરાયેલ કામગીરી અંગે કરેલ પ્રશ્નના જવાબમાં રાજ્યના મત્સ્યઉદ્યોગ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું છે કે ટેન્ડર પ્રક્રિયા હાથધરીને ઈજારદારને ડ્રેજીંગની કામગીરી સોંપી દેવામાં આવેલી છે. મહત્વનું છે પોરબંદર બંદરના અસ્માવતી ઘાટ પાસે બારાની મુખ્ય ચેનાલમાં 10 થી 15 ફૂટ કાદવ અને રેતીના થર ભરાઈ જાય છે, જેથી નાની મોટી તમામ ફિશીંગ બોટો બંદરમાંથી સમુદ્રમાં અવરજવર કરી શકતી નથી. સમુદ્રમાં ભરતી આવે નહીં ત્યાં સુધી કલાકો રાહ જોવી પડે છે જેથી માચ્છીમારોને આર્થિક નુકસાન થઈ રહ્યું છે.
વર્ષો જુના ડ્રેજીંગનો આ પ્રશ્ન ઉકેલાતો ન હતો, તેમજ બંદર ખાતું બેદરકારીભર્યું વર્તન કરે છે. પોરબંદરના માછીમારોમાં નાની-મોટી 5000 થી વધુ બોટો આવેલી છે. જેના દ્વારા માછીમારીનો ધંધો થાય છે ત્યારે અસ્માવતી ઘાટ ખાતેના બારાનું મુખ રેતીના ઢગલાથી બંધ થઈ જતા માછીમારોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. જ્યાં સુધી બારાની મુખ્ય ચેનલ ખૂલ્લી ન થાય ત્યાં સુધી બંદરમાંથી નવી સિઝનમાં માછીમારો ફિશીંગમાં જઈ ના શકે તેવી સ્થિતી સર્જાય છે. આ ગંભીર પરિસ્થિતિ ઉભી થતાં ખારવા સમાજ, માછીમાર બોટ એસોસીએશન, પીલાણા એસોસીએશન દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિર્ણય લેવાયો ન હતો. ત્યારે ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા દ્વારા આ મામલે રાજય સરકાર અને મત્સ્યઉદ્યોગ મંત્રીશ્રીને વારંવાર રજુઆત કરવા ઉપરાંત સમયાંતરે વિધાનસભામાં પણ આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. જેના પગલે અંતે હવે આ સમસ્યા ઉકેલાય તેવી શક્યતાઓ ઉભી થઈ છે.