પોરબંદર ના બંદર વિસ્તારમાં લાઈટ, ફાયર સેફટી અને સાફસફાઈ જેવી પાયાની સુવિધાઓનો પણ અભાવ છે ત્યારે કોંગ્રેસ દ્વારા જીએમબી અને ફિશરીઝ વિભાગ ને રજૂઆત કરાઈ છે.
પોરબંદર શહેર કોંગ્રેસ સમિતિ ઇન્ચાર્જ પ્રમુખ વીરેન્દ્રભાઈ શિયાળ, માછીમાર આગેવાન મનીષભાઈ લોઢારી, હરીશભાઈ કોટીયા, અશ્વિનભાઈ મોતીવરસ, પ્રેમજીભાઈ શેરાજી, નીરજભાઈ બરીદુન વગેરે એ જીએમબી અને ફિશરીઝ વીભાગને પાઠવેલ આવેદન માં જણાવ્યું હતું કે બંદર ના રોડ કિનારા ગોડાઉન વિસ્તાર મા ઘણા સમય થી સ્ટ્રીટ લાઈટ બંધ હોવા અંગે અનેક રજૂઆત છતાં કામગીરી ન થતા આ વિસ્તાર મા ફિશરમેનો ને બહુ જ મુશ્કેલી પડે છે. અને રાત્રી ના સમયે બોટો મા માલ ચડાવવામાં અને ઉતારવામાં અંધારાના કારણે શક્ય બનતું ના હોવાના કારણે કિંમતી માલ પણ બગડી જતો હોય છે. અને અંધારામાં કામગીરી કરવાથી અવાર નવાર માછીમારો ખાડીમાં પડી જવાના બનાવો પણ બનતા હોય છે.
અને રસ્તા માં પણ સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા ન હોવાને કારણે અકસ્માતો અવાર નવાર થવા પામે છે. અનેક માછીમારોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે. અને લાઈટ ની વ્યવસ્થા ન હોવાને કારણે ચોરી ના બનાવ પણ ખૂબ જ બને છે. વધુ માં જણાવ્યું હતું કે જુના બંદર વિસ્તાર મા અને સુભાષનગર ગોદી વિસ્તાર મા વર્ષો થી સાફ સફાઈ માટે કોઈ પણ પગલા ભરવા મા આવ્યા નથી. સફાઈના અભાવે માછીમારો વારંવાર બીમાર પડે છે. તાત્કાલિક સાફસફાઈ કરી આપવી જોઈએ આ વિસ્તારમાં નવા ડામર રોડ અથવા સી સી રોડ બનાવી આપવા જોઈએ. અને રોડ ની સાઈડ મા પેવર બ્લોક નાખવા જોઇએ.
ઉપરાંત અહી બોટોમાં અને ગોડાઉનમા અવાર નવાર આગ ના બનાવ બને છે માછીમારો એ મહેનત કરી અને ઊભી કરેલ બોટો કે ગોડાઉન જયારે આગ ની લપેટ મા આવી જાય છે ત્યારે સમગ્ર પરિવાર નું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બને છે. ભારત દેશ ચાંદ ઉપર પહોંચી ગયો છે. પરંતુ માછીમારો તેમની સમસ્યાઓમાં હજુ પણ ગુંચવાયેલા છે જેથી તમામ સમસ્યાઓ અંગે યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત માં જણાવ્યું છે.