પોરબંદરમાં ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા સી.પી.આર સારવાર માર્ગદર્શન કેમ્પ યોજાયો હતો.
શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ આયોજિત તેમજ પોરબંદરના ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીના સૌજન્યથી હૃદયરોગના દર્દીઓ માટે સમયસર પ્રાથમિક સારવાર મળી રહે તેવા શુભ આશયથી સી.પી.આર. માર્ગદર્શન કેમ્પનું પોરબંદર મહેર વિદ્યાર્થી ભવન ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.
છેલ્લા ૨૩ વર્ષોથી શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ દ્વારા પોરબંદર સહિતના વિસ્તારોમાં શૈક્ષણિક, સામાજિક સહિત અનેકવિધ ક્ષેત્રે સમાજના સર્વાંગી વિકાસ અર્થે કાર્યરત છે. આ મેડિકલ માર્ગદર્શન કેમ્પની શરૂઆતમાં લીરબાઈઆઇ તેમજ પુજય માલદેવબાપુને યાદ કરી ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી પોરબંદરના સભ્યોનું પુષ્પગુચ્છ વડે સ્વાગત કરવામાં આવ્યું હતું.
આજ સુધી હૃદયરોગનો હુમલો મોટી ઉંમરના લોકોને આવતો હોય તેવી આપણા સૌને માન્યતા હતી,પરંતુ તાજેતરમાં જ જોવા મળ્યું છે કે નાની ઉંમરથી લઈ અને મોટી ઉંમરના વ્યક્તિને હૃદય હુમલો અથવા હૃદય બંધ પડવાની ઘટનાઓ બની રહી છે.
અચાનક આવેલા હદય હુમલા કે હૃદય બંધ પડે ત્યારે વ્યક્તિને હોસ્પિટલ પર સારવાર મળે એ પહેલા સમયસર જો પ્રાથમિક સારવાર મળી રહે તો વ્યક્તિનો જીવ બચાવી શકાય છે. વ્યક્તિના જીવ બચવા તેમજ હોસ્પિટલની સારવાર શરૂ થયા પહેલા જો વ્યક્તિને સી.પી.આર.પ્રાથમિક સારવાર મળી રહે એવા શુભ આશયથી આ માર્ગદર્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ મેડિકલ માર્ગદર્શન કેમ્પમાં ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી પોરબંદરથી લાખણીભાઈ ગોરાણીયાના સહકારથી પોરબંદર નર્સિંગ કોલેજના પૂર્વ ડાયરેકટર અરવિંદભાઈ રાજ્યગુરુ હાલ શ્રી સ્વામિનારાયણ નર્સિંગ કોલેજના ડાયરેક્ટર દ્વારા જ્યારે દર્દીઓનું હૃદય બંધ પડી જાય અથવા તો હૃદય રોગનો હુમલો આવે તેવા સમયે દર્દીને કેવા પ્રકારે પ્રાથમિક સારવાર આપી શકાય અને તેમનો જીવ બચાવી શકાય તે બાબતે લાઈવ ડેમોસ્ટ્રેશન દ્વારા સી.પી.આર. માર્ગદર્શન સાથે ટ્રેનિંગ આપવામાં આવી હતી.હૃદય બંધ પડી જવું અથવા તો હ્રદય રોગના હુમલા બાદ જો ચાર મિનિટ દરમિયાન હૃદય ફરી શરૂ થઈ ન શકે તો વ્યક્તિ અવસાન પામી શકે છે ત્યારે આ મહત્વની ચાર મિનિટનો મહત્તમ ઉપયોગ દર્દીને પ્રાથમિક સારવાર કરવામાં આવે તે ખુબ જ આવશ્યક છે પ્રથમ ચાર મિનિટમાં વ્યક્તિ છાતીના ભાગ પર બે હાથના યોગ્ય ઉપયોગથી પ્રેશર આપવામાં આવે તેમજ મોઢા વડે વ્યક્તિને શ્વાસ આપવામાં આવે તો બંધ પડેલું હૃદય ફરી ચેતનવંત થઈ શકે છે. આ બાબતે ડૉ. અરવિંદભાઈ રાજ્યગુરુ દ્વારા ખુબ જ ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ હતું. આ માર્ગદર્શન તેમજ લાઈવ ડેમોસ્ટ્રેશન માટે ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી પોરબંદરના સભ્યોએ મદદરૂપ બન્યા હતા.
આ કેમ્પના અંતે શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ સંસ્થા દ્વારા ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી પોરબંદરના લાખણશીભાઈ ગોરાણીયા, ડૉ.અરવિંદભાઈ રાજ્યગુરુ તેમજ તેમના સભ્યોને મોમેન્ટો આપી તેમની કામગીરીને બિરદાવી હતી, આ કેમ્પમાં સંસ્થાના ટ્રસ્ટી સામતભાઈ સુંડાવદરા, મહામંત્રી બચુભાઈ આંત્રોલીયા, ઉપપ્રમુખો લાખાભાઈ કેશવાલા, નવઘણભાઈ બી.મોઢવાડીયા, વજ્શીભાઈ (કારાભાઈ) કેશવાલા, અરજનભાઈ ખીસ્તરીયા, રામભાઈ મેપાભાઈ ઓડેદરા, મહિલા મંડળના જયાબેન સુંડાવદરા, ભાવનાબેન કુછડીયા, ભરતભાઈ વાઢેર, વિદ્યાર્થીઓ તેમજ જ્ઞાતિજનો હાજર રહ્યા હતા.




