પોરબંદર જીલ્લા પંચાયત ખાતે માજી સૈનિકો અને અધિકારીઓ,પદાધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી જેમાં માજી સૈનિકો ના વિવિધ પડતર પ્રશ્નો અંગે રજૂઆત કરાઈ હતી.
પોરબંદર જિલ્લા પંચાયત ખાતે માજી સૈનિકોની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ અને કારોબારી સમિતિનાં અધ્યક્ષ રમેશભાઇ ઓડેદરા(પટેલ), તાલુકા પંચાયતનાં પૂર્વ પ્રમુખ વિરમભાઇ કારાવદરા, શિક્ષણ સમિતિનાં અધ્યક્ષ આવડાભાઇ ઓડેદરા તથા તાલુકા વિકાસ અધિકારી કમ ચીટનીસ(જમીન દબાણ) રાણાભાઇ વી ઓડેદરા તથા વિસ્તરણ અધિકારીશ્રી ડી.બી.પરમાર વિગેરે તમામની અધ્યક્ષતામાં યોજવામાં આવેલ હતી.
બેઠકમાં માજી સૈનિકો દ્વારા તેમના પડતર પ્રશ્નો જેવા કે પોરબંદર જિલ્લામાં વર્ષ ૨૦૦૭ પછીથી સાંથણી થઇ નથી. માજી સૈનિકો સરકારની મફત પ્લોટ સહાય યોજનાનો લાભ મળેલ નથી તેમની માંગણી છે કે અન્ય જિલ્લાની જેમ પોરબંદર જિલ્લામાં પણ માજી સૈનિકો એકી સાથે રહે તે માટે એક સોસાયટી વસાવવામાં આવે તે રીતે જગ્યા આઇડેન્ટીફાઇ કરીને પ્લોટ ફાળવવા માંગણી છે. તેમજ જિલ્લા પંચાયત દ્વારા તેમનાં સ્વભંડોળમાંથી બજેટમાં જોગવાઇ કરીને માજી સૈનિકોને વિરાંગનાઓને સહાય તથા બાળકોનાં અભ્યાસની સહાય માટે પણ મદદરૂપ થવા માંગણી કરવામાં આવી છે.
આ તકે રમેશભાઇ ઓડેદરા(પટેલ) તથા વિરમભાઇ કારાવદરા દ્વારા ખાત્રી આપી છે કે અમારા થી બનતી તમામ મદદ આપને કરવામાં આવશે. અમારા તરફથી સરકારમાં પણ આ બાબતે રજૂઆત કરવામાં આવશે. પડતર પ્રશ્નોનો નિકાલ વહેલી તકે થાય તે અંગે સરકારનું લેખિતમાં ધ્યાન દોરીને રજૂઆત કરવામાં આવશે તેમજ જ્યારે પણ જિલ્લા પંચાયતનાં સંગઠનનાં હોદેદારોની જરૂર પડે ત્યારે માજી સૈનિકો સાથે રહીને કામ કરવાની ખાત્રી આપવામાં આવી તેમજ માજી સૈનિક સંગઠનનાં માલદેભાઇ ઓડેદરા, લાખણસિંહભાઇ, તરૂણભાઇ ગોહીલ વિગેરે દ્વારા પણ ખાત્રી આપવામાં આવી કે જિલ્લા પંચાયતને જ્યારે પણ જરૂર પડે ત્યારે ડિઝાસ્ટર સમયે કે અન્ય કોઇ કુદરતી આપત્તીનાં સમયે માજી સૈનિકો પણ મદદરૂપ થવા સહકાર આપશે.