પોરબંદર
પાક મરીન સિક્યુરીટી દ્વારા વધુ એક વખત ભારતીય જળસીમા માં ઘુસી સૌરાષ્ટ્ર ની 5 બોટ અને ૩૦ માછીમારો ના અપહરણ કર્યા છે.અપહરણ ના પગલે માછીમારો માં રોષ જોવા મળે છે.
પાકિસ્તાન મરીન સિક્યુરીટી એ ફરી અરબી સમુદ્ર માં નાપાક હરકત શરુ કરી હોય તેમ સૌરાષ્ટ્ર ની વધુ 5 બોટ અને ૩૦ માછીમારો ના અપહરણ કર્યા છે.પોરબંદરના માછીમાર આગેવાન મનીષભાઈ લોઢારી એ જણાવ્યું હતું કે ગઈ કાલે સૌરાષ્ટ્ર ની કેટલીક બોટો ભરતીય જળસીમા નજીક માછીમારી કરી રહી હતી.ત્યારે અચાનક પાક મરીન સિક્યુરીટી ની પેટ્રોલિંગ શીપ ત્યાં ઘસી આવી હતી.અને મશીનગન ના નાળચે 5 બોટો અને તેમાં રહેલ ૩૦ માછીમારો ના અપહરણ કર્યા છે.અપહરણ થયેલ બોટો માં બે બોટ માંગરોળ ની અને પોરબંદર,ઓખા અને વણાંકબારા ની એક એક બોટ નો સમાવેશ થાય છે.આ બોટો હજુ કરાચી પહોંચી ન હોવાથી તેના નામ જાણી શકાયા નથી.અપહરણ થયેલ ખલાસીઓ માં મોટા ભાગ ના ઉના,ગીર સોમનાથ અને વલસાડ પંથક ના હોવાનું જાણવા મળે છે.
છેલ્લા ૨૫ દિવસ માં સૌરાષ્ટ્ર ની ૨૦ બોટ અને ૧૨૦ માછીમારોના અપહરણ
પાક મરીન સિક્યુરીટી દ્વારા ઓપરેશન મુસ્તૈદ શરુ કર્યા બાદ છેલ્લા એક માસ માં સૌરાષ્ટ્ર ની ૨૦ બોટ અને ૧૨૦ માછીમારો ના અપહરણ કર્યા છે.અને હાલ માં રાજ્ય ની અબજો રૂપિયાની કીમત ની ૧૨૦૦ થી વધુ બોટો અને ૬૦૦ થી વધુ માછીમારો પાકિસ્તાન ની કેદ માં છે.
માછીમારો ની સ્થિતિ દિવસે દિવસે કફોડી
મનીષભાઈ એ જણાવ્યું હતું કે એક બાજુ કોરોનાને લીધે માછીમારી ઉદ્યોગમાં ભારે મંદીનું મોજું જોવા મળી રહ્યું છે.તો બીજી બાજુ દરિયાઈ પટ્ટી ઉપર આડેધડ ઉદ્યોગો ખડકાઇ ગયા હોવાથી દરિયાઈ પ્રદુષણમાં વધારો થતા માછીમારોના ટ્રીપના દિવસો લંબાઈ ગયા છે.તેમ છતાં પુરતા પ્રમાણમાં માછલીઓ મળતી નથી.તો ત્રીજી બાજુ પાકિસ્તાનના નાપાક ચાંચીયાઓની હરકત વધી રહી છે.જેથી માછીમારો ની સ્થિતિ દિવસે દિવસે વધુ ને વધુ કફોડી થતી જાય છે.
પકડાપકડી નો ખેલ બંધ કરાવો
પાક મરીન દ્વારા અવારનવાર ભારતીય જળસીમા માં ઘુસી બોટો અને માછીમારો ના અપહરણ કરવામાં આવે છે. પાકિસ્તાન આ પ્રકારની હરકતો વધારતું જશે તો માછીમારોએ માછીમારી કરવાનું જ બંધ કરી દેવું પડશે.આથી બોટ અને માછીમારોનો પકડાપકડીનો ખેલ બંધ કરાવવા અને પાક કબ્જાની બોટો માછીમારો સાથે મુક્ત કરાવવા પણ મનીષભાઈ એ માંગ કરી છે.