પોરબંદરમાં શ્રીમદ્ વલ્લભાચાર્યજી પ્રાકટય મહોત્સવ નિમિત્તે શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞ મહોત્સવનું દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હજારો વૈષ્ણવો ઉમટી પડયા હતા.
પોરબંદર ખાતે પૂ.ગો. ૧૦૮ શ્રી વસંતકુમાર મહોદય ની નિશ્રામાં અને શ્રી વ્રજનિધિ પરિવાર અને શ્રી મહાપ્રભુજી ઉત્સવ આયોજનના ૨૪માં વર્ષના ઉપલક્ષ્યમાં શ્રી વલ્લભાચાર્યજી પ્રાકટય મહોત્સવ- ૨૦૨૩ (શ્રી વલ્લભાબ્દ ૫૪૬) શ્રીમદ્ ભાગવત જ્ઞાન મહોત્સવનું ‘શ્રી વલ્લભધામ, ફિજી છાત્રાલય, ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદના વકતા સુમિતકુમારજી શર્માએ વ્યાસપીઠ પર બિરાજી કથાનું રસપાન કરાવ્યું હતું, ઉત્સવદિને ભાવસિંહજી હોસ્પિટલ, લેડીઝ હોસ્પિટલ, શિશુકુંજ, અંધગુરુકુળમાં ફૂટ તથા બિસ્કીટ વિતરણ, રસીકબાપા રોટલાવાળા ટ્રસ્ટમાં અનાજ અને તેલ અર્પણ, ભીમનાથ મંદિર રેલ્વે સ્ટેશનમાં અનાજ અને તેલ અર્પણ, પ્રાગજીબાપા આશ્રમમાં અનાજ અને તેલ અર્પણ કરવા સહિત સેવાકાર્યોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ધર્મોત્સવમાં પૂજય ગો. ૧૦૮ શ્રી જયવલ્લભલાલજી મહોદય,લાડલેશબાવા, છાયા સ્વામીનારાયણ શાસ્ત્રી સ્વામી ભાનુપ્રકાશદાસજી સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
શ્રી આચાર્ય ચરણ પ્રાદુર્ભાવ મહોત્સવ આજે તા. ૧૬ના યોજાશે જેમાં શ્રી સર્વોતમ સ્તોત્રના પાઠ સવારે ૯:૩૦ કલાકે, શ્રીના ફૂલના પલના સવારે ૧૦:૩૦ કલાકે, શ્રીના તિલક આરતી-લમંડલી દર્શન ૧૨:૩૦ કલાકે વલ્લભાચાર્યજીની હવેલી ખાતે યોજાશે. ભવ્ય શોભાયાત્રા સાંજે ૫ કલાકે શ્રીનાથજી હવેલીથી પ્રારંભ થઇ અને ‘શ્રી વલ્લભધામ” ફીજી છાત્રાલયે ધર્મસભાના રૂપમાં પરીણમશે. આ સમગ્ર આયોજન દરમિયાન સમસ્ત વલ્લભકુલ પરિવાર-પૂજ્ય આચાર્યચરણો કૃપા વિચારી પધારી વચનામૃત દ્વારા અનુગૃહિત કરશે. સાથોસાથ પૂ.ગો. શ્રી વસંતરાયજી મહારાજની પ્રેરણાથી પ્રતિ વર્ષે ઉત્સવની સભામાં પોરબંદરની સેવાભાવી વિશિષ્ટ સંસ્થા અને વિશિષ્ટ વ્યક્તિને સન્માનવાની યાત્રામાં આ વર્ષ-૨૦૨૩માં વિશિષ્ટ સંસ્થામાં વર્ષોથી થેલેસેમિક બાળકોને નિઃશુલ્ક લોહી આપતી સંસ્થા આશા ચિલ્ડ્રન હોસ્પિટલ અને આશા બ્લડ બેન્ક તેમજ વિશિષ્ટ વ્યક્તિ તરીકે જાણીતા મહિલા અગ્રણી, અનેકવિધ સમાજસેવાની પ્રવૃત્તિઓ હાથ ધરી છે. તેવા સુરેખાબેન શાહનું અભિવાદન કરવામાં આવશે. તથા ધર્મસભાના વિરામ બાદ વૈષ્ણવો માટે મહાપ્રસાદનું આયોજન પટેલ સમાજ, પોર્ટ કોલોની સામે, વાઘેશ્વરી પ્લોટ ખાતે કરવામાં આવ્યું છે.



