માધવપુરની દરિયાઈ પટ્ટી ઉપરથી બરડા ડુંગર માં આવેલ સિંહ માલધારીઓના પશુઓને શિકાર બનાવી રહ્યો છે. આથી માલધારીઓનું બરડા ડુંગરમાંથી સ્થળાંતર કરવા માલધારી આદિવાસી વિકાસ ટ્રસ્ટ દ્વારા કલેકટર ને આવેદન પાઠવાયું છે.
માધવપુરની દરિયાઈ પટ્ટી ઉપરથી ફરતો-ફરતો કોલંબસ નામનો સિંહ પોરબંદરનો ત્રણ મહિના સુધી મહેમાન બન્યા બાદ વન વિભાગે તેને બરડા ડુંગર તરફ વાળી દીધો છે ત્યાં આ સિંહ માલધારીઓના પશુઓને શિકાર બનાવી રહ્યો છે તેમ જણાવી સિંહના વસવાટ સામે તેઓને વાંધો નથી પરંતુ માલધારીઓનું બરડા ડુંગરમાંથી સ્થળાંતર કરીને તેમને જમીન અથવા રૂપિયાની ફાળવણી કરવી જોઈએ તેમ જણાવીને માલધારી આદિવાસી વિકાસ ટ્રસ્ટ દ્વારા વન અને પર્યાવરણ મંત્રીને રૂબરૂ મળીને રજુઆતો કરવામાં આવી છે.
માલધારી આદિવાસી વિકાસ ટ્રસ્ટના પ્રમુખ વજાભાઈ કિસાભાઈ ગુગુટીયા,ઉપપ્રમુખ પુંજાભાઈ પાલાભાઈ ગુરગુટીયા, અજાભાઈ ગુરગુટીયા અને બિલેશ્વરના અગ્રણી ગોગનભાઈ મોરી વગેરેના પ્રતિનિધિ મંડળે અગાઉ પોરબંદરના જીલ્લા કલેકટરને અને ત્યારબાદ વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાને લેખિત આવેદનપત્ર પાઠવી જણાવ્યું છે કે, રાણાવાવ તાલુકાના તથા ભાણવડ તાલુકાના બરડા જંગલ વિસ્તારથી માલધારીનું સ્થળાંતર ન થાય ત્યાં સુધી સિંહ વસવાટ બંધ રાખવવા માંગ કરીને ઉમેર્યુ છે કે,પોરબંદર જીલ્લાના રાણાવાવ તાલુકાના તેમજ દેવભૂમિ દ્વારકાના ભાણવડ તાલુકાના બરડા જંગલ વિસ્તારમાં માલધારી આદિવાસી રબારી, ચારણ ભરવાડ પેઢી દર પેઢીથી ત્યાં વસવાટ કરે છે. માલધારીઓની જીવાદારી સમો વ્યવસાય એકમાત્ર પશુપાલન જ છે અને પશુપાલન દ્વારા રોજગારી મેળવે છે.
હાલમાં બરડા જંગલ વિસ્તારમાં જંગલ ખાતા મારફત એક સિંહ છુટો મુકેલ છે. જે સિંહ રોજબરોજ અમારા ગાય, ભેંસ, ઉંટ, બકરા વિગેરે જીવોનો સંહાર કરે છે અને સિંહ ગર્જનાથી પશુઓ તેમજ માલધારીઓમાં ભય વ્યાપી ગયેલ છે. છેલ્લા બે માસથી સિંહના ડરથી માલધારીના બાળકો સ્કુલે અભ્યાસ માટે પણ જતા નથી આમ અમારા પશુઓનો નાશ થશે તો અમારી જીવાદોરી ટુટી જશે.
તો સરકારની યોજના માલધારીને સ્થળાંતર કરાવી અન્યત્ર વસાવવા ચાલે છે. તો જયાં સુધી માલધારી સ્થળાંતર ન થાય ત્યાં સુધી સિંહ વસાવાટ બરડા જંગલમાં થવો ન જોઇએ. તો આ છુટો મુકેલ સિંહને જંગલ ખાતા દ્વારા પાંજરૂ મુકીને અન્યત્ર ગીરમાં કે ગીરનારમાં ખસેડવા અમારી નમ્ર અરજ છે. સિંહ ગર્જનાથી ગાય ભેંસો દોવા પણ દેતી નથી અને ગાયો ભેંસો આખો દિવસ ભાંભરડા નાખે છે. આ બાબતે વહેલી તકે નિર્ણય લઇ યોગ્ય થવા અમારી માંગ છે. વધુમાં જણાવવાનું કે છેલ્લા બે માસની અંદર જુદા જુદા નેશમાં ગાય, ભેંસ, વાછરડા ખડેલાના આઠ દસ જીવોનું મારણ કરેલ છે જેનું રોજ કામ જંગલ ખાતાએ કરેલ છે જેનું હજી પણ વળતર મળેલ નથી તેમ જણાવીને સિંહના વસવાટની સાથોસાથ પહેલા માલધારીઓનું સ્થળાતંર કરાવી આપવા માંગ થઇ છે.
બરડાડુંગરમાં આઝાદી પૂર્વેથી જ માલધારીઓના ૧૫૦૦ જેટલા પરિવારો વસવાટ કરી રહ્યા છે અને તેની અંદાજે ૧૦,૦૦૦ ની વસ્તી પોરબંદર તથા દેવભૂમિ દ્વારકા જીલ્લાના રાણા બરડો અને જામ બરડો વિસ્તારમાં રહે છે. જેમના દ્વારા વર્ષોથી સ્થળાંતર કરવાની માંગણી અધ્ધરતાલ છે. તેથી ન્યાય મળવો જોઈએ તેમ જણાવીને અજાભાઈ ગુરગુટીયાએ એવું પણ જણાવ્યું હતું કે,માલધારીઓનું સ્થળાંતર કરીને તેમને જમીન ફાળવવી જોઈએ અથવા તેની કિમત મુજબના રૂપિયા ફાળવવા જોઈએ કે જેથી તેઓનું સ્થળાંતર થાય પછી તેમની રોજીરોટી આસાનીથી મેળવી શકે તે માટેની વ્યવસ્થા કરી આપવી જોઈએ. જેમાં ગોઢાણા વીડી, નડીયાધાર, જાંબુડા અને આદિત્યાણાની કટકી વીડી જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે.