પોરબંદરમાં જિલ્લાકક્ષાની સ્ટેમ ક્વિઝનું ઓનલાઇન આયોજન કરવામાં આવ્યું છે.
પોરબંદર ખાતે સત્સંગ શિક્ષા પરિષદ, છાયા સંચાલિત અને ગુજકોપ્ટ ગાંધીનગર માન્ય સહજાનંદસ્વામી જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર અને ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજીના સંયુકત ઉપક્રમે તા. ૧૫ એપ્રિલના રોજ સાંજે ૪ વાગ્યાથી જિલ્લા કક્ષાની સ્ટેમ ક્વિઝનું આયોજન ઓનલાઇન માધ્યમ દ્વારા કરવામાં આવ્યું છે. નિયામક શાસ્ત્રી સ્વામી ભાનુપ્રકાશદાસજીના સંપૂર્ણ માગદર્શન હેઠળ ત્રણેય તાલુકામાં સ્ટેમ ક્વિઝ માટે સેન્ટરો ફાળવવામાં આવ્યા છે જે તમામ સેન્ટરો ખાતે કો-ઓર્ડિનેટરની પણ અસ્થાયી નિમણૂંક કરાઈ છે. જિલ્લા કક્ષાની ક્વિઝમાંથી પોરબંદર, રાણાવાવ અને કુતિયાણા તાલુકામાંથી ટોપ ૧૦ વિદ્યાર્થીઓ આગામી ૨૮ થી ૩૦ તારીખ દરમીયાન અમદાવાદ સાયન્સ સીટી ખાતે રાજ્યકક્ષાની ક્વિઝ રમવા જશે.
રાજ્યકક્ષાએ જનાર તમામ ૩૦ બાળકોને સરકાર તરફથી ટેલીસ્કોપ અને રોબોટીકસ કીટ ઇનામ સ્વરૂપે આપવામાં આવશે. જિલ્લાના ૪૦૦૦થી વધુ વિદ્યાર્થીઓએ આ ક્વિઝમાં રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જિલ્લાની તમામ સેકન્ડરી અને હાયર સેકન્ડરી શાળાઓના આચાર્યો પોતાના શાળાના રજીસ્ટ્રેશન કરેલા વિદ્યાર્થીઓને જાણ કરે તેવી વિજ્ઞાન કેન્દ્રના કો-ઓર્ડિનેટરએ અપીલ કરી છે.જિલ્લા કક્ષાની વધુ માહિતી માટે વિવેકભાઈ ભટ્ટનો ૭૪૦૫૨ ૫૬૫૮૦ પર સંપર્ક સાધવા જણાવાયું છે.