પોરબંદર
પોરબંદરમાં માનસિક અસ્વસ્થ થઇ જતા ઘર છોડીને ચાલી ગયેલી મહિલાનું કાઉન્સેલીંગ કરીને ૧૮૧ ની ટીમે તેનું પરિવારજનો સાથે મિલન કરાવ્યું હતું.
પોરબંદર ના એક જાગૃત નાગરિકે ૧૮૧ અભયમ હેલ્પલાઈન પર ફોન કરીને જણાવ્યું હતું કે એક મહિલા સતત બે કલાકથી એક મંદિર બહાર ઉભી છે અને તે રડતી હોવાનું જણાય છે.તેથી અભયમ ટીમના કાઉન્સેલર રીના દિહોરા, પોલીસ કોન્સ્ટેબલ વર્ષાબેન જાદવ,ડ્રાઈવર કિશન દાસા સહિતની ટીમ સ્થળ પર પહોંચી હતી.અને મહિલા સાથે કાઉન્સેલીંગ કરીને આશ્વાસન આપી અને શાંત કર્યા હતા.
ત્યાર બાદ તેઓ ઘરે થી ક્યા કારણોસર નીકળી ગયા હતા.તે અંગે પૂછતા મહિલાએ એવું જણાવ્યું હતું કે તેના પતિનું થોડા મહિના પહેલા અવસાન થયું હતું.જેના આઘાતને લીધે તેઓની માનસિક સ્થિતિ થોડી અસ્વસ્થ થઇ જતા તેઓ ઘરેથી નીકળી ગયા હતા.અભયમ ટીમ દ્વારા મહિલા ને તેના ઘરનું એડ્રેસ પુછતા તેઓએ પોતે પોરબંદરના જ હોવાનું જણાવ્યું હતું.પરંતુ બે એડ્રેસ આપ્યા હતા.જેમાં અભયમ ટીમ દ્વારા પહેલા એડ્રેસ પર જતા તે ઘર તે મહિલાનું માસીનું ઘર હતું.તેના માસી પાસે થી તેનું સાચું એડ્રેસ મેળવી તે મહિલા ના ઘરે ગયા હતા.જ્યાં તેના જેઠ જેઠાણી સાથે પરામર્શ કરી મહિલાને ને તેના જેઠ-જેઠાણીને સોપી હતી.