સામાન્ય સંજોગોમાં જયારે કોઈપણ મિલ્કત અધાટ વેચાણ દસ્તાવેજથી ખરીદ કરવામાં આવેલી હોય ત્યારે રેવન્યુ રેકર્ડમાં તેની એન્ટ્રી પાડવામાં આવતી હોય છે. પરંતુ હાલ કોઈ એક માલીક દ્રારા બાકીના માલીકોની સંમતિ વગર તેની જાણ બહાર ખેતીની જમીનમાં રહેલો તેનો હીસ્સો વેચાણ કરતા હોય અને અવિભાજય હીસ્સાનું અધાટ વેચાણ દસ્તાવેજ કરતા હોય તેવા કીસ્સામાં બાકીના માલીકોના હકક હીતને નુકશાન થતુ હોય અને તે રીતે પોરબંદર તાલુકાના રતનપર ગામના ખાતેદાર ખેડૂત મોહનભાઈ વાઢીયા ની જમીન તેના વારસો વિરમભાઈ મોહનભાઈ વાઢીયા તથા ભરતભાઈ મોહનભાઈ વાઢીયા ના નામે રેવન્યુ રેકર્ડમાં બોલતી હતી.
તે પૈકી ભરતભાઈ વાઢીયા દ્રારા પોતાના હીસ્સાની અડધી જમીન સહમાલીક વિરમભાઈ મોહનભાઈ વાઢીયા ને જાણ કર્યા વગર તેની સંમતિ વગર તેની સુચના વગર તેઓને અંધારામાં રાખીને પ્રતાપભાઈ મેરૂભાઈ કેશવાલા ને વહેંચી નાખતા અને અધાટ વેચાણ દસ્તાવેજ કરી નાખતા અને તેના આધારે એન્ટ્રી પાડવા માટે અરજ અહેવાલ કરતા વિરમભાઈ વાઢીયા દ્રારા વાંધો લીધેલો હોવાછતાં નાયબ કલેકટરશ્રીએ દસ્તાવેજ મુજબ રેવન્યુ રેકર્ડમાં એન્ટ્રી પાડવાનો હુકમ કરેલો હતો. તે સામે વિરમભાઈ વાઢીયા દ્રારા તેમના એડવોકેટ ભરતભાઈ લાખાણી મારફતે જીલ્લા કલેકટરમાં અપીલ દાખલ કરેલી હતી.
અને જણાવેલ કે, ” જો આ રીતે સહ માલીકની સંમતિ વગર અને તેની જાણ બહાર હીસ્સાના દસ્તાવેજ થવા માંડે તો અને તેની એન્ટ્રીઓ પડવા મંડે તો કોઈપણ માથાભારે માણસ કે, પહોંચતી વ્યકિત કોઈ એક માલીકનો હીસ્સો ખરીદી લે અને પછી પોતાની એન્ટ્રી પડાવીને બાકીના માલીકોને કાયમી રીતે હેરાન કરવાનું શરૂ કરી દે તો બાકીના માલીકોને તેના વાંક ગુન્ડા વગર હેરાનગતી થાય અને તે અન્વયે નામદાર સુપ્રિમ કોર્ટ દ્રારા પણ રામદાસ વિરૃઘ્ધ સીતાબાઈ ના કેસમાં આ મુજબ ની છણાવટ કરેલી હોય તેવી વિગતવાર દલીલ કરતા અને ઓથોરીટી રજુ કરતા જીલ્લા કલેકટર દ્રારા તમામ રેકર્ડ ઘ્યાને લઈ નાયબ ક્લેક્ટરનો એન્ટ્રી પાડવાનો હુકમ નામંજુર કરેલો હતો.
અને તે રીતે સહમાલીક ની સંમતિ વગર કોઈ દસ્તાવેજ કરવામાં આવેલુ હોય ત્યારે રેવન્યુ રેકર્ડમાં તેની એન્ટ્રી પાડી શકાય નહીં. તેવુ આ ચુકાદાથી પ્રસ્થાપિત થયેલ છે.
આ કામમાં અપીલકર્તા વતી પોરબંદરના જાણીતા એડવોકેટ દિપકભાઈ બી. લાખાણી, ભરતભાઈ બી. લાખાણી, હેમાંગ ડી. લાખાણી, અનિલ ડો. સુરાણી, જયેશ બારોટ, જીતેન સોનીગ્રા,નવધણ જાડેજા તથા કિશન ગોહેલ રોકાયેલા હતાં.
				
															














