પોરબંદર
પોરબંદરમાં કીર્તિમંદિર પોલીસની વધુ એક બેદરકારી સામે આવી છે.જેમાં વાહનોના વીમા અંગે દંડ ફટકારવાની સતા પોલીસને ન હોવા છતાં એક વેપારીનું બાઇક ચેક કરી વિમા નો દંડ ફટકારી દેતા આ વેપારીએ કોર્ટમાં પોલીસ સામે ફરિયાદ નોંધાવી છે.
પોરબંદરના રહેવાસી જીતેશભાઈ ગોવિંદભાઈ મજીઠીયા નામના વેપારી ગત તારીખ છ ફેબ્રુઆરીના રોજ સાંજે સાત કલાકે પોતાનું બાઇક ચલાવી રાણીબાગ ચાર રસ્તેથી પસાર થતા હતા.ત્યારે કીર્તિમંદિર પોલીસ મથકના ભીમા ઓડેદરા,ભરત શીગરખિયા અને અન્ય બે પોલીસકર્મીઓએ તેઓનું બાઇક રોકાવ્યું હતું.અને બાઈકના કાગળિયા માંગ્યા હતા.જેમાં જીતેશભાઈ પાસે વિમાના કાગળિયા અને પીયૂસી ન હતું.જેથી આ પોલીસકર્મીઓએ રૂપીયા રપ૦૦ નો દંડ ફટકારી પાવતી આપી હતી.જે પાવતીમાં વીમા અંગેનો દંડ પણ નોંધવામાં આવ્યો છે.
જેથી વેપારી એ વકીલ જયેશભાઇ હાથલીયાની સલાહ લેતા વકીલે જણાવ્યું હતું કે વીમા અંગેના કાગળિયા અને તે ન હોય તો વીમા અંગે દંડ પોલીસ ફટકારી શકે નહી.આ સતા માત્ર આર.ટી.ઓ. વિભાગને છે.જેથી તેઓએ વકીલ હાથલીયા મારફત કીર્તિમંદિરના ડી સ્ટાફના ભીમા અને શીગરખિયા સહિત ચાર સામે કોર્ટમાં પાવતીના પુરાવા સાથે ફરિયાદ દાખલ કરી છે.
ઉલ્લેખનીય છે કે, કીર્તિમંદિર પોલીસ પોતાની સતાનો ગેર ઉપયોગ કરી નાના વાહન ચાલકોને દંડ ફટકારી દેતા હોય તેવી અનેક ફરિયાદો ઉઠી હતી.જે અંગે અહેવાલો પ્રસારીત કરવામાં આવ્યા હતા.કીર્તિમંદિર પોલીસ મથકના ભીમા ઓડેદરા સહિતના પોલીસકર્મીઓ સામે અગાઉ પણ દારૂ, જુગારની હપ્તાખોરી સહિતના આક્ષોપો થયા છે.ત્યારબાદ સતાનો ગેરઉપયોગ કરી નાના વાહનચાલકોને મન ફાવે તેવા દંડ ફટકારવામાં આ પોલીસકર્મીઓએ માઝા મૂકી હોવાની ફરિયાદ પણ ઉઠી હતી.
ત્યારે જીતેશભાઈ નામના આ જાગૃત વેપારીએ કોર્ટમાં ફરિયાદ કરી છે.ત્યારે કીર્તિમંદિર પોલીસની વધુ એક બેદરકારી સામે આવી છે,આવા તો અનેક વાહન ચાલકોને વિમાની પાવતી આપી હશે તેવું પણ જાણવા મળે છે.કીર્તિમંદિર પોલીસ મથકના ભીમા ઓડેદરા સહિતના પોલીસકર્મીઓ સામે છેલ્લા કેટલાયે સમયથી અનેક આક્ષેપો થાય છે,પરંતુ ઉચ્ચ અધિકારીઓ ને આ પોલીસકર્મીઓ અતિ પ્રિય હોય તેમ તેની બદલીની અનેક માંગણીઓ અને કાર્યવાહીની પણ અનેક માંગણીઓ હોવા છતાં તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.જેને લઈને હપ્તાખોરી નીચેથી ઉપર સુધી જતી હોવાના પણ સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે.
જુઓ આ વિડીયો