પોરબંદર
પોરબંદર માં ગ્રામ સેવક ની ભરતી નિયમો માં શૈક્ષણિક લાયકાત માટે નો ૧૧ જાન્યુઆરી નો પરિપત્ર રદ કરવા કલેકટર ને આવેદન પાઠવાયું છે.
પોરબંદર ના યુવાનો એ કલેકટર ને પાઠવેલ આવેદન માં જણાવ્યું છે કે તા ૧૧-૧-૨૦૨૨ ના રોજ પંચાયત વિભાગ દ્વારા નોટિફિકેશન જાહેર થયું છે જેમાં ગ્રામસેવકની ભરતી નિયમોમાં બી.એસ.સી એગ્રીકલ્ચર,બી.એસ.સી હોર્ટિકલચર,બીઈ (એગ્રીકલ્ચર)નો સમાવેશ કરી દેવામાં આવ્યો છે.જેનાથી કૃષિ ક્ષેત્રના ડિપ્લોમાં અને બીઆરએસના વિદ્યાર્થીઓ સાથે સીધો અન્યાય થવા જઈ રહ્યો છે.
કૃષિ ક્ષેત્રના ડિપ્લોમા અને બીઆરએસ ના વિદ્યાર્થીઓ માટે સરકારી ક્ષેત્રમાં માત્ર ‘ગ્રામસેવક’ પુરતી જ રોજગારીની તક રહેલી છે તેમજ વર્ગ-૩ની તેમના અભ્યાસક્રમને અનુરૂપ ફિલ્ડને લગતી પોસ્ટ છે,જ્યારે બી.એસ.સી એગ્રીકલ્ચર, બી.એસ.સી હોર્ટિકલચર,બીઈ (એગ્રીકલ્ચર) વગેરેને એગ્રીકલ્ચર ઓફીસર,વિસ્તરણ અધિકારી ખેતી,બાગાયત વિભાગમાં જેવી અનેક ભરતીઓમાં માન્ય ગણવામાં આવે છે.અને રોજગારી માટેના પૂરતી તકો રહેલી છે.
વળી ગ્રામસેવકની ભરતી નિયમોમાં બી.એસ.સી એગ્રીકલ્ચર,બી.એસ.સી હોર્ટિકલચર,બીઈ(એગ્રીકલ્ચર)નું શૈક્ષણિક સ્તર ઊંચું હોવાથી આડકતરી રીતે ઉચ્ચ ડિગ્રીઓ સાથે ડિપ્લોમા અને બીઆરએસની સ્પર્ધા કરાવવી એ ગ્રામસેવક ભરતી નિયમોમાં ડિપ્લોમા અને બીઆરએસનો સમાવેશ ન બરાબર છે,વળી તારીખ ૨૫-૧૧-૨૦૧૯ ના રોજ પંચાયત વિભાગ દ્વારા ગ્રામસેવકની ભરતી માટેના નવા નિયમો બનાવવામાં આવેલા તેમાં પણ બી.એસ.સી એગ્રીકલ્ચર,બી એસ.સી હોર્ટિકલચર,બીઈ (એગ્રીકલ્ચર)નો સમાવેશ કરેલ નથી અને ત્યારબાદ એકપણવાર ભરતી થઈ નથી.ત્યાં અચાનક આ પ્રમાણે નિયમોમાં ફેરફાર કરવાથી કૃષિ ક્ષેત્રના ડિપ્લોમા અને બીઆરએસના વિદ્યાર્થીઓ સાથે
સબંધિત વિભાગો દ્વારા કોઈપણ નિર્ણયથી વિદ્યાર્થીઓ સાથે અહીત ન થાય તે માટે અગાઉ અનેક આવેદનપત્રો દ્વારા રજુઆત કરાઈ હતી.
તેમ છતાં રજૂઆતને ધ્યાનમાં લેવામાં આવી ન હોઈ તેવું ધ્યાને આવે છે.આથી તાત્કાલિક ધોરણે તા ૧૧-૧-૨૦૨૨નો પરિપત્ર રદ નહીં કરવામાં આવે તો કૃષિ ક્ષેત્રના ડિપ્લોમા અને બીઆરએસ ના વિદ્યાર્થીઓ સાથે મળી આવનારી વિધાનસભા ચૂંટણીમાં પોતે,પોતાનો પરિવાર,કુટુંબ,મિત્રો અને દરેક મત વિસ્તારમાં ચૂંટણી બહિષ્કારનું અભિયાન ચલાવશે તેવું પણ રજૂઆત માં જણાવાયું છે.
વિદ્યાર્થીઓ એ જણાવ્યું હતું કે કૃષિ ક્ષેત્રના ડિપ્લોમા અને બી.આર.એસના વિદ્યાર્થીઓ માટે ગ્રામસેવકની પોસ્ટ પોતાના ફિલ્ડને લગતા ક્ષેત્રમાં રોજગારી માટેની માત્ર એક જ તક હતી,જેમાં હવે પોતાના ફિલ્ડને લગતી અનેક તકો ધરાવતા ઉચ્ચ અભ્યાસક્રમોનો સમાવેશ કરતા કૃષિ ક્ષેત્રના ડિપ્લોમા અને બી.આર.એસના વિદ્યાર્થીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે,સરકારશ્રી દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં ન આવે તો આવનારા સમયમાં ઘેરા પ્રત્યાઘાતો પડશે તેવું જોવામાં આવી રહ્યું છે.
રાજ્યના પક્ષ-વિપક્ષ MP-MLA દ્વારા પણ સબંધિત વિભાગના મંત્રીને આ બાબતે રજુઆત કરીને તા:૧૧.૦૧.૨૦૨૨નો પરિપત્ર રદ કરવાની માંગણી કરવામાં આવી છે તેમ છતાં સંબંધિત વિભાગ અને મંત્રીશ્રી દ્વારા કોઇ સ્પષ્ટતા કરી નથી અને વિદ્યાર્થીઓની માંગણી સ્વીકારવા બાબતે આગળ આવ્યા નથી.
વધુમાં ડિપ્લોમા-BRS ના વિદ્યાર્થીઓએ આ બાબતે જણાવ્યું હતું કે મધ્યમ,ગરીબ અને આદિવાસી ક્ષેત્રના વિદ્યાર્થીઓ વધુ પ્રમાણમાં કૃષિ ક્ષેત્રના ડિપ્લોમા અને બી.આર.એસમાં પ્રવેશ મેળવી રોજગારી મેળવવાના સ્વપ્ન જોતા હોય છે અને તેમના માટે માત્ર ગ્રામસેવક પૂરતી જ તક રહેલી હતી અને છેલ્લા પાંચ વર્ષથી આ વિદ્યાર્થીઓ ગ્રામસેવક ભરતીની રાહ જોઈ રહ્યા હતા ત્યારે અચાનક ઉચ્ચ ડિગ્રીઓનો સમાવેશ કરી ગરીબ,મધ્યમ અને આદિવાસી વિદ્યાર્થીઓ સાથે ક્યાંક ને ક્યાંક અન્યાય કર્યો હોય એવું દેખાય આવે છે.
તેમજ જે નાની ડિગ્રીઓ માટે સીમિત તકો છે તેમના પર આ પ્રકારનો અન્યાય કરવો એ ખૂબ જ અસંવેદનશીલ નિર્ણય કહી શકાય,વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ ૨૦૧૭માં ઉચ્ચ ડિગ્રીઓના વિદ્યાર્થીઓને નિયમો વિરુદ્ધ નોકરી આપી દેવામાં આવેલ તે ગેરરીતિને દબાવવા માટે રાતોરાત નિયમો ફેરવવામાં આવ્યા છે. તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે.