પોરબંદર
સૌરાષ્ટ્ર ના દરિયા માં એકીસાથે ૫૦ થી વધુ ડોલ્ફિન ઉછળકૂદ કરતી હોવાનો વિડીયો વાઈરલ થયો છે.સામાન્ય રીતે 8 થી ૧૦ ની સંખ્યા માં જોવા મળતી ડોલ્ફિન નું વિશાળ ઝુંડ જોઈને માછીમારો પણ રોમાંચિત થયા હતા.
સામાન્ય રીતે ડોલ્ફિન ની ઉછળકૂદ નિહાળવા માટે લોકો ને પૈસા ખર્ચવા પડતા હોય છે.અને તેના માટે લોકો દુર સુધી પ્રવાસ પણ કરતા હોય છે.દરિયાઈ જીવસૃષ્ટિના અભ્યાસુઓ અને દરિયામાં ઊછળતી-કૂદતી ડોલ્ફિન જોવાનો આનંદ માણવા માટે ગોવા અને આંદામાન – નિકોબારની સફર ખેડતા હોય છે.ત્યારે સૌરાષ્ટ્ર ના દરિયા માં એકીસાથે ૫૦ થી વધુ ડોલ્ફિન ઉછળકૂદ કરતી હોય તેવો વિડીયો વાઈરલ થયો છે.
ડોલ્ફિનના આ પ્રકાર ના કરતબો ભાગ્યે જ જોવા મળે છે.વાઈરલ થયેલ આ અદભૂત વીડિયો માં ડોલ્ફિનનો સમુહ ડૂબકી મારતો જોવા મળે છે.આ વીડિયો પોરબંદરના દરિયાનો અને માછીમારે બોટમાંથી ઉતાર્યો હોવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે.માછીમાર અગ્રણી મનીષભાઈ એ જણાવ્યું હતું કે આ વિડીયોમાં બોટ જોતા એવું જણાઈ રહ્યું છે કે આ સૌરાષ્ટ્ર ના દરિયાનો જ છે.કારણ કે આ પ્રકાર ના પટ્ટાવાળી બોટો સૌરાષ્ટ્ર ની જ હોય છે.ડોલ્ફિન પાણીમાં શ્વાસ ન લઈ શકે એ માટે તે શ્વાસ લેવા માટે પાણીની બહાર આવે છે.
ઉલ્લેખનીય છે કે શિયાળા ના સમય માં પોરબંદર થી માધવપુર ના દરિયા માં પણ ડોલ્ફિન ની ઉછળકૂદ અને ગમ્મત જોવા મળતી હોય છે.પરંતુ ત્યાં પણ માત્ર આઠ થી દસ ડોલ્ફિન જ એકીસાથે નજરે ચડે છે.ત્યારે વિડીયો માં ૫૦ થી વધુ ડોલ્ફિન ગમ્મત કરતી નજરે ચડે છે.જે નિહાળી પ્રકૃતિપ્રેમીઓ પણ રોમાંચિત થઇ ગયા હતા.વિદેશમાં લોકો ડોલ્ફિન ને ઉછળતી જોવા માટે પૈસા ખર્ચતા હોય છે.ત્યારે માછીમારોને મફતમાં આ નજારો જોવા મળ્યો હતો.
જુઓ આ વિડીયો