પોરબંદર
પોરબંદર જિલ્લામાં એક સાથે 15 વેટલેન્ડ ખાતે બે દિવસીય પક્ષી ગણતરીનો પ્રારંભ કરાયો છે.રાજ્યભર ના 60 થી વધુ પક્ષીવિદો દ્વારા બે સેશન માં કામગીરી કરવામાં આવશે.તો જીલ્લા ના સૌથી મોટા વેટલેન્ડ મોકર સાગર વેટલેન્ડને આગામી બે માસ માં જ રામસર સાઇટ જાહેર થાય તેવી પક્ષીવિદો એ આશા વ્યક્ત કરી હતી.
પોરબંદરમાં શિયાળા ના સમયમાં લાખો ની સંખ્યા માં વિદેશી પક્ષીઓ નું આગમન થાય છે.જિલ્લામાં નાના મોટા 250 જેટલા વેટલેન્ડ માં નવેમ્બર થી માર્ચ સુધી લાખો પક્ષીઓ નો જમાવડો જોવા મળે છે.ત્યારે જિલ્લાના મુખ્ય ૧૫ જળ પલ્લવિત ક્ષેત્રો માં જોવા મળતા પક્ષીઓની ગણતરી માટે પક્ષીઓ ના અંદાઝ કાર્યક્રમ નું વનવિભાગ, બર્ડ કન્ઝર્વેશન સોસાયટી અને ખાનગી કંપનીના સંયુક્ત ઉપક્રમે આયોજન કરાયું છે.બે દિવસ ચાલનારા આ કાર્યક્રમ નો આજ થી પ્રારંભ કરાયો છે.જેમાં રાજ્યભરના 60થી વધુ પક્ષીવિદો ઉપસ્થિત રહ્યા હતા.
બર્ડ્સ કન્ઝર્વેશન સોસાયટીના રાજ્યના પ્રમુખ ડો બકુલ ત્રિવેદી,સંસ્થા ના સેક્રેટરી અને રીટાયર્ડ સીસીએફ ડો ઉદય વોરા તથા નાયબ વન સંરક્ષક દીપકભાઈ પંડ્યા ની આગેવાની માં કાર્યક્રમ નો પ્રારંભ કરાયો છે.જેમાં જીલ્લા ના મુખ્ય 15 વેટલેન્ડ ખાતે ૧૫ ટીમો દ્વારા એકસાથે પક્ષીઓની ગણતરી કરવામાં આવશે.એક સાથે આટલા વેટલેન્ડ માં પક્ષી ગણતરી નું કાર્ય પોરબંદરમાં પ્રથમ વખત થવા જઈ રહ્યું છે.ગણતરી માં પક્ષીઓની સંખ્યા, તેનું લોકેશન,ફોટોગ્રાફી,પક્ષીઓની પ્રજાતિઓનો સર્વે કરવામાં આવશે.અને આ પક્ષીઓની ગણતરીની ઈ બર્ડ એપ્લીકેશન પર નોંધ કરવામાં આવશે. ગઈકાલે સાંજે ગણતરી કરાઈ હતી હવે આજે રવિવારે સવારે બીજા સેશન માં પણ ગણતરી કરાશે.આ પ્રકારે આગામી બે વર્ષ પણ પક્ષી ગણતરી ની કામગીરી કરવામાં આવશે.
ક્યા ક્યા વેટલેન્ડ અને કઈ પ્રજાતિ ના પક્ષીઓ આવે છે
પોરબંદર જીલ્લા માં નાના નાના ૨૫૦ જેટલા સેટેલાઈટ વેટ લેન્ડ આવેલા છે. ૨૪ મોટા વેટલેન્ડ આવેલા છે.જેમાં મોકર સાગર, કુછડીનો ખારો, બરડા સાગર, ગોસાબારા, મેઢાક્રીક, બર્ડ સેન્ચ્યુરી, સોરઠી ડેમ,સુકાળા તળાવ,અમીપુર ડેમ,ખંભાળા ડેમ,ફોદાળા ડેમ,કાલીન્દ્રી ડેમ,વિસાવાડા તળાવ સહીત ના જળપ્લાવિત સ્થળોએ સાઇબીરીયા, અફઘાનિસ્તાન,બલુચિસ્તાન અને રશીયાથી લાખોની સંખ્યામાં પક્ષીઓ શિયાળા દરમ્યાન આવે છે.જેમાં રોઝી પેલીકન, લેઝર ફલેમિંગો,ગ્રેટર ફલેમીંગો,કરકરા,બ્રાઉન હેડેડ ગલ તથા બ્લેક હેડેડ ગલ,પિન ટેઇલ ડક,ગાર્ગીની ડક,બન્ટીંગ ડક, વિવિધ પ્રકારની લાર્ક્સ,ડાર્ટર,શિકારી પક્ષીઓમાં પેરેગ્રાઇન ફાલ્કન,માર્સ હેરીયર,સ્પોટેડ ઇગલ,વેગ ટેઇલ્સ ફુટ,ઇગરેટ, સ્પૂનબીલ,પોન્ડ એરોન,કોમન ક્રેઈન,ડેમોસાઈલ ક્રેઈન,સોવેલીયર,મલાર્ડ,વ્હાઈટ સ્ટોક તેમજ દુર્લભ ગણાતા માર્બલ ટીલ,બ્લેક સ્ટોક,બાર હેડેડ ગુશ સહિતના પક્ષીઓ પણ આવે છે.
મોકર સાગર ને બે માસ માં રામસર જાહેર થાય તેવો આશાવાદ
મોકર સાગર એ જીલ્લા નો સૌથી મોટો ૯૦ ચોરસ કિમી વિસ્તાર માં ફેલાયેલો વેટલેન્ડ છે આ વિસ્તારની વિશેષતા એ છે કે અહીં ગોસાબારાના પુલ નજીક દરિયાનું ખારૂં પાણી, ખાડીમાં દરિયાના ખારા અને બંધનું મીઠું પાણી વેરાયટીઓ હોવાથી પક્ષીઓને અલગ અલગ પ્રકારનું પાણી, ખોરાક વગેરે મળી રહે છે જેથી આ વિસ્તાર પ્રત્યે પક્ષીઓ વધુ આકર્ષાય છે. અહી દર વર્ષે વિવિધ ૧૫૦ થી વધુ અલગ અલગ પ્રજાતિના બે લાખ જેટલા પક્ષીઓ શિયાળા દરમિયાન આવે છે.આ જળપ્લાવિત વિસ્તારમાં વિવિધ પ્રકારના પક્ષીઓ જોઈને રોમાંચિત થઈ જવાય છે.અહીનું વાતાવરણ ખોરાક અને રહેઠાણ માટે પક્ષીઓને ખુબ જ અનુકુળ છે.ગ્રાસલેન્ડ હોવાથી ઘાસની અંદર અનેક પક્ષીઓ માળા બનાવી શકે છે. તેમજ આજુબાજુમાં ખેતરો પણ આવેલા હોવાથી કેટલાક પક્ષીઓ ખેતરનો પાક ખાઈને પેટ ભરી શકે છે.
તો પેલીકન જેવા પક્ષીઓને રોજની ૩થી ૪ કિલો જેટલી માછલીની જરૂર પડે છે.આથી એવી માછલી પણ તેને અહીંયા મળી રહે છે.ઓક્ટોબરથી માર્ચ સુધીના સમયગાળા દરમિયાન અહીંયા લાખોની સંખ્યામાં વિદેશી પક્ષીઓ ઉમટે છે.આથી આ વિસ્તાર ને રામસર સાઇટ જાહેર કરવા વન વિભાગ દ્વારા પ્રયત્નો કરાયા છે.અને આગામી દોઢ થી બે માસમાં તે રામસર સાઈટ જાહેર થાય તેવો આશાવાદ ડો. બકુલ ત્રિવેદીએ વ્યક્ત કર્યો હતો.મોકરસાગરને રામસર સાઇટ જાહેર કરવામાં આવે તો વનવિભાગને ગ્રાન્ટ ફન્ડિંગ વધુ મળે.ઉપરાંત દેશવિદેશ ના પ્રવાસીઓ અને પક્ષીપ્રેમીઓ વધુ આવે, પક્ષીઓનું રક્ષણ થાય તેમજ ગાઈડલાઈન મુજબ સ્થાનિક લોકોના હક પણ જળવાઈ રહે.
જુઓ આ વિડીયો