પોરબંદરના એક ગ્રાહકે વેફરના બે પેકેટ મોલમાંથી ખરીદયા હતા. જેમાં એક પેકેટમાં ૨૫.૫૧ગ્રામ વજન ઓછું હતું જયારે બીજામાં ૧૩.૧૩ ગ્રામ વજન વધુ હતું. તેથી ઓછું વજન અપાયું હોવાથી ગ્રાહક સુરક્ષા ફોરમ કોર્ટમાં રૂપિયા પાંચ લાખના વળતરની માંગણીનો દાવો કર્યો હતો. પરંતુ કોર્ટે ફરિયાદ ફગાવી છે
પોરબંદરનાં પુંજાભાઈ લાખાભાઈ કેશવાલા દ્વારા પોરબંદરની ગ્રાહક સુરક્ષા તકરાર નિવારણ ફોરમમાં એવા મતલબની ફરીયાદ કરેલી હતી કે, પોરબંદરના ડેસ્ટીની-પી,બી.આર. મોલમાંથી લેયસ કંપનીની વેફર બે પેકેટ ખરીદ કરેલા હતા. અને કુલ રૂપિયા વીસ ચુકવેલા હતા અને વેફર ઉપરના પેકેટમાં ૩૧,૫ ગ્રામ વજન છાપેલું હતું. પરંતુ તે પૈકી એક પેકેટમાંથી ૫.૯૯ ગ્રામનું વજન નીકળતા અને બીજા પેકેટમાં ૪૪.૬૩ ગ્રામનું વજન નીકળ્યું હતું આમ એક પેકેટમાં ૨૫.૫૧ગ્રામ વજન ઓછું હતું જયારે બીજામાં ૧૩.૧૩ ગ્રામ વજન વધુ હતું.
એક પેકેટમાં વધારે અને એક પેકેટમાં ઓછું વજન નીકળતા ઓછા વજનના પેકેટ સંબંધે માનસીક યાતના વળતર પેટે રૂા. ૫,૦૦,૦૦૦ અને ફરીયાદ ખર્ચના રૂ।. ૨૫,૦૦૦ મળવા માટે જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં ફરીયાદ કરેલી હતી. અને આ કામમાં લેયસ વેફરના પોરબંદરના એજન્ટ નેશનલ એન્ટરપ્રાઈઝ તથા ડેસ્ટીની મોલ વતી એડવોકેટ તરીકે ભરતભાઈ લાખાણી રોકાયેલા હતા. અને તેઓએ વિગતવાર જવાબ રજુ કરી અને ગ્રાહક તરીકે વેફરના પેકેટો બદલાવી આપવાની અથવા નવા આપી દેવાની લેખિતમાં ખાત્રી આપેલી હતી.
એટલું જ નહિ રૂા. ૧૦ ના વેકરના પેકેટમાં ઓછું વજન આવવાથી કોઈ માનસિક યાતના થવાનો પ્રશ્ન રહેતો નથી. અને જો તાત્કાલીક ડેસ્ટીની મોલમાં જઇને પેકેટ બદલાવી લીધેલું હોત તો ડેસ્ટીની મોલ દ્વારા બદલી આપવાનો ઈન્કાર કરેલ છે. તેવી કોઈ બાબત ફરીયાદમાં જણાવેલ નથી અને તે રીતે માનસિક યાતના કઈ બાબતની થઇ? કેવી રીતે થઇ? તેની કોઇ વિગત ફરીયાદમાં જણાવેલ ન હોવાનું જણાવતા તેમજ બીજા પેકેટમાં વજન ખુબ વધારે હોવાના કારણે તે વધારાની વેફર ના પૈસા દેવા પણ ગ્રાહક મોલ ઉપર ગયેલ ન હોવાનું જણાવતા એટલું જ નહી એક વૈફરના પેકેટમાં વધારે વજન અને બીજામાં ઓછું વજન તે ઓટોમેટીક મશીન મારફતે ભરાતી હોવાના કારણે મીકેનીકલ મીસ્ટેક્થી આવું બનવાની સંભાવના રહેલ હોવાની હકીકત જણાવતા અને તે બાબતે વિગતવારનું સોગંદનામું પણ ફોરમ સમક્ષ કરતા અને આ સંબંધે ગ્રાહક સુરક્ષા ફોરમના પ્રમુખ જજ વાચ.ડી. ત્રિવેદી દ્વારા તે સંબંધે વિગતવાર નો ચુકાદો આપી ફરીયાદીની ફરીયાદ અરજી ગુણદોષ ઉપર નામંજુર કરેલ હતી.
અને કોઈ નુકશાની વળતર પણ અપાવેલ નથી. કોઈ ખર્ચની રકમ પણ અપાવેલ નથી. તે રીતે કોઈ પણ જાતના વળતર આપ્યા વગર કે કોઈ પણ જાતનો ખર્ચ આપ્યા વગર ફોરમ કોર્ટ દ્વારા ગ્રાહકની વિરૂધ્ધમાં ચુકાદો આપેલો હોય અને તે રીતે નાની નાની અને સામાન્ય બાબતોમાં ફોરમમાં ફરીયાદ કરનારાઓને આ ચુકાદો ચેતવણી રૂપ ચુકાદો છે અને તે રીતે જયારે માલીકની કોઈ કસુર ન હોય, ગ્રાહકને સુવિધા આપવાનો કોઈ ઈન્કાર કરેલ ન હોય ત્યારે ગ્રાહક સુરક્ષા ફોરમમાં ફરીયાદ થઈ શકે નહી, તેવું આ ચુકાદાથી સાબિત થયેલ છે.
આ કામમાં સામાવાળા નં. ૨-૩ નાં તરફથી પોરબંદરના જાણીતા એડવોકેટ ભરતભાઈ બી. લાખાણી અને હેમાંગ ડી.લાખાણી રોકાયેલા હતા.