ધી પોરબંદર ડિસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કૉમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા શ્રી તુલસીભાઈ જેઠાલાલ થી વ્યાપાર ઉદ્યોગ સદન ખાતે પ્રપોઝડ બજેટ ૨૦૨૩-૨૪માં ઈન્કમટેક્સ અને જી.એસ.ટી.ના કાયદાઓમાં થયેલા સુધારા-વધારા અને નવી જોગવાઈઓની જાણકારી આપતા એક સેમીનારનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં શહેરના વ્યાપારીઓ, ઉદ્યોગપતિઓ અને વિવિધ એસોસીએશનના પદાધિકારીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સંપુર્ણ સફળતા તરફ દોરી ગયા હતા.
આ સેમીનારનો પ્રારંભ ડીસ્ટ્રીકટ ચેમ્બરના પ્રમુખ અનીલભાઈ કારીયાના સ્વાગત પ્રવચનથી કરવામાં આવ્યો હતો. તેઓએ ઉપસ્થિત સર્વે મહાનુભાવો, વ્યાપારીઓ અને ઉદ્યોગપતિઓનું હાર્દિક સ્વાગત કર્યુ. અનીલભાઈએ જણાવ્યું હતું કે ડિસ્ટ્રીકટ ચેમ્બર ધ્વારા દર વર્ષે બજેટ રજુ થયા બાદ તેની જાણકારી સરળ શબ્દોમાં આપણી માતૃભાષામાં મળી રહે તે હેતુથી એક સેમીનારનું આયોજન કરવામાં આવે જ છે. તેના ભાગરૂપે આ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે.
સ્વાગત પ્રવચન બાદ ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યુ હતું. જેમાં વકતા દિવ્યેશભાઈ સોઢાનું સ્વાગત ડિસ્ટ્રીકટ ચેમ્બરના પ્રમુખ અનીલભાઈ કારીયાએ અને ભાવીકભાઈ દેવાણીને તેઓએ મેળવેલ આઈઆઈએમની ‘ફાઈનાન્સ સીએફઓનો પદવી તથા મેનેજમેન્ટ એન્ડ ફાઈનાન્સના માનદ્ ડોકટરેટ એવોર્ડ એમ બેવડી સિધ્ધિ હાંસલ કરવા બદલ ડીસ્ટ્રીકટ ચેમ્બરના પૂર્વપ્રમુખ પદુભાઈ રાયચુરાએ પુષ્પગુચ્છ થી સન્માન કર્યું હતું.
કાર્યક્રમની આગળની બાગડોર પોતાના હાથમાં સંભાળતા પ્રમુખ વક્તા સી.એ. શ્રી દિવ્યેશભાઈ સોઢાએ જણાવ્યું કે, પ્રપોઝડ બજેટમાં ઇન્કમ ટેકસ અને જી.એસ.ટી.ના ઘણા કાયદાઓમાં નાના મોટા ફેરફારો આવેલા છે. તેઓએ પોતાના લાક્ષણીક શૈલીમાં ખુબજ સરળ રીતે જરૂર હોય ત્યાં દાખલા દૃષ્ટાંતો સાથે અગત્યના થયેલા ફેરફારો જેવા કે જુની સ્કીમ અને નવી સ્કીમ, ઇન્કમ ટેકસની મુક્તિ મર્યાદામા વધારો, પેમેન્ટ નહીં કરો તો ખર્ચ બાદ નહીં મળે, ઓડિટ, સ્ક્રુટીની , રીટર્ન ભરવાની મુદત, સ્કૂટીનીની જોગવાઈઓ, કર્મચારી માટેના સ્ટાન્ડર્ડ ડીડકશન, જી.એસ.ટીના મુદે અગત્યના ફેરફાર વિગેરે માહિતી આપી સાથો સાથ શ્રોતાઓના મનમાં ઉદ્ભવતા પ્રશ્નોના પણ સચોટ અને સ૨ળ રીતે સંતોષકારક જવાબો આપ્યા હતા.
કાર્યક્રમના અંતે ડિસ્ટ્રીકટ ચેમ્બરના ઉપ પ્રમુખ મુકેશભાઈ ઠકક૨એ ઉપસ્થિત સર્વેનો આભાર વ્યકત કરી કાર્યક્રમને પુર્ણ જાહેર કરેલ હતો. કાર્યક્રમનું સફળ સંચાલન કેતનભાઈ મોનાણી અને જયેશભાઈ પત્તાણી ઘ્વારા કરવામાં આવ્યું હતું.

