પોરબંદર માં આ વર્ષે શિયાળા દરમ્યાન રેકોર્ડબ્રેક ઠંડી ના કારણે બાળકો માં શરદી ,ઉધરસ અને ગળા ના ઇન્ફેકશન માં ત્રણ થી ચાર ગણો વધારો થયો હોવાનું બાળરોગ નિષ્ણાત તબીબે જણાવ્યું છે. અને કેટલીક સાવચેતી રાખવા અપીલ કરી છે.
પોરબંદર માં આ વખતે શિયાળા ના સમય માં રેકોર્ડબ્રેક ઠંડી નોંધાઈ છે. તાપમાનનો પારો 6.2 ટકા સુધી ગગડ્યો હતો. છેલ્લા પંદર દિવસ થી સતત ઠંડી પડી રહી છે. જેની અસર બાળકો ના સ્વાસ્થ્ય પર પણ પડી છે. આ અંગે માહિતી આપતા સિવિલ હોસ્પિટલ ના બાળ રોગ નિષ્ણાંત ડો જય બદીયાણી એ જણાવ્યું હતું કે હાલ માં બાળકો માં શરદી,ઉધરસ,ગળા ના ઇન્ફેકશન ના કેસ ત્રણ થી ચાર ગણા વધ્યા છે. સિવિલ હોસ્પિટલ ઉપરાંત ટ્રસ્ટ ની આશા હોસ્પિટલ ખાતે બાળ દર્દીઓ ની કતાર જોવા મળે છે. અગાઉ આશા હોસ્પિટલ ખાતે જ ૧૦૦ થી ૧૨૦ કેસ ની ઓપીડી માં શરદી ઉધરસ ના માત્ર ૫૦ થી ૬૦ દર્દીઓ આવતા હતા. પરંતુ હાલ માં દરરોજ ૨૦૦ થી ૨૫૦ બાળદર્દીઓ માંથી ૮૦ ટકા દર્દીઓ શરદી અને ગળા ના ઇન્ફેકશન ના આવે છે.
સમુદ્ર કિનારે વસેલા પોરબંદર માં શિયાળા ના સમય માં ઠંડી પણ માફકસર પડતી હોય છે. પરંતુ આ વખતે સતત શીત લહેર ના કારણે દર્દીઓ માં વધારો થયો હોવાનું તેઓએ જણાવ્યું છે. બચાવ માટે બાળકો ને ઠંડા પવન ના સીધા સંપર્ક માં ન આવવા તથા ત્રણ લેયર માં વસ્ત્રો પહેરવા ઉપરાંત વિટામીન સી થી ભરપુર શાકભાજી અને ફળો ખાવા અને નિયમિત ગરમ પાણી અને ગરમ પ્રવાહી પીવા જણાવ્યું છે. ઉપરાંત સામાન્ય ધ્રુજારી ને પણ ન અવગણવા જણાવ્યું છે.