પોરબંદર માં એમજી રોડ પર આવેલ ૧૧ માળ ની ઈમારત માં ફાયર સેફટી એનઓસી ન હોવાથી ફાયર ટીમે તેના બે દરવાજા અને પાર્કિંગ સીલ કર્યું છે.
પોરબંદર ના એમજી રોડ પર આવેલ પ્લેટીનમ ટાવર નામની ૧૧ માળ ની ઈમારત માં ફાયર વિભાગ નું એનઓસી ન હોવાથી અગાઉ ફાયર ટીમ દ્વારા તેને જરૂરી ફાયર સેફટી સુવિધા વસાવી ફાયર એનઓસી મેળવી લેવા સુચના આપી હતી. તેમ છતાં ઈમારત ના રહેવાસીઓ એ દરકાર ન કરતા અગાઉ ફાયર ટીમ ત્યાં સીલ મારવા દોડી ગઈ હતી. ફાયર સ્ટેશન ઓફિસર રાજીવ ગોહેલે જણાવ્યું હતું કે તે વખત ઈમારત ના રહેવાસીઓ એ સીલ મારવાનો વિરોધ કરી ઈમારત માં ફાયર સેફટી ની સુવિધા અંગે કામ ચાલુ થવાનું જણાવ્યું હતું. અને તે અંગે વર્ક ઓર્ડર પણ બતાવ્યો હતો. આથી ત્યારે ફાયર ટીમ પરત ગઈ હતી.
ત્યાર બાદ પણ કોઈ કામગીરી ન થતા આજે પોલીસ રક્ષણ સાથે અને ચીફ ઓફિસર ને પણ સાથે રાખી ઈમારત ના 3 માંથી 2 દરવાજા સીલ કર્યા છે. ઉપરાંત પાર્કિંગ પણ સીલ કરવામાં આવ્યું છે. અને તા ૧૦ સુધી માં ફાયર એનઓસી અંગે કામગીરી હાથ નહી ધરવામાં આવે તો વીજ કનેક્શન કટ કરવા પણ ચેતવણી અપાઈ છે. હજુ શહેર માં ૧૦૦ થી વધુ ઈમારતો માં ફાયર એનઓસી ન હોવાથી સીલ મારવાની કામગીરી ચાલુ રહેશે તેવું પણ જણાવ્યું છે.