પોરબંદર
પોરબંદર જિલ્લામાં ખેડૂતોને સ્માર્ટફોન લેવા માટેની સરકારી યોજના માટે જીલ્લા ના 62 હજાર ખેડૂત માંથી 460 ખેડૂતે અરજી કરી હતી.જેમાંથી 120 ખેડૂતોને લાભ મળશે.લાભાર્થી ની સંખ્યા વધારવા માંગ ઉઠી છે.
સમગ્ર દેશ અને વિશ્વ ટેક્નોલોજી સાથે આગળ વધી રહ્યા છે.ત્યારે ગુજરાતનો ખેડૂત પણ દેશ અને વિશ્વ સાથે જોડાયેલો રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા સ્માર્ટફોન ખરીદીમાં સહાયની યોજના જાહેર કરી હતી.જેમા અગાઉ આ સ્માર્ટફોનની સહાય માટે 15 હજાર રૂપિયા સુધીના સ્માર્ટફોનની ખરીદીમાં 10 ટકા સહાય આપવામાં આવતી હતી.પરંતુ આ યોજનાને પુરતો પ્રતિસાદ મળ્યો ન હતો.જેથી સરકારે 40 ટકા સહાય અંતર્ગત વધુમાં વધુ રૂ. 6000ની સહાય મળશે તેવું જાહેર કર્યું હતું.
જે અંગે તાજેતર માં પરિપત્ર પણ બહાર પાડવામાં આવ્યો છે.પોરબંદર જિલ્લામાં 62 હજાર ખેડૂતો નોંધાયેલા છે.જેમાંથી 460 ખેડૂતોએ આ યોજનાનો લાભ લેવા અરજી કરી હતી.પરંતુ જીલ્લા નો આ વર્ષ નો ટાર્ગેટ માત્ર 120 ખેડૂતનો હોવાથી ડ્રો સિસ્ટમથી 120 ખેડૂતની પસંદગી કરી તેઓની અરજી મંજુર કરાઈ છે.અને આ ખેડૂતો સ્માર્ટફોનની ખરીદી કરી બિલ રજૂ કરશે.ત્યારે તેમને સહાય ચુકવવામાં આવશે તેવું જિલ્લા ખેતીવાડી અધિકારી જે એન પરમારે જણાવ્યું છે. જો કે લાભાર્થીઓ ની સંખ્યા ૧૨૦ ના બદલે વધારવામાં આવે તેવી પણ માંગ ઉઠી રહી છે.