પોરબંદરમાં પોલીસ દ્વારા ઇન્દિરાનગર નજીક દરિયાકિનારે દારૂનો નાશ કરવાની કામગીરી ચાલી રહી હતી. ત્યારે આ વિસ્તાર નજીક રતનપરની સીમમાંથી પોલીસને વિદેશી દારૂની ૨૫ બોટલ રેઢી મળી આવતા તેનો કબ્જો લઈને અજાણ્યા શખ્સ સામે પ્રોહીબિશનની કલમ હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોરબંદર ઉદ્યોગનગર સર્વેલન્સ સ્કોડના હેડકોન્સ્ટેબલ મુકેશભાઈ માવદીયાએ નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ તે તથા પોલીસ સ્ટાફ ઇન્દિરાનગર ખાતે દેશી-વિદેશી દારૂના મુદામાલનો નાશ કરવા માટેની કામગીરી કરી રહ્યા હતા. ત્યારે રતનપર ગામના અગ્રણી ભીમાભાઈ ઓડેદરાએ તેમને એવી જાણ કરી હતી કે,દ્વારકા-સોમનાથ હાઈ-વે પર રતનપરની સીમમાં રોડની તદન નજીક વિદેશી દારૂની બોટલો જાહેરમાં ખુલ્લી પડી છે. તેથી પોલીસ કાફલો તાત્કાલિક ત્યાં દોડી ગયો હતો. અને તપાસ કરતા રૂ ૮૭૫૦ ની કીમત ની વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની ૨૫ બોટલો મળી આવી હતી.
જેથી તે જથ્થો કબ્જે કરીને અજાણ્યા શખ્શ સામે દારૂ જાહેર માં મૂકી જતા રહેવા અંગે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ જયારે દારૂના જથ્થા નો નાશ કરી રહી હતી. ત્યારે દારૂ નો જથ્થો રેઢો મળીઆવતા અનેક ચર્ચાઓ જાગી છે. બનાવ અંગે તપાશનીશ પી એસ આઈ કે એન અઘેરા એ એવું જણાવ્યું હતું કે નાશ કરવાનો દારૂ છે કે કયો દારૂ છે તે હાલ કહી શકાય તેમ નથી હાલ તે અંગે તપાસ ચાલી રહી છે.