પોરબંદર
પોરબંદર પાલિકા માં અનેક નવા વિસ્તારો ભળ્યા પરંતુ તેનું મહેકમ ૪૭ વર્ષ પહેલા નું છે.તેમાં પણ અડધોઅડધ જગ્યા ખાલી હોવાથી લોકો નાં સફાઈ,પાણી,સ્ટ્રીટ લાઈટ સહિતના પ્રશ્નો ટલ્લે ચડે છે.જેથી વહેલીતકે જરૂરી સ્ટાફ ની નિમણુક કરવા માંગ ઉઠી છે.
પોરબંદર નગરપાલિકા માં 1974માં 737 કર્મચારી તથા અધિકારીઓ નું મહેકમ નિયત કરાયું હતું.જેની સામે હાલ માં પણ માત્ર 290 જગ્યા ભરાયેલ છે.અને 447 જગ્યા ખાલી છે.જેમાં ફૂડ ઇન્સ્પેકટર,હેલ્થ ઓફિસર,ઓડિટર,એકાઉન્ટન્ટ, એન્જીનીયર,સેક્રેટરી,હેડ ક્લાર્ક,વ્યવસાયવેરા અધિકારી,એન્ટી ફાયલેરિયા ઇન્સ્પેકટર,સિનિયર ક્લાર્ક,પટ્ટાવાળા સહિતની મહત્વ જગ્યા ઓ ખાલી છે.હજુ પણ અનેક કર્મચારીઓ નિવૃત્તિ નાં આરે છે જેના નિવૃત થયા પછી જગ્યાઓ ખાલી થશે. અને હાલ પણ ઉપર લખેલી બધી મહત્વ ની ગણાતી જગ્યાઓ પર ઇન્ચાર્જ કર્મચારીઓ વડે ગાબડું ગબડાવવામાં આવે છે.
જેથી શહેરીજનો નાં સફાઈ,પાણી ,સ્ટ્રીટ લાઈટ સહિતના મહત્વ નાં પ્રશ્નો ટલ્લે ચડી રહ્યા છે.સફાઈ કામદારો માં પણ 290 ના સેટઅપ સામે 214 જગ્યા ભરાયેલી છે.76 જગ્યા ખાલી છે.જયારે 196 સફાઈકર્મીઓ ની આઉટ સોર્સિંગ થી નિમણુક કરવામાં આવી છે.એ સિવાય ક્લાર્ક સહિતની ખાલી જગ્યાઓ પર આઉટસોર્સિંગથી 324 ની ભરતી કરવામાં આવી છે.પરંતુ તેમ છતાં પણ નિયત મહેકમની 447 જગ્યા ખાલી છે.
ઉલ્લેખનીય છે કે 1974 બાદ પોરબંદર પાલિકા માં બોખીરા અને ધરમપુર ગ્રામ પંચાયત ભળી છે.તો છાયા નગરપાલિકા ને પણ પોરબંદર સાથે મર્જ કરાઈ છે.તો બીજી તરફ શહેર માં પણ અનેક નવી સોસાયટીઓ નું નિર્માણ થયું છે.તેમ છતાં પુરતો સ્ટાફ ન હોવાથી પાલિકા તંત્ર અનેક પ્રયાસો છતાં લોકો ની ફરિયાદોનું સમયસર નિરાકરણ કરવામાં ઉણું ઉતર્યું છે.એક તરફ પાલિકા દ્વારા શહેર માં અનેક વિકાસકાર્યો નું આયોજન કરાયું છે.તો બીજી તરફ લોકો ને પ્રાથમિક સુવિધાઓ આપવામાં પણ દિવસો નીકળી જાય છે.ત્યારે વહેલીતકે ખાલી જગ્યાઓ ભરવામાં આવે તેવી માંગ ઉઠી છે.