પોરબંદરમાં રાષ્ટ્રીયકક્ષાની સમુદ્ર તરણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદના ૭૨ વર્ષીય વૃધ્ધ ને સ્પર્ધા દરમ્યાન સમુદ્ર માં જ હાર્ટ એટેક આવતા મોત થયું હતું. જેના પગલે સ્પર્ધકો અને આયોજકો માં શોક નું મોજું ફરી વળ્યું હતું.
પોરબંદર ની શ્રી રામ સી સ્વીમીંગ કલબ દ્વારા કરવામાં બે દિવસીય રાષ્ટ્રીય કક્ષા ની સમુદ્ર તરણ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 1 કિમી ની સ્પર્ધા માં ભાગ લેવા અમદાવાદમાં ડી-7, નંદેશ્વર ફ્લેટ, શિવનગર સોસાયટી, ઘાટલોડીયા ખાતે રહેતા પ્યારેલાલ બસંતલાલ જાખોદીયા નામના ૭૨ વર્ષીય સ્પર્ધક પણ તેના ગ્રુપ સાથે આવ્યા હતા. અને સ્પર્ધામાં ભાગ લીધો હતો. તેઓ ૧ કી.મી.ના ટારગેટથી માત્ર ૧૦૦ મીટર દુર હતા. ત્યારે અચાનક જ હૃદયરોગનો હુમલો આવતા પાણી પીવા લાગ્યા હતા.
ત્યાં રહેલી કોસ્ટગાર્ડની રેસ્ક્યુ ટીમને જાણ થતા તુરંત જ કોસ્ટગાર્ડ ના જવાનોએ તેને બહાર કાઢીને પમ્પીંગ કરી કાંઠે પહોંચાડ્યા હતા જયાંથી ૧૦૮ મારફતે સરકારી હોસ્પીટલે લઇ જવામાં આવ્યા હતા. જયાં ફરજ પરના ડોકટરે તેઓને મૃત જાહેર કર્યા હતા. જેના પગલે અન્ય સ્પર્ધકો તથા આયોજકો માં શોક નું મોજું ફરી વળ્યું હતું. ઉલ્લેખનીય છે કે સ્પર્ધા ના ૨૩ વર્ષ ના ઈતિહાસ માં અપમૃત્યુ નો આ પ્રથમ બનાવ બન્યો છે. મૂળ રાજસ્થાન ના પ્યારેલાલ ખુબ નિષ્ણાત તરવૈયા હતા. અને અવારનવાર તરણ સ્પર્ધામાં પણ ભાગ લેતા હતા. સ્વીમીંગ કલબના પ્રમુખ દિનેશભાઈ પરમાર અને ટીમે મૃતકના પોસ્ટમોર્ટમની કાર્યવાહી કરાવવાથી માંડીને મૃતદેહને અમદાવાદ મોકલવાની વ્યવસ્થા પણ કરી આપી હતી.