Wednesday, February 5, 2025

|| तुम रक्षक काहू को डरना ||

ગૌરવ: ૩૧મી રાજ્ય સ્તરીય શાસ્ત્રીય સ્પર્ધામાં પોરબંદરના બાબડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલયે સતત ત્રીજી વાર વિજય વૈજયંતી ટ્રોફી મેળવી

૩૧મી રાજ્ય સ્તરીય શાસ્ત્રીય સ્પર્ધામાં પોરબંદર સાંદીપનિની શ્રીબાબડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલયએ સતત ત્રીજી વાર વિજય વૈજયંતી ટ્રોફી મેળવી સુદામાપુરી નું ગૌરવ રાજ્યભર માં વધાર્યું છે.

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પ્રેરિત અને ગુજરાત રાજ્ય સંસ્કૃત પાઠશાળા શિક્ષક મંડળ, અમદાવાદ અને શ્રીશાંડિલ્યઋષિ વેદસંસ્કૃત પાઠશાલા, સુરતના સંયુક્ત ઉપક્રમે શ્રીશાંડિલ્યઋષિ વેદસંસ્કૃત પાઠશાલા, સુરત ખાતે પ્રત્યેક વર્ષે વેદો અને શાસ્ત્રોની જાળવણી થાય અને સંસ્કૃત શાસ્ત્રો પ્રત્યે વિદ્યાર્થીઓ ઉંડાણપૂર્વક રસ લેતા થાય એ માટે પ્રત્યેક વર્ષની જેમ આ વર્ષે ૩૧મી રાજ્ય સ્તરીય સંસ્કૃત શાસ્ત્રીય સ્પર્ધાનું તા.૦૪/૦૧/૨૩ થી તા.૦૬/૦૧/૨૩ સુધી આયોજન થયેલ હતું. રાજ્ય સ્તરીય સંસ્કૃત શાસ્ત્રીય સ્પર્ધામાં વિભિન્ન શાસ્ત્રોના વિષયોની (સંભાષણ, શલાકા, કંઠપાઠ વગેરે) ૩૫ જેટલી સ્પર્ધાઓ યોજાઇ જેમાં ગુજરાતની ૩૬ જેટલી સંસ્કૃત પાઠશાળાના ૫૩૨ ઋષિકુમારોને વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો.

પોરબંદરમાં આવેલી પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝા દ્વારા પ્રેરિત અને સંચાલિત સંસ્કૃતિ અને સંસ્કૃત ભાષાનું સંવર્ધન અને સંપોષણમાં અહર્નિશ કાર્યરત શ્રી સાંદીપનિ વિદ્યાનિકેતન સંસ્થામાં કાર્યરત શ્રીબાબડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલયના ઋષિકુમારોએ પણ આ રાજ્ય સ્તરીય સંસ્કૃત શાસ્ત્રીય સ્પર્ધામાં પાઠશાળાના પ્રધાનાચાર્યશ્રી અને ગુરૂજનોના માર્ગદર્શન દ્વારા વિભિન્ન સ્પર્ધાઓમાં પોતાના પરિશ્રમપૂર્વક ભાગ લઈને સર્વોત્તમ પ્રદર્શન કર્યું હતું. શ્રીબાબડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલયના ઋષિકુમારોએ સંસ્કૃતના વિવિધ શાસ્ત્રોની વકતૃત્વ સ્પર્ધા, શલાકા સ્પર્ધા, અક્ષર શ્લોકી સ્પર્ધા, કંઠપાઠ અને શ્લોકપૂર્તિ જેવી સ્પર્ધાઓમાં ભાગ લઈને કુલ ૧૪ સુવર્ણચંદ્રક, ૮ રજતચંદ્રક અને ૩ કાંસ્યચંદ્રક પ્રાપ્ત કર્યા હતા.

આ સંસ્કૃત શાસ્ત્રીય સ્પર્ધામાં પ્રતિવર્ષ નિયમ પ્રમાણે પ્રાપ્ત થયેલા મેડલ અનુસાર જે પાઠશાળાના સૌથી વધુ અંક થાય તેને વિજય વૈજયંતી ટ્રોફી પ્રદાન કરવામાં આવે છે. આ વર્ષે સાંદીપનિની શ્રી બાબડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલયને સૌથી વધુ ૬૧ અંક પ્રાપ્ત થયા હોવાથી વિજય વૈજયંતી ટ્રોફી પ્રદાન કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ પ્રમાણે સતત ત્રીજી વાર સાંદીપનિની શ્રીબાબડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલયએ વિજય વૈજયંતી ટ્રોફી પ્રાપ્ત કરી છે
આ રાજ્યસ્તરીય શાસ્ત્રીય સ્પર્ધામાં પોરબંદરની સાંદીપનિ શ્રીબાબડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલયના આચાર્ય બિપીનભાઈ જોશી અને સર્વ ગુરુજનોના માર્ગદર્શનથી ઋષિકુમારોએ બધી જ સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું.

આ તમામ સ્પર્ધાઓમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત મેળવનારને સુવર્ણચંદ્રક, દ્વિતિય ક્રમાંકને રજતચંદ્રક અને તૃતીય ને કાંસ્યચંદ્રક અર્પણ કરવામાં આવે છે જેમાં તેરૈયા પાર્થ વ્યાકરણ શલાકા સ્પર્ધામાં સુવર્ણચંદ્રક, નાકર સાહિલ સાહિત્ય શલાકા– સુવર્ણચંદ્રક, પંડ્યા હિમાલય ન્યાય ભાષણ સ્પર્ધામાં– સુવર્ણચંદ્રક, મહેતા પ્રશાંત અમરકોશ કંઠપાઠ-સુવર્ણચંદ્રક, બારોટ હાર્દિક – વ્યાકરણ ભાષણ – સુવર્ણચંદ્રક, પંડ્યા હિરેન સાહિત્ય ભાષણ- સુવર્ણચંદ્રક, જોષી હિરેન ન્યાય શલાકા રજતચંદ્રક, માઢક હર્ષ અષ્ટાધ્યાયી કંઠપાઠ-સુવર્ણચંદ્રક, જાની પારસ ગીતાજી કંઠપાઠ કાંસ્યચંદ્રક, જોશી અક્ષત મીમાંસા શલાકા-રજતચંદ્રક, જોશી દેવ અક્ષરશ્લોકી -કાંસ્યચંદ્રક, દવે મીત વેદાંત શલાકા- સુવર્ણચંદ્રક, જાની દીક્ષિત કાવ્ય કંઠપાઠ -સુવર્ણચંદ્રક, પાઠક વિવેક આયુર્વેદ ભાષણ-સુવર્ણચંદ્રક, જોષી આદિત્ય જ્યોતિષ શલાકા -રજતચંદ્રક, બળેજા રોહિત વેદાંત ભાષણ- રજતચંદ્રક, વ્યાસ રાજ પુરાણ ઇતિહાસ શલાકા – રજતચંદ્રક, દવે પ્રતીક મીમાંસા ભાષણ- રજતચંદ્રક, પર્વ જાની વેદભાષ્ય ભાષણ –કાંસ્યચંદ્રક, દવે વૈભવ કાવ્યશલાકા- સુવર્ણચંદ્રક, રાજ્યગુરુ પ્રેમ ભારતીય વિજ્ઞાન ભાષણ રજતચંદ્રક, પાંડે વૈદેહી અર્થશાસ્ત્ર શલાકા-સુવર્ણચંદ્રક, તેરૈયા પાર્થ સમસ્યાપૂર્તિ સ્પર્ધા – સુવર્ણચંદ્રક, દવે પ્રિન્સ સુભાષિત કંઠપાઠ – સુવર્ણચંદ્રક, પંડ્યા હિમાલય અને તેરૈયા પાર્થ સ્ફૂર્તિ સ્પર્ધામાં રજતચંદ્રક મેળવ્યા હતા. આમ કુલ ૧૪ સુવર્ણચંદ્રક, ૮ રજતચંદ્રક અને ૩ કાંસ્યચંદ્રક મેળવી સૌથી વધુ ૬૧ ગુણ પ્રાપ્ત કરતા સ્પર્ધાનો મુખ્ય પુરસ્કાર વિજય વૈજયંતી શ્રી બાબડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલયને પ્રાપ્ત થયો હતો.

પૂજ્ય ભાઈશ્રીએ આશીર્વચન પાઠવ્યા
સ્પર્ધાના સમાપન બાદ ગુરુજનો અને ઋષિકુમારો વડોદારામાં પૂજ્ય ભાઈશ્રીના શ્રીમુખે ચાલી રહેલી શ્રીમદ ભાગવત કથામાં આશીર્વાદ લેવા માટે ઉપસ્થિત થયા હતા. પૂજ્ય ભાઈશ્રીએ વ્યાસપીઠ પરથી ઋષિકુમારોએ મેળવેલ આ અપ્રતિમ સિદ્ધિ બદલ પોતાનો રાજીપો વ્યક્ત કરીને આશીર્વાદ અપાતા કહ્યું હતું કે વિશેષ સંતોષની વાત એ છે કે અમારા ઋષિકુમારો સતત ત્રીજીવાર આ રીતે વિજય વૈજયંતી જીતીને આવ્યા છે.
આ તકે સંસ્કૃત પાઠશાળાના નિરીક્ષક વસંતભાઈ તેરૈયા અને સાંદીપનિ સંસ્થાના સર્વે ટ્રસ્ટીઓ, સંચાલકોએ અને સર્વે ગુરૂજનોએ ગૌરવની લાગણી અનુભવી હતી અને આશીર્વાદ સહ અભિનંદન પાઠવ્યા હતા.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે