પોરબંદર ની પ્રકૃતિ ધ યુથ સોસાયટી દ્વારા સ્કુલ માં પક્ષી બચાવો અભિયાન અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ નું આયોજન કરાયું હતું.
હાલ મકરસંક્રાંતિનો તહેવાર નજીક આવી રહ્યો છે આ તહેવારમાં લોકો પતંગની મોજ માણશે.. પરંતુ આ મોજ મજા સાથે પક્ષીઓની દેખભાળ કરવી પણ ખૂબ જ અનિવાર્ય છે. પોરબંદર પક્ષી નગર તરીકે ઓળખાય છે. ત્યારે અહીં પક્ષીઓની ખૂબ જ વિપુલ સંખ્યા વિદેશી પક્ષીઓ અને સ્થાનિક પક્ષીઓ જોવા મળે છે. જ્યારે શિયાળાની ઋતુ દરમ્યાન લાખોની સંખ્યામાં વિદેશી પક્ષીઓ પોરબંદરનું આતિથ્ય માણવા આવે છે એ સમયગાળા દરમિયાન જ આપણો પ્રિય એવો તહેવાર મકરસંક્રાંતિ પણ આવતો હોય આ પતંગના દોરા માં આવી અને અનેક પક્ષીઓ જીવ ના ગુમાવે તે માટે ખાસ દર વર્ષની જેમ આ વર્ષે પણ પક્ષી બચાવો અભિયાન નું આયોજન કરવામાં આવેલ છે.
આ અભિયાન અંતર્ગત ખાસ કરીને લોકોમાં જનજાગૃતિ ફેલાવવા માટે અને ખાસ તો બાળકોને પક્ષીઓ કઈ રીતે ઓછા ઘાયલ થાય તે માટેની સમજ આપવા માટે ખાસ વિડિયો પ્રેઝન્ટેશન દ્વારા જનજાગૃતિ અભિયાન ની શરૂઆત પોરબંદરની સ્કૂલ દ્વારા કરવામાં આવેલી હતી. આ અંતર્ગત પ્રકૃતિ ધ યુથ સોસાયટી અને પોરબંદર વન વિભાગ દ્વારા એક ક્લિપ સાથે બાળકોને ઓછા પક્ષીઓ કઈ રીતે ઘાયલ થાય ? અને પક્ષીઓ ઘાયલ થાય ત્યારે શું કરવું શું નહીં તે માટેનું ખાસ લેક્ચર લેવામાં આવેલ હતું.
અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે વર્ષો પહેલા ના પ્રમાણમાં હાલ ઘાયલ પક્ષીઓની સંખ્યા ખૂબ જ ઓછી આવતી હોય છે. તેનું મુખ્ય કારણ લોકોમાં આવેલી જાગૃતિ છે. આ માટે બાળકો સૌથી મોટું અને મહત્વનું પાત્ર ભજવે છે. આથી બાળકોને આ વિશે જાગૃત કરવા માટે શાળાની ખાસ અપીલ થી આ કાર્યક્રમ ગોઠવવામાં આવેલ.આ લેક્ચર પ્રકૃતિ ધ યુથ સોસાયટી ના ડૉ સિદ્ધાર્થ ગોકાણી દ્વારા લેવા માં આવેલ. વિડિયો સ્લાઇડ અને લેક્ચર દ્વારા વિદ્યાર્થી ઓ ને સમજાવવામાં આવેલું કે ખાસ કરીને સવારના છ થી આઠ સાંજે છ થી આઠ પતંગ ના ઉડાડવી જળાશયોની આસપાસ પતંગો ના ઉડાડવી,ચાઈનીઝ દોરાઓ કે ખૂબ જ પાકા પાયેલા દોરા નો ઉપયોગ ના કરવો, પતંગ ખૂબ ઊંચી ન ઉડાડવી, રાત્રિના સમયે ફટાકડા ના ફોડવા અને ઉતરાયણનો તહેવાર પત્યા બાદ ઘરની આજુબાજુમાં કંઈ પણ દોરાઓ લટકાતા દેખાય તો તુરંત જ તેનો નિકાલ કરો, અથવા ફાયર બ્રિગેડ કે નગરપાલિકા વગેરે ની મદદ લઈ અને તે દોરા નો નિકાલ કરો.
પોરબંદર વન વિભાગ અને પ્રકૃતિ સોસાયટી દ્વારા આગામી દિવસો માં દરેક શાળા કોલેજ માં જન જાગૃતિ કાર્યક્રમ ચાલુ રહેશે. તો કોઈ પણ સ્થળે ઘાયલ પક્ષી દેખાય તો તુરંત જ હેલ્પલાઇન નંબર 8264101253, 9904040840, 02862252413, 9067291111, 9426183175 ઉપર ફોન કરવા ખાસ અનુરોધ કરવામાં આવેલ. આ સમગ્ર અભિયાનમાં પોરબંદર વન વિભાગ માંથી આરએફઓ સામતભાઈ ભમ્મર, ફોરેસ્ટર મહેન્દ્રભાઈ ચૌહાણ અને ફોરેસ્ટ ગાર્ડ બી કે ઓડેદરા સહિત નો સ્ટાફ જોડાયો હતો. તથા પ્રકૃતિ સોસાયટીના તમામ મેમ્બર્સો ઉપસ્થિત રહ્યા હતા.