પોરબંદર માં કામકાજ ના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અંગે કાયદાકીય માર્ગદર્શન સેમીનાર યોજાયો હતો.
પોરબંદર મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા જિલ્લા પંચાયત હોલ ખાતે કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ –૨૦૧૩ અંતર્ગત કાયદાકીય જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં કાયદા નિષ્ણાંત દિનેશભાઇ ડોડિયા દ્વારા કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ – ૨૦૧૩ વિશે માહિતી આપવામાં આવી હતી. તેઓએ મહિલાઓને કામકાજના સ્થળે થતી કોઇપણ પ્રકારની જાહેર સતામણીથી રક્ષણ મેળવવા અંગે વિસ્તૃત કાયદાકીય માર્ગદર્શન આપ્યું હતું.
દિનેશભાઈ એ જણાવ્યું હતું કે મહિલાઓએ સશક્ત થઇને જાગૃતતા કેળવવી જોઇએ. તથા દરેક પડકારનો સામનો કરવા સજ્જ રહેવું જોઇએ. જિલ્લા કાનૂની સતા મંડળ દ્રારા જારી કરાયેલ ટ્રોલ ફ્રી નંબર ૧૫૧૦૦ પર સંપર્ક કરીને નિ:શુલ્ક નિષ્ણાંત કાયદાવીદની જરૂરી સલાહ મેળવી શકે છે.
આ તકે નીતાબેન વોરા જણાવ્યું હતું કે, બાળકોને ગુડ ટચ તથા બેડ ટચ અંગે જરૂરી જાણકારી બાળપણથી આપવી જોઇએ. તથા સોશ્યલ મીડિયાના સારા તથા નરસા પરિણામો વિશે માહિતગાર કરવા જોઇએ. દરેક મહિલાઓએ સશક્ત થઇને જાહેર સતામણી વિરુધ્ધ નિર્ભય થઇને અવાજ ઉઠાવવો જોઇએ. તેમજ અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.કરમટા દ્રારા કોરોનાથી સાવચેત રહેવા અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ સેમિનારમાં શહેર નાયબ પોલીસ અધિક્ષક નિલમ ગોસ્વામી, વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલકો, નારી અદાલતના કર્મચારીઓ, મહિલા શક્તિ કેન્દ્ર સ્ટાફ તથા વિવિધ મહિલા કેન્દ્રના સંચાલક સહિત બહોળી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું આયોજન મહિલા અને બાળ અધિકારી ડો.જે.સી.ગોહિલ, દહેજ પ્રતિબંધક સહરક્ષણ અધિકારી બી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. તથા કાર્યક્રમનું સંચાલન મહિલા શક્તિ કેન્દ્રના સ્ટાફ દ્રારા કરવામાં આવ્યું હતું.



