પોરબંદર યાર્ડ ખાતે વધુ એક વખત ભર શિયાળે કેસર કેરી નું આગમન થતા વેપારીઓ દ્વારા તેના ગુલાબ ના ફૂલ અને પેંડા વહેચી વધામણા કરાયા હતા.
પોરબંદર ના ખંભાળા પંથક માં કેસર કેરી નો પાક વહેલો તૈયાર થતા અઠવાડિયા પહેલા યાર્ડ ખાતે તેની હરરાજી થઇ હતી. ત્યાર બાદ તેની નજીક આવેલ બિલેશ્વર અને ફોદાળા ડેમ વિસ્તાર માં પણ કેટલાક આંબાઓ માં કેરી તૈયાર થઇ જતા તેની હરરાજી માટે યાર્ડ ખાતે લાવવામાં આવી હતી. કુલ ૬ પેટી એટલે કે ૬૦ કિલો કેરી લાવવામાં આવી હતી. અને કિલો ના ૩૫૦ રૂ થી તેની બોલી શરુ થતા રૂ ૫૦૧ ના કિલો સુધી પહોંચી હતી.
છેલ્લા દોઢ દાયકા થી ફળો ના વ્યવસાય સાથે સંકળાયેલા નીતિનભાઈ દાસાણી એ જણાવ્યું હતું કે જીલ્લા માં ખંભાળા,હનુમાનગઢ,બિલેશ્વર સહિતના કેટલાક વિસ્તારો માં વાતાવારણની અસર વચ્ચે અગાઉથી કેરીનો પાક આવી ગયો છે. આમ તો કેરીનો પાક માર્ચ મહિનાથી શરૂ થાય છે. આ વખતે વાતાવરણ અનુકૂળ હોવાથી અમુક આંબામાં વહેલી કેરી આવી છે. તેઓએ જણાવ્યું હતું કે આ મોસમ માં કેરી અગાઉ ક્યારેય આવી નથી અને તેનો ભાવ પણ 501 રૂ. કિલો એ રેકોર્ડબ્રેક ભાવ છે. અગાઉ ભર સીઝન માં પણ ક્યારેય આ ભાવ નોંધાયો નથી. આજે કેરી નું આગમન થતા ગુલાબ ના ફૂલ અને પેંડા વેચી ને તેઓએ કેરી ના વધામણા કર્યા હતા.

