રાણાવાવ ના રાણા વડવાળા ગામે વાડી માંથી નવજાત બાળકી નો મૃતદેહ મળી આવતા પોલીસે અજાણી સ્ત્રી સામે બાળકી નો જન્મ છુપાવવા છુપી રીતે નિકાલ કરવાનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મૂળ કુછડી ગામના વતની અને હાલ રાણા વડવાળા ગામે બાયપાસ પર સ્મશાન ની સામે દેવાભાઈ અરજણભાઈ ખુંટી ની વાડીએ ભાગ રાખી ખેતીકામ કરતા નથુભાઇ જેઠાભાઇ કુછડીયા ( ઉ.વ.૫૦)એ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ રવિવારે વહેલી સવારના તેઓ ખેતર માં પાણી વાળવા ગયા હતા. ત્યારે સાતેક વાગ્યે સામેના શેઢે પહોંચ્યા ત્યાં વડના ઝાડ નીચે એક તાજી જન્મેલી બાળકી પડી હતી આથી તેઓએ ત્યાં જઈને જોતા તે મરણ હાલત માં હોય તેવું જણાયું હતું. આથી તુરંત વાડી માલિક સહીત આસપાસ ના લોકો ને જાણ કરી હતી. અને પોલીસ પણ દોડી ગઈ હતી.
અને તેને રાણાવાવ સરકારી દવાખાને લાવતા ફરજ પરના તબીબે બાળકી ને મૃત જાહેર કરી હતી. બાળકી ના મૃતદેહને પીએમ માટે જામનગર ખસેડવામાં આવ્યો છે. પોલીસે નથુભાઈ ની ફરિયાદ ના આધારે અજાણી સ્ત્રી સામે પોતાના બાળક નો જન્મ છુપાવવાના ઈરાદે મૃતદેહનો છુપી રીતે નિકાલ કરી ગુન્હો કરવા અંગે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બનાવ ના પગલે ગ્રામ્ય પંથક માં ચકચાર મચી છે.