સામાન્ય રીતે મંદિર કે સંત ની જગ્યા માં લોકો નાળીયેર,પ્રસાદી ધરતા હોય છે. પરંતુ રાણાવાવ ની જામ્બુવંતી ગુફા સંકુલ માં આવેલ સંત શ્રી રામેશ્વરદાસ બાપુ ની જગ્યા ખાતે લોકો અવનવી દીવાલ ઘડિયાળ ધરતા હોય છે. આ પરંપરા વરસો થી ચાલી આવે છે.
આપણે ત્યાં જુદા જુદા લોકો,જુદી જુદી ભાષા જુદી જુદી પરંપરાઓ ચાલી આવે છે. વાત જયારે ભગવાનની આવે છે. ત્યારે પૂજા ની પદ્ધતિ અને તેને ચડાવવામાં આવતા પ્રસાદ ની પણ અનેક વિવિધતાઓ જોવા મળતી હોય છે. પરંતુ તેમાં મોટે ભાગે શ્રીફળ,પ્રસાદી,અગરબત્તી,ચુંદડી ધરવામાં આવતા હોય છે. પરંતુ રાણાવાવ નજીક બરડા ડુંગર ની ગોદ માં આવેલ જામ્બુવંતી ની ગુફા ના સંકુલ માં સંત શ્રી રામેશ્વરદાસજી નું બ્રહ્મલીન આસન અને ઘડિયાળ રૂમ આવેલો છે. અહી દુર દુર થી શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. અને સાથે દીવાલ ઘડિયાળ લાવે છે. જે અહી ધરે છે.
અહી ના નિખીલભાઈ જોગિયા એ માહિતી આપતા જણાવ્ય હતું કે વરસો પહેલા જયારે અહી વીજળી ,પાણી સહીત કોઈ સુવિધા ન હતી ત્યારે સંત શ્રી રામેશ્વરદાસજી એ આ સ્થળ ખાતે નિવાસ કર્યો હતો. અને આ સ્થળ ને નંદનવન સમાન બનાવ્યું હતું. તેઓને દીવાલ ઘડિયાળ ખુબ પ્રિય હતી. તેઓ જ્યાં જાય ત્યાંથી દીવાલ ઘડિયાળ લાવતા હતા. અને લોકો ને પણ તેઓ ઘડિયાળ મારફત સમય નું મહત્વ સમજાવતા હતા. તેઓએ ૧૯૭૬ માં અહી જીવતા સમાધી લીધી હતી. તેના પાંચ દિવસ પહેલા જ ભક્તો ને પોતે સમાધી લેવાના હોવાની જાણ કરી હોવાનું પણ કહેવાય છે. ત્યાર બાદ પણ આશ્રમ ખાતે જે ભક્તો આવે તે દીવાલ ઘડિયાળ લઇ ને આવે છે. લોકો ની આસ્થા જયારે ફળીભૂત થાય ત્યારે તે અહી ઘડિયાળ લઇ ને આવે છે. તેવી માન્યતા અહી વર્ષો થી ચાલી આવે છે. હાલ અહીના ઘડિયાળ રૂમ ની દીવાલો માં અનેકવિધ ઘડિયાળો ટીંગાડવામાં આવી છે.
૨૦૦૬ માં વડાપ્રધાન મોદી એ અહીની મુલાકાત લીધી હતી
૨૦૦૬ માં રાજ્ય ના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલ ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ પણ આ સ્થળ ની મુલાકાત લીધી હતી. અને જગ્યા થી પ્રભાવિત થઇ પ્રવાસન સ્થળ માં તેનો સમાવેશ કરી વિકાસ કર્યો હતો.
પ્રસાદી રૂપે પણ ભક્તો ઘડિયાળ લઇ જાય છે
અહી ભીમ અગિયારસ,શિવરાત્રી સહિતના તહેવારો ની ઉજવણી સમયે મોટી સંખ્યા માં ભક્તો આવતા હોય છે .અને ઘડિયાળો પણ સાથે લાવતા હોય છે.તો ભક્તો ને ઘડિયાળ પ્રસાદી રૂપે પણ આપવામાં આવતી હોય છે.
અનેક જુનવાણી ઘડિયાળો પણ છે
આશ્રમ ખાતે સંત શ્રી રામેશ્વરદાસજી ના સમય ની અનેક જુનવાણી ઘડિયાળો પણ છે. અને કેટલીક તો દુર્લભ ગણાતી ઘડિયાળો પણ અહી રાખવામાં આવી છે. હાલ તો સેલથી ચાલતી ઘડિયાળો નો જમાનો છે. પણ અહી અગાઉ ની ચાવી વાળી ઘડિયાળો પણ ઉપલબ્ધ છે. ઉપરાંત નાની-મોટી-વિવિધ આકાર વિવિધ રંગ ધરાવતી ઘડિયાળો નિહાળી અહી પ્રથમ વખત આવતા પ્રવાસીઓ તો આશ્ચર્ય માં મુકાય છે.