પોરબંદર માં છેલ્લા એક માસ માં જ ઓરી ના 4 કેસ સામે આવતા તંત્ર સતર્ક થયું છે અને સર્વે ની કામગીરી હાથ ધરી છે.
રાજકોટ અને અમદાવાદ બાદ હવે પોરબંદર માં પણ ઓરી ના કેસ સામે આવ્યા છે. શહેર માં 15 જેટલા બાળકો માં ઓરીના લક્ષણો સામે આવતા આરોગ્ય વિભાગ દોડતો થયો છે. તમામ 15 બાળકોના સેમ્પલ અમદાવાદ બીજે મેડીકલ કોલેજ ની લેબમાં મોકલવામાં આવ્યા હતા. જેમાંથી 4 બાળકોના રીપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેમાં મેમણવાડા રહેતા એક બાળક,ગાયવાડીમાં રહેતા એક બાળક અને વીરડી પ્લોટ માં રહેતા બે બાળકો નો સમાવેશ થાય છે. આ તમામ બાળકો ની ઉમર 3 થી 8 વર્ષ ની છે.
ઓરી ના રીપોર્ટ પોઝીટીવ આવતા આરોગ્ય વિભાગ ની ટીમો સતર્ક થઇ છે. અને સર્વે કામગીરી હાથ ધરી છે. આરબીએસકે ટીમ દ્વારા ઘરે ઘરે જઈને રસી અંગે સર્વે કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને જે વિસ્તાર માંથી ઓરીના કેસ સામે આવ્યા છે. તેની આસપાસ ના વિસ્તાર માં ૧૫૦ થી ૨૦૦ ઘરો માં સર્વે કરી શંકાસ્પદ લક્ષણો ધરાવતા બાળકો ના સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરી છે. ઓરી અછબડા સહિતની રસી સરકાર દ્વારા દર બુધવારે વિનામૂલ્યે આપવામાં આવતી હોવાનું આરોગ્ય વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.
