પોરબંદર ના સાંદીપની હોલ ખાતે ચૂંટણી માં ફરજ બજાવનાર કર્મયોગીઓ નો અભિવાદન પ્રોત્સાહન સમારોહ યોજાયો હતો.
પોરબંદર જિલ્લાના પોરબંદર તથા કુતિયાણા વિધાનસભા વિસ્તાર માટે ચૂંટણી દરમિયાન ચૂંટણીલક્ષી કામ કરનાર કર્મયોગીઓનો અભિવાદન પ્રોત્સાહન સમારોહ સાંદિપની આશ્રમ ખાતે જિલ્લા કલેકટર અશોક શર્માના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જેમાં કર્મચારીઓને પ્રમાણપત્ર પાઠવીને બિરદાવવામાં આવ્યા હતાં. આ તકે જિલ્લા કલેકટર અશોક શર્માએ ચૂંટણીમાં ફરજબધ્ધ તમામ કર્મચારીઓ,અધિકારીઓનો આભાર વ્યક્ત કરવાની સાથે જણાવ્યું હતુ કે, શિસ્ત, સેવા અને કર્મનિષ્ઠાએ કર્મયોગીની ઓળખ છે.
કલેકટરે પોતાના ચૂંટણીલક્ષી અનુભવો પણ કહ્યા હતા. તથા મતદાન મથક પર ફરજ બજાવેલ કર્મચારીઓની કામગીરીને બિરદાવી હતી. જિલ્લા વિકાસ અધિકારી બી.ડી.નિનામાએ ચૂંટણી દરમિયાન પોતે કરેલી કામગીરી કહી હતી. નોડલ અધિકારી મેન પાવર મેનેજમેન્ટ અને અધિક કલેકટર એમ.કે.જોષીએ કર્મચારીની ફાળવણી, હુકમ વગેરે કરેલી કામગીરી વર્ણવી હતી. પ્રાંત અધિકારી પોરબંદર અને કુતિયાણાએ ચૂંટણી અધિકારી તરીકે કરેલી પોતાની કામગીરી તથા અનુભવો રજુ કર્યા હતા. જેમા ટાઇમ મેનેજમેન્ટ, હ્યુમન રીસોર્સ મેનેજમેન્ટ, ઇન્ફ્રાટ્રકચર મેનેજમેન્ટ, પ્લેસ મેનેજમેન્ટ તથા ટીમ તરીકે કરેલી કામગીરીના અનુભવો કહ્યા હતા.
આ તકે મતદાન મથક પર ફરજ બજાવનાર સખી મતદાન મથકના પ્રિસાઇડીંગ ઓફીસર દીપાબેન મોઢા, બી.એલ.ઓ મૌલીક જોષીએ ચૂંટણી દરમિયાન ફરજ પરના અનુભવો કહ્યા હતા.કાર્યક્રમ માં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી હેતલબેન જોષી સહિત બહોળી સંખ્યામાં શિક્ષકો તથા પોલીંગ, પ્રિસાઇડીંગ ઓફિસર તરીકે ફરજ બજાવનાર કર્મચારીઓ હાજર રહ્યા હતા.