પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ ખાતે નશાબંધી ના ઘનિષ્ઠ પ્રચાર પ્રસાર અર્થે બેઠક યોજાઈ હતી. જેમાં બાળકો ને સોલ્યુશન કે પંચર ની ટ્યુબ નું વેચાણ ન કરવા અપીલ કરાઈ હતી.
પોરબંદરની વિવિધ ઝુપડપટ્ટી અને શ્રમજીવી વિસ્તારમાં નાના બાળકો સોલ્યુશન તેમજ રસાયણ ઉમેરીને નશો કરતા હોય છે. જેથી નશાબંધી વિભાગ દ્વારા ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ અને જિલ્લા નશાબંધી અમલીકરણ સમિતિના સભ્ય જીગ્નેશભાઇ કારીયા તથા ચેમ્બર ના પદાધિકારીઓ સાથે ચેમ્બર ઓફ કોમર્સની ઓફીસ ખાતે બેઠક નું આયોજન કરાયું હતું. જેમાં નશાબંધી અધિક્ષક ગોહિલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
નશાબંધીના ધનિષ્ઠ પ્રસાર-પ્રચાર અંતર્ગત આ બેઠક યોજાઈ હતી. જેમાં વેપારીઓને અનુરોધ કરવામાં આવ્યો હતો કે સોલ્યુસન બોન્ડ,હાઇબોન્ડ તથા પંચરની ટ્યુબ કોઇ નાના બાળકો (૧૮ વર્ષથી નીચેના) સોલ્યુસન ખરીદવા આવે તો તેમને આપવું નહીં. સૌ વેપારીઓ પણ આ અંગે સહમત થયા હતા. તથા જાહેર જનતાને પણ અનુરોધ કરવામાં આવ્યો હતો કે ઝુંપડપટ્ટી તેમજ શ્રમજીવી એરીયામાં કોઈ બાળકો કે લોકો આ પ્રકાર નો નશો કરતા હોય તેવું ધ્યાને આવે તો તેઓને સમજાવવા અથવા તો નશાબંધી અને આબકારી કચેરીનો સંપર્ક કરી જાણ કરવા પણ અપીલ કરાઈ છે.
ઉલ્લેખનીય છે કે ચોપાટી નજીક આવેલ ઝૂપડપટ્ટી સહીત અનેક શ્રમિક વિસ્તારો માં રહેતા બાળકો માં આ પ્રકાર ના નશા નું દુષણ વધ્યું છે. ત્યારે વેપારીઓ ના આ નિર્ણય ને લોકો એ પણ આવકાર્યો છે.