પોરબંદર
પોરબંદર જિલ્લામાં આવેલા કસ્તુરબા ગાંધી બાલીકા વિદ્યાલયમાં વિનામૂલ્યે શિક્ષણ સહિત રહેવા, જમવાની સુવિધા સાથે વિદ્યાલયમાં વિધાર્થિનીઓને ગુણવત્તાસભર શિક્ષણ પૂરું પાડવામાં આવે છે. પોરબંદર જિલ્લાનાં મહિયારી ગામે કાર્યરત કે.જી.બી.વી માં ધો.૬ થી ઘો.૧૦ સુધી અભ્યાસ કરનાર રોજીવાડા ગામની દીકરી કારાવદરા ગીતાબેન કસ્તુરબા જેવી જ સેવા ભાવના ધરાવે છે. નાનપણથી ભણવામાં તેજસ્વી ગીતાબેને ધો. ૧૦ પછી ઘો. ૧૧/૧૨ સાયન્સ અને ત્યારબાદ બી.એસ.સી નર્સિંગમાં રાજકોટ ખાતે એડમીશન લિધા બાદ કોરોના મહામારીમાં રાજકોટની સિવિલ હોસ્પિટલ ૩ મહિના સુધી સેવા આપીને ઉત્તમ કામગીરી બજાવી છે.
આ સંદર્ભે ગીતાબેને જણાવ્યુ હતુ કે, અમે વાડી વિસ્તારમાં રહેતા જેથી સ્કૂલ દૂર પડતી. પણ મને ભણવામાં વધુ રસ તેથી કે.જી.બી.વીમાં મને એડમીશન મળ્યુ હતુ, જ્યાં રહેવા, જમવા તથા ભણવાની એમ તમામ સુવિધા સરકાર દ્વારા પુરી પાડવામાં આવે છે. સ્કૂલના ટીચરના સતત માર્ગદર્શનથી મને ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજીમાં વિશેષ રસ જાગ્યો. અને ઘો.૧૦ પછી મે સાયન્સમાં રાજકોટ ખાતે એડમિશન લીધું.
ધો.૧૨ પછી બી.એસસી નર્સિંગમાં રાજકોટ સરકારી નર્સિંગ કોલેજમાં એડમીશન મળ્યું. સ્ટડી દરમિયાન કોરોના મહામારીના કારણે મને દર્દીઓની સારવાર કરવાની તક મળી અને સતત ૩ મહિના મને રાજકોટ સરકારી હોસ્પિટલમા કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર, સેવામાં જોડાવાની તક મળી. કસ્તુરબા ગાંધી બાલીકા વિદ્યાલયમા શિક્ષણની સાથે સાથે રહેવા તથા જમવાની સુવિધા સરકાર દ્વારા પુરી પાડવામાં આવતી હતી, ત્યાંના ટીચર વિધાર્થિનીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડે છે. તો મારી પણ ફરજ છે કે હું પણ નર્સ બનીને દેશની સેવા કરૂ, કોરોના કાળમાં ચાલુ અભ્યાસે દર્દીઓની સેવા કરવાનો મને અવસર મળ્યો હતો.