પોરબંદર
પોરબંદર માં દર્દીઓને નિઃશુલ્ક સારવાર આપવા તૈચાર થયેલી હોસ્પીટલનું લોકાર્પણ કરાયું છે.કોવિડ હેલ્પ એશોશીએશન દ્વારા કોરોનાની બીજી લહેર સમયે અનેકવિધ સેવાકાર્યો યોજાયા બાદ ત્રીજી લહેરમાં પણ મદદરૂપ બનવા હોસ્પિટલ શરુ કરાઈ છે.જેમાં વિવિધ તબીબો સેવા આપશે.
પોરબંદરના સુરજ પેલેસ ખાતે દર્દીઓને નિઃશુલ્ક સારવાર આપવા તૈયાર થયેલી હોસ્પીટલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.પોરબંદર શહેરમાં કોરોનાની મહામારી સામે લડવા કોરોના કાળ દરમ્યાન દર્દીઓને મદદરૂપ થવા હિરલબા જાડેજા,અનિલભાઈ કારીયા,લાખાણશી ગોરાણીયા,કરશનભાઈ સલેટ,રાજુભાઈ લાખાણી અને અનિલરાજ સંઘવી, ભરતભાઈ રાજાણી,હર્ષિતભાઈ રૂઘાણી,જગુભાઈ હાથી સહિતના આગેવાનોની સમિતિ બનાવી શહેરની વિવિધ સામાજીક સંસ્થાઓના આગેવાનોએ સાથે મળીને ‘કોવીડ હેલ્પ એશોશીએશન’ની સ્થાપના કરવામાં આવી હતી.
આ એશો. દ્વારા પ્રથમ અને બીજી લહેર વખતે તમામ હોસ્પીટલોમાં તથા ઘરે ઘરે સારવાર લઇ રહેલા દર્દીઓને જરૂરી ઓક્સિજન સેવા અને અન્ય મેડીકલ સાધનોથી લઇ દવાઓ સુધી તમામ સેવાઓ કોવીડ હેલ્પ એશો. દ્વારા પુરી પાડવામાં આવી હતી.હવે આગામી સમયમાં કોરોના સામે લડવા અને સામાન્ય સમયમાં પણ ગરીબ દર્દીઓને મફત સારવાર મળે તે માટે સુરજ પેલેસ માવતર હોસ્પીટલ ખાતે કોવીંડ હેલ્પ એશો. દ્વારા પાંચ બેડ ની સુવિધાઓ થી સજ્જ હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે
પાંચ બેડની સુવિધાઓથી સજ્જ
એશોશીએશન દ્વારા સરકારી હોસ્પીટલોમાં જરૂરી સાધનો અર્પણ થયા હતા
ભાવસિંહજી હોસ્પીટલ, સાંદીપની કોવીડ કેર સેન્ટર, વનાણા કોવીડ સેન્ટર, આયુર્વેદ હોસ્પીટલ કોવીડ કેર સેન્ટર સહિત સરકારી હોસ્પીટલો અને અન્ય ખાનગી હોસ્પીટલોમાં સારવાર લેતા કોવીડ દર્દીઓ માટે ૫૦ ઓક્સિજન સીલીન્ડર, ૨૦૦ ઓક્સિજન રેગ્યુલેટર વીથ હયુમીડીફાયર,૭૫ બાટલા ચડાવવા માટેના આઈ.વી. સ્ટેન્ડ,૨ નંગ સ્ટ્રેચર,૧૦ સીલીન્ડર ટ્રોલી,૮ બેડ પાન, ૨ નંગ ઓક્સિજન મશીન,૨ નંગ નેબ્યુલાઈઝર સહિતના સાધનો જીલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ કોવીડ હેલ્પ એશો. દ્વારા દર્દીઓની સારવાર માટે અર્પણ કરવામાં આવ્યા હતા.આ ઉપરાંત, ભરતભાઈ ઠકરારના સહયોગથી ૨૦૦૦ બોટલ મીથીલીન બ્લુનું પણ વિના મુલ્યે વીતરણ કરવામાં આવ્યું હતું.
દાતાઓનો મળ્યો સહયોગ
કોરોનાના ત્રીજા રાઉન્ડમાં દર્દીઓની સારવાર તથા ભવિષ્યમાં પણ ગરીબ દર્દીઓની સારવાર માટે સુરજ પેલેસ ખાતે કોવીડ હેલ્પ એશો. દ્વારા પાંચ બેડની હોસ્પીટલ શરૂ કરવામાં આવી છે.આ હોસ્પીટલ માટે ઈન્ડો આફ્રિકા ચેરીટેબલ સોસાયટી કેનેડાના વસંતભાઈ લાખાણીએ સાત લાખના ખર્ચે પાંચ ઓક્સિજન મશીન,એક બાયપેપ મશીન,બે હાઈફલો મશીન તથા બે આઈ.સી.યુ. બેડ અર્પણ કર્યા છે.સાત લાખના ખર્ચે મહેર સમાજ લેસ્ટર યુ.કે. દ્વારા ગીતાબેન કારાવદરા ના હસ્તે ૧૦ ઓકિસજન મશીન કોવીડ હેલ્પ એશો.હોસ્પીટલ માટે અર્પણ કરવામાં આવ્યા છે.આ ઉપરાંત, જલારામ સેવા મંડળ હસ્તે ડો. અનીલભાઈ દેવાણી દ્વારા બે આઇસીયુ બેડ હોસ્પીટલને અર્પણ કરવામાં આવ્યા છે.
અનેક તબીબ સેવા આપશે
કોવીડ હેલ્પ એશો. દ્વારા શરૂ કરવામાં આવેલ આ હોસ્પીટલમાં ડો. સુરેશભાઈ ગાંધી, ડો. અનિલભાઈ દેવાણી, ડો. કમલભાઈ મહેતા, ડો. સીમાબેન પોપટીયા, ડો. નુતનબેન ગોકાણી, ડો. અશોકભાઈ ગોહેલ વગેરે તબીબો સેવા આપશે
મહાનુભાવોના પ્રવચનો
સુરજ પેલેસ માવતર હોસ્પીટલ ખાતે કોવીડ હેલ્પ એશો. દ્વારા આયોજીત હોસ્પીટલના લોકાપર્ણ પ્રસંગે હિરલબા જાડેજાએ સ્વાગત પ્રવચનમાં સૌને આવકારતા જણાવ્યું હતું કે કોરોના દર્દીઓની મફત સારવાર માટે આ હોસ્પીટલ શરૂ કરવામાં આવી છે.પરંતુ કોરોના કાળ પછી પણ આ હોસ્પીટલના માધ્યમથી ગરીબ દર્દીઓની સતત સેવા માટે મારા મકાન ઉપરાંત, જે પણ જરૂરીયાત જણાય તેમાં સંપૂર્ણપણે મદદરૂપ થવાની ખાત્રી આપી હતી.ડો. સુરેશભાઈ ગાંધીએ પોતાના પ્રવચનમાં કોરોના સમયે શહેરની સંસ્થાઓએ સાથે મળીને કરેલી કામગીરીને બિરદાવી આગેવાઓને અભિનંદન પાઠવ્યા હતા.તથા ભવિષ્યમાં આ હોસ્પીટલમાં ડોકટરોની જયાં જરૂર પડે ત્યાં જવાબદારી લેવાની ખાત્રી આપી હતી.આ પ્રસંગે અનિલભાઈ કારીયાએ પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું.કે કોરોનાની બીજી લહેર વખતે જ આ હોસ્પીટલ શરૂ કરવાનો નિર્ધાર કર્યો હતો.પરંતુ હોસ્પીટલ માટે જરૂરી યંત્ર સામગ્રી એકઠી કરી લીધી ત્યાં સુધીમાં કોરોનાની બીજી લહેર સમાપ્ત થઇ ગઇ અને હવે ત્રીજી લહેરમાં જો જરૂર જણાય તો કોરોના દર્દીઓની સારવાર અને ત્યારપછી પણ કાચમી માટે ગરીબ દર્દીઓની સારવાર માટે આ હોસ્પીટલ કાર્યરત રાખવાની જાહેરાત કરી હતી.ડો. કમલભાઈ મહેતાએ આ હોસ્પીટલ ચલાવવા માટેની ટેકનિકલ માહિતી આપી હતી.આભારવિધિ લાખણશીભાઈ ગોરાણીયાએ કરી હતી.
પોરબંદરના સુરજ પેલેસ ખાતે હોસ્પીટલ લોકાર્પણના આ કાર્યક્રમમાં હિરલબા જાડેજા, ડો. સુરેશ ગાંધી, અનિલભાઈ કારીયા, ડો. અનિલભાઈ દેવાણી, ડો. કમલ મહેતા, લાખણશીભાઈ ગોરાણીયા, રાજુભાઈ લાખાણી, ડો. અશોક ગોહેલ, ડો. નુતનબેન ગોકાણી, રોનક દાસાણી, રાજીવ વ્યાસ, રાજુભાઈ બુધ્ધદેવ, વિજય ઉનડકટ, જયુભાઈ પારેખ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.