પોરબંદર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાષ્ટ્રની એકતા અને અખંડિતતાના શિલ્પી શ્રી સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિન નિમિત્તે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા સાદગી પૂર્ણ ‘રાષ્ટ્રીય એકતા દોડ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં મોરબીની હોનારતનાં મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. અને સાદગીપૂર્ણ રીતે ‘રન ફોર યુનિટી’ કાર્યક્રમ યોજાયો હતો.
પોલીસ પરેડ ગ્રાઉન્ડથી શરૂ કરી ચોપાટી મેળા ગ્રાઉન્ડ, વિલા સર્કિટ હાઉસ થઈને પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ‘એકતા દોડ’ પૂર્ણ થઈ હતી. આ તકે ઉપસ્થિત તમામ નાગરિકો દ્વારા અખંડિતતા, શાંતિ, સલામતી અને ભાઈચારાના સંદેશ સાથે રાષ્ટ્રીય એકતાના શપથ લેવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા રવિ મોહન સૈની, ડીવાયએસપી ઋતુ રાબા, જિલ્લા રમત ગમત અધિકારી પ્રવિણાબેન, જિલ્લા યુવા સંયોજક મેઘાબેન સનવાલ, જિલ્લા શિક્ષણ અધિકારી કણસાગરા, સહિત અધિકારીઓ, પોલીસ કર્મચારીઓ તથા વિવિધ સંસ્થાના આગેવાનો તથા શહેરીજનો દોડમાં જોડાયા હતા.