રાણાવાવમાં તસ્કરો બેખૌફ બન્યા હોય તેમ ટી પોઈન્ટ નજીક ખોડીયાર માતાજીના મંદીરમાંથી છ તોલા સોનાના દાગીનાની ચોરી કરી છે. ઉપરાંત ગોલ્ડન સોસાયટી માં પણ રહેણાંક મકાન માંથી દાગીના અને બાઈક ની ચોરી થઇ હોવાની પોલીસ ફરીયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
રાણાવાવ -જામનગર ટી પોઈન્ટ કોર્નર ઉપર વાડી ધરાવતા અને પોરબંદરમાં મચ્છીની ફેકટરી ચલાવતા મીરાજ રમેશભાઈ ચમ(ઉવ ૩૦) નામના યુવાને નોંધાવેલ પોલીસ ફરીયાદ મુજબ ગત તા. ૧૯/ ૧૦ ના રોજ તેના મકાનના ખુણા ઉપર આવેલ તેના કુળદેવી ખોડીયાર માતાજીના મંદિર માંથી તસ્કરો એ માતાજીને ચડાવેલ સોનાના મુગટ, ગળાનો હાર, નાકની નથડી તથા બંન્ને હાથની બે બંગડી તથા ચાંદીના કળશ ની ચોરી કરી હતી. જેમાં સોનાન દાગીના નું વજન છ તોલા અને કીમત અંદાજીત દોઢ લાખ છે જયારે ચાંદી ના કળશ ની કિંમત ૫૦૦ રૂ છે. આ દાગીના આશરે ચાલીસેક વર્ષ પહેલા તેના વડીલોએ ચડાવેલ હતા.
તો બીજી તરફ રાણાવાવ ગામે પીપળીયા રોડ પર આવેલ ગોલ્ડન સોસાયટીમાં તસ્કરોએ તરખાટ મચાવીને દાગીના ,બાઈકની ચોરી કરી છે. અન્ય બે મકાનમાં પણ તાળા તોડવાની કોશિશ થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
રાણાવાવના પીપળીયા રોડ પર આવેલી ગોલ્ડન સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા અને રાણાવાવ પી.જી.વી.સી.એલ.માં લાઇનમેન તરીકે નોકરી કરતા મૂળ માંગરોળના ખોડાદા નેશના દાસા ધંધાભાઇ ચાવડા નામના પ્રૌઢે એવી પોલીસ ફરીયાદ નોંધાવી છે કે તે અગાઉ માળિયાહાટીના નોકરી કરતા હતા અને બદલી થતા પાંચ મહિનાથી પરિવાર સાથે ગોલ્ડન સોસાયટીમાં રહેવા આવ્યા છે. તા. ૧૯-૧૦ના તે તથા તેમના પત્ની સાજણબેન અને સંતાનો વગેરે માળિયા હાટીનાના શેરીયાખાણ ગામે તેમના મોટાભાઇ અરજણભાઇને ત્યાં આંટો મારવા ગયા હતા. અને તેમના પાડોશી બાલુભાઇ ચાવડાને ફોન કરીને મકાનનું ધ્યાન રાખવા જણાવ્યું હતું.
સવારે બાલુભાઇનો એવો ફોન આવ્યો કે તમારા મકાનના તાળા તૂટેલા છે આથી તેઓ તાત્કાલિક રાણાવાવ આવવા નીકળ્યા હતા અને ઘરે આવીને તપાસ કરતા ઘરમાં સામાન વેરવિખેર હાલતમાં જોવા મળ્યો હતો. લોખંડના કબાટમાંથી પોણા તોલાનો સોનાનો ચેન અને સોનાની એક તોલાના વજન ધરાવતી ત્રણ વીંટી સહિત પિસ્તાલીસ હજારના દાગીના નજરે ચડયા ન હતા. આ કબાટમાં તાળું માર્યુ ન હતું તેથી કોઇ ચોરે આ પિસ્તાલીસ હજારના દાગીના ચોરી લીધાનું ફરિયાદમાં જણાવ્યું છે.
ઉપરાંત તેના પડોશી દિનેશ ખીમજીભાઇ સિયાણીએ ૩૦ હજારનું બાઈક પાર્ક કર્યુ હતું. તે પણ તસ્કરો ચોરી ગયા હતા. તથા દિનેશભાઇના મકાનનું તાળું તોડવાની કોશિશ કરી હતી તથા સામે ભુરાભાઇ ટુકડીયાનું બંધ મકાન હતું. તેના પણ તાળા તોડવાની કોશિશ થઇ હતી. તેથી દાગીના અને બાઇક સહિત ૭૫ હજારનો મુદ્દામાલ ચોરાયાનો અને બે મકાનમાં ચોરીના પ્રયાસનો ગુન્હો રાણાવાવ પોલીસ મથકમાં નોંધાવ્યો છે.તહેવાર સમયે રાણાવાવ પંથક માં તસ્કરો કાર્યરત થતા પોલીસ ની કામગીરી પર પણ સવાલો ઉઠી રહ્યા છે.