પોરબંદર જીલ્લા માં ફૂડ એન્ડ ડ્રગ વિભાગે હાથ ધરેલા ચેકિંગ દરમ્યાન ૧૨ સ્થળો એ લેવામાં આવેલ ખાદ્યપદાર્થ ના નમુના ફેલ જતા તંત્ર દ્વારા વેપારીઓ અને ઉત્પાદકો ને રૂ ૧૬.૯૦ લાખ નો દંડ ફટકાર્યો છે.
પોરબંદર ફુડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા જિલ્લામાં ફરસાણના સ્ટોલ, ડેરી, રેસ્ટોરન્ટ સહિતના સ્થળોએ તપાસ હાથ ધરીને ખાધ પદાર્થના નમુના લેવામાં આવ્યા હતા. જેને બરોડા ખાતેની લેબ માં મોકલવામાં આવ્યા હતા. આ તમામ નમુના માંથી ૧૨ સ્થળો એ લીધેલા નમુના લેબોરેટરીમાં ફેઇલ જતા જિલ્લા તંત્રએ વેપારીઓને રૂ.૧૬.૯૦ લાખનો દંડ કર્યા છે.
જેમાં કુંભારવાડા શેરી નં ૪ માં મેહુલ હરસુખભાઈ ચોટાઈ ને ત્યાંથી સુબગ ગાય નું દેશી ઘી સબ સ્ટાન્ડર્ડ નીકળતા તેને રૂ ૫૦,૦૦૦ તથા ઉત્પાદક પેઢી અમદાવાદ ની વીએસપી ડેરી તથા હિતેશ કેશવ પાનસુરીયા ને દોઢ લાખ નો દંડ, જયુબેલી રોડ પર આવેલ દીપક ખમણ સેન્ટર માંથી સુરતી લુઝ ખમણ સબ સ્ટાન્ડર્ડ નીકળતા તેના માલિક દીપકભાઈ દત્તાણીને એક લાખ નો દંડ, આર્યસમાજ રોડ પર આવેલ નેશનલ એન્ટરપ્રાઈઝ માંથી લીધેલ એકવા વેલી મિનરલ વોટર મિસ બ્રાન્ડેડ નીકળતા તેના માલિક સૈફુદીન મોહસીનભાઇ ખેટી ને ૧૫ હજાર તથા ઉત્પાદક જુનાગઢ ના એકવા નીર હેલ્થ કેર ના માલિક તરંગ હરસુખભાઈ દોંગા અને તેના ૯ પાર્ટનર ને રૂ ૫૦ હજાર નો દંડ ફટકાર્યો છે.
શહેરના એસવીપી રોડ પર આવેલ પ્રમેય ફાસ્ટફૂડ માંથી લુઝ દહીં સબ સ્ટાન્ડર્ડ હોવાથી તેના સંચાલક ભરત લીલાભાઈ ખુંટી તથા માલિક રંજનબેન અટારા ને રૂ ૪૦ હજાર નો દંડ,પાલખડા ગામે આવેલ આઝાદ ઓઈલ ઇન્ડસ્ટ્રીઝ માંથી લુઝ સિંગતેલ સબ સ્ટાન્ડર્ડ નીકળતા તેના માલિક પ્રતાપ વેજાભાઈ કેશવાલા અને હિમાંશુ રમણીકલાલ થાનકી ને રૂ એક લાખ નો દંડ,હાર્મની કોમ્પ્લેક્ષ માં આવેલ શ્રીજી એન્ટરપ્રાઈઝ માંથી લીધેલ બટર નમકીન સબ સ્ટાન્ડર્ડ નીકળતા તેના માલિક મહર્ષિ કમલેશભાઈ આચાર્ય તથા ભાગીદારો ને રૂ ૫૦ હજાર અને ઉત્પાદક ઝેપોલી બેકર્સ ધોરાજી ના ૫ ભાગીદારો ને રૂ ૧ લાખ નો દંડ ફટકાર્યો છે.
કુતિયાણા ના લક્ષ્મીનગર માં આવેલ ગત્રલ જનરલ સ્ટોર્સ માંથી જય બ્રાંડ પૌવા નું સેમ્પલ મિસ બ્રાન્ડેડ હોવાથી માલિક લાખણશી નાગાજણ પરમાર ને રૂ ૫ હજાર અને ઉત્પાદક ગોંડલ ના જય મમરા ના ભાગીદારો ને રૂ ૩૦ હજાર નો દંડ ,એમજી રોડ પર આવેલ જય ચામુંડા પાઉભાજી માં થી સેન્ડવીચ બ્રેડ મિસ બ્રાન્ડેડ નીકળતા માલિક હિતેશ જાદવભાઈ માલમ ને રૂ 2૦ હજાર નો દંડ અને ઉત્પાદક રમેશભાઈ ગોવિંદભાઈ મોતીવરસ ને રૂ ૮૦ હજાર નો દંડ ,રાણા કંડોરણા ગામે ધાર વિસ્તાર માં તેજસ પ્રવીણભાઈ ભારાણી પાસે થી લુઝ પનીર લુઝ દૂધ સબ સ્ટાન્ડર્ડનીકળતા રૂ ૯ લાખ નો દંડ ,ખાંભોદર ગામે ક્રિષ્ના બીવેરેજીસ માંથી એકવા સીપી બ્રાંડ તથા બેલ્લારી બ્રાંડ ની મિનરલ વોટર બોટલ સબ સ્ટાન્ડર્ડ નીકળતા માલિક વેજાભાઈ સુકાભાઈ ઓડેદરા ને રૂ એક લાખ નો દંડ ફટકાર્યો છે. તહેવાર સમયે ભેળસેળિયા તત્વો ને દંડ ફટકારવામાં આવતા આવા તત્વો માં ફફડાટ જોવા મળે છે.