પોરબંદર ની સૌરાષ્ટ્ર કેમિકલ ફેક્ટરી ને મોકલવામાં આવેલા કોલસામાં ભેળસેળ કરી રૂ ૧૯ લાખ ની છેતરપિંડી કરવા અંગે ત્રણ ટ્રક ડ્રાઈવર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
જામનગર ની સત્યમ કોલોની માં રહેતા અને ટ્રાન્સપોર્ટ કંપની ચલાવતા જીવાભાઈ જગાભાઇ પોપાણીયા એ પોરબંદર ના કમલાબાગ પોલીસ મથકમાં નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ છેલ્લા દોઢેક વર્ષ થી પોરબંદર ની સૌરાષ્ટ્ર કેમિકલ ફેક્ટરી દ્વારા તેની ટ્રાન્સપોર્ટ કંપની મારફત જામનગર ની રિલાયન્સ ફેક્ટરી માંથી પેટ કોક મંગાવવામાં આવે છે. તાજેતર માં સૌરાષ્ટ્ર કેમિકલ કંપની દ્વારા તેઓને જાણ કરાઈ હતી કે તેના ટ્રાન્સપોર્ટ મારફત મોકલેલા પેટ કોક માં ભેળસેળ હોવાનો લેબોરેટરી રીપોર્ટ આવ્યો છે. જેથી તેઓ પોરબંદર આવ્યા હતા જ્યાં કંપની એ તેઓને આ અંગે વિગતો આપી હતી. જેમાં ત્રણ ટ્રક ચાલક મારફત આપવામાં આવેલ પેટ કોક માં ભેળસેળ હોવાનું સામે આવ્યું હતું. આથી તેઓએ ત્રણ ટ્રક ડ્રાઈવર બીજલ રામભાઈ હારણ,હરપાલસિંહ એસ.રાઠોડ તથા રઘુવીરવસિંહ રામદેવવસિંહ ગોહીલ સામે તેના ટ્રાન્સપોર્ટ મારફત મોકલવામાં આવેલ પેટકોક(કોલસો) માં ભેળસેળ કરી સૌરાષ્ટ્ર કેમીકલ લીમીટેડ કંપની સાથે રૂ ૧૯ લાખ ની છેતરપીંડી અને વિશ્વાસઘાત કરવા અંગે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.