રાણાવાવ ના આદિત્યાણા ગામે રહેણાંક મકાન માં સ્ટેટ મોનીટરીંગ સેલ ની ટીમે ત્રાટકી ૫૭૬ લીટર દેશી દારૂ સાથે એક શખ્સ ને ઝડપી લીધો છે. જયારે અન્ય બે શખ્સો ના નામ ખુલ્યા છે ગાંધીનગર ની ટીમ ના દરોડા ને પગલે અનેક ચર્ચાઓ જાગી છે.
રાણાવાવ ના આદિત્યાણા ગામે રહેતા કાનાભાઈ લક્ષ્મણભાઈ ગુરગુટીયા તથા રાજાભાઈ જગાભાઇ ગુરગુટીયા નામના શખ્સો બહાર થી દેશી દારૂ નો જથ્થો મંગાવી બાળ કુવારી માતા ના મંદિર પાસે રહેતા સીદાભાઈ પોલાભાઈ ગુરગુટીયા નામના શખ્શ ના રહેણાંક મકાન માં કોથળીઓ માં પેકિંગ કરી ત્યાંથી જ વેચાણ કરતા હોવાની માહિતી ગાંધીનગર સ્થિત સ્ટેટ મોનીટરીંગ સેલ ને મળી હતી. આથી મોનીટરીંગ સેલ ના પીએસઆઈ એસ આર શર્મા સહિતના સ્ટાફે રાત્રી ના ૩ વાગ્યે રાણાવાવ થી ખાનગી વાહન મારફતે આદિત્યાણા જઈ સીદાભાઈ ના ઘરે દરોડો પાડ્યો હતો.
જ્યાંથી ૫૭૬ લીટર દેશી દારૂ,કેરબા,દારૂ ની કોથળીઓ મળી કુલ રૂ ૧૨,૮૦૦ નો મુદામાલ કબ્જે કર્યો હતો. અને સીદાભાઈ ની આકરી પુછપરછ કરતા આ દારૂ તેના બન્ને ભત્રીજા કાનાભાઈ લક્ષ્મણભાઈ તથા રાજાભાઈ જગાભાઇનો હોવાની કબુલાત આપી હતી. અને છેલ્લા એક માસ થી તે બન્ને દાતણીયા તથા સાત વીરડા નેસ માંથી લાવી અને પોતાના ફળિયા માં પેકિંગ કરી વેચાણ કરતા હોવાની કબુલાત આપી હતી. પોલીસે તે બન્ને શખ્સો સામે પણ ગુન્હો નોંધી બન્ને ની શોધખોળ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે બરડા ડુંગર ના નેસ માં અનેક સ્થળો એ દેશી દારૂ ની ભઠ્ઠીઓ આવેલી છે. અને અહીંથી જ જીલ્લાભર માં ઉપરાંત ભાણવડ અને જામજોધપુર સહિતના આસપાસ ના ગામો માં પણ સપ્લાય કરવામાં આવે છે. સ્થાનિક પોલીસ દ્વારા આંખ આડા કાન કરતા આ મામલે કોઈએ સ્ટેટ મોનીટરીંગ સેલ ને જાણ કરી હતી. જેના પગલે આ દરોડો પાડ્યો હતો. જેના પગલે સમગ્ર પંથક માં અને પોલીસબેડા માં પણ ચકચાર મચી છે.