પોરબંદર જીલ્લા માં પડી રહેલા વરસાદ તથા ઉપરવાસ ના વરસાદ ના કારણે અનેક માર્ગો પર પાણી ફરી વળ્યા છે. જેમાં કુતિયાણા નજીક તણાઈ જતા આઠ માસ ના બાળક નું મોત થયું છે. જયારે વાડોત્રા નજીક બે લોકો તણાઈ જતા તંત્ર દ્વારા તેની શોધખોળ કરવામાં આવી રહી છે. સાવચેતી ના ભાગ રૂપે દસ રસ્તા તાત્કાલિક અસર થી બંધ કરવા કલેકટર દ્વારા આદેશ અપાયો છે.
પોરબંદર જીલ્લા માં પડી રહેલ વરસાદ ઉપરાંત ઉપરવાસ ના વરસાદ ના કારણે અનેક માર્ગો પર પાણી ફરી વળ્યા છે. ત્યારે કુતિયાણા નજીક સારણ નેસના પુલ પરથી મધ્ય પ્રદેશનો પરિવાર રસ્તો પસાર કરી રહ્યો હતો, ત્યારે પોતાની માતા સાથે રહેલું એક દસ માસનું બાળક પાણી વધુ હોવાને કારણે હાથમાંથી વિખૂટું પડી ગયું હતું. અને એ બાળક પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. જેની જાણ થતા આ વિસ્તારના લોકોએ તાત્કાલીક બાળકની શોધખોળ હાથ ધરી હતી. તેમજ પોલીસ, ટી.ડી.ઓ. અને મામલતદાર સહિતની ટીમ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી. પરંતુ શોધખોળ દરમિયાન પાણીમાં ગરકાવ થયેલા બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો.
તો અન્ય એક બનાવ માં રાણાવાવ તાલુકાના વાળોત્રા ગામે મીણસાર નદી પર આવેલ ચેકડેમ કમ કોઝવે પર બે અજાણ્યા માણસો બાઈક સાથે પસાર થતા હતા. ત્યારે પાણી વધારે હોવાના કારણે તણાઈ ગયા હતા જે અંગે જાણ થતા મામલતદાર, પીએસઆઈ પરેશસિંહ જાદવ અને ટીડીઓ તુરંત સ્થળ પર દોડી ગયા હતા. અને સ્થાનિકો ની મદદ થી શોધખોળ હાથ ધરી છે. કલેક્ટર અશોક શર્મા એ જિલ્લા વહીવટી તંત્રના સંબંધિત અધિકારીઓને સૂચના આપી છે કે ઉપર વાસના વરસાદને કારણે જ્યાં વધારે પાણી વહેતું હોય એવા જોખમી કોઝવે તાત્કાલિક બંધ કરાવવા,જરૂર પડે પોલીસની મદદ લઈ બંદોબસ્ત પણ ગોઠવવા આદેશ આપ્યો છે.
હાલ તંત્ર એ પોરબંદર તાલુકા ના ચાર રસ્તા,રાણાવાવ તાલુકા નો એક અને કુતિયાણા તાલુકા ના પાંચ રસ્તા સાવચેતી ના ભાગ રૂપે તાત્કાલિક અસર થી બંધ કર્યા છે. ત્યાં પોલીસ બંદોબસ્ત મુકવામાં આવ્યો છે. ઉપર વાસમાંથી પાણી બંધ થયા બાદ આ રસ્તાઓ શરૂ કરવામાં આવશે.વહીવટી તંત્રએ પાણી વહેતું હોય ત્યારે રસ્તો ઓળંગવાનું સાહસ ન કરવા અપીલ પણ કરી છે . સ્થાનિક વિસ્તારમાં વરસાદ ન હોય અને ઉપરવાસમાં વરસાદ હોય તો અચાનક પાણી વધી જવાની પણ સંભાવના રહેતી હોવાથી ગ્રામ્ય વિસ્તારના લોકોને ખાસ કરીને વાહન લઈને પસાર થતા લોકોએ પાણીમાંથી પસાર થવાનું સાહસ નહીં કરવા અપીલ કરવામાં આવી છે.