પોરબંદર સહીત રાજ્યભર માં ફિશિંગ સીઝન ના પ્રારંભે વરસાદ અને વાવાઝોડા જેવી સ્થિતિ ના કારણે માછીમારો ની સ્થિતિ કફોડી બની છે. આથી વળતર ચુકવવા મુખ્યમંત્રી ને રજૂઆત કરાઈ છે.
પોરબંદર ખારવા સમાજ ના અગ્રણી સુનીલભાઈ ગોહેલે મુખ્યમંત્રી ને કરેલી રજૂઆત માં જણાવ્યું છે કે વધુ વરસાદ અથવા વાવાઝોડા ના કારણે ખેડૂતો ને નુકસાનીનું વળતર આપવામાં આવતું હોય છે. તેવી જ રીતે આ સમય દરમિયાન માછીમારો ને પણ ખૂબ જ મોટું નુકસાન થાય છે. જાનહાની, બોટોને મરામત માટેનું નુકસાન તે ઉપરાંત સમુદ્રમાં તોફાન હોવાના કારણે ચાલુ ધંધો મૂકી ને ફરી પાછી બોટ ને લાગતા બંદર પર બોલાવાથી તેના થી લાખો રૂપિયાનો ડીઝલનો વપરાશ અને નાના મોટા અન્ય ઘણા નુકસાનો થાય છે.
ફરીથી બોટો બંદરમાં આવવાથી ઘણું નુકસાન માછીમારોને સહન કરવું પડતું હોયછે. મત્સ્ય ઉદ્યોગ વિભાગ જો કૃષિ વિભાગમાં ગણવામાં આવે છે. તો ખેડૂત ભાઈઓની સાથે આ દરિયા ખેડૂતોને પણ વળતર આપવું જોઈએ અને તેના માટે આપણા મત્સ્ય ઉદ્યોગ વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે વળતર મળે એવી જોગવાઈ થવી જોઈએ.
છેલ્લા ૨ વર્ષ કોરોના ની મહામારી અને તેના પહેલાના છેલ્લા ઘણા વર્ષોથી માછીમારોની શું હાલત છે એ સરકારને લાગતા વિભાગને ખ્યાલ છે. માછીમારોની સિઝન શરૂ થાય ત્યારે આ પ્રકારની મુસીબતો થાય છે. એના માટે તાત્કાલિક રાહત માટેનું પેકેજ જાહેર કરવું જોઈએ.આજની તારીખમાં ગુજરાતના બંદરો પર વસતા માછીમારો ની પરિસ્થિતિ,હાલત શું છે તેનો તાત્કાલિક સર્વે કરવા માટે લાગતા વિભાગને મુખ્યમંત્રી દ્વારા સુચના આપી નુકસાનીનું સર્વે કરી વળતર આપવા મા આવે.
ગુજરાતનો 1650 કિલોમીટરનો સમુદ્ર કિનારો છે અને કરોડો રૂપિયાનું વિદેશી હુંડીયામણ મચ્છીમારો ના કારણે દેશ ને મળે છે. બોટ માલિકો બેંકોનો તેમજ અન્ય પ્રાઇવેટ ફંડ અને વ્યાજે કરજ લઇ ને 80% થી વધુ બોટો અને નાના પિલાણા ચલાવતા હોય છે. અને તેના કારણે સરકારની મદદ તત્કાલિક મળવી આ સમયે જરૂર છે સરકાર દ્વારા જો મદદ કરવામાં ના આવે તો આ ઉદ્યોગ ખૂબ જ મુસીબતમાં આવી શકે એમ છે અને નાના માછીમારો ને ખૂબ મોટુ નુકશાન થાય એમ છે. જેથી વહેલીતકે યોગ્ય કરવા પણ રજૂઆત માં જણાવ્યું છે.
