ગઈ કાલે રાત્રીના 1 વાગ્યે ઓખા કોસ્ટગાર્ડ હેડક્વાર્ટરને દરિયામાં રાજ આયુષી નામની બોટમાં પાણી ભરાતા ડૂબવા લાગી હોવાની માહિતી મળી હતી. જેથી કોસ્ટગાર્ડ દ્વારા હોડીના ચોક્કસ સ્થાનની ખાતરી કરવામાં આવી હતી. અને તે ઓખાના દરિયામાં 10 નોટિકલ માઇલ દૂર હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. આથી કોસ્ટગાર્ડ દ્વારા તાત્કાલિક આ અંગે પ્રતિક્રિયા આપી અને ઝડપી ઇન્ટરસેપ્ટર વર્ગના જહાજ ચાર્લી-413ને સહાય માટે મોકલવામાં આવ્યું હતું.
ઇન્ટરસેપ્ટર વર્ગના જહાજ ચાર્લી-413 બચાવ માટે આવ્યું
આસપાસમાં રહેલા જહાજોને પણ ચાંપતી નજર રાખવા માટે અને તેને જોવામાં મદદ કરવા માટે સતર્ક કરી દેવામાંઆવ્યા હતા. કોસ્ટગાર્ડનું જહાજ અત્યંત તોફાની દરિયામાં અને મહત્તમ ઝડપ સાથે લગભગ રાત્રે સવા બે વાગ્યે ત્યાં પહોંચી ગયું હતું. હોડી ભારે પૂરના કારણે આંશિક રીતે પાણીમાં ડૂબી ગયેલી હતી. અને એક બાજુ નમી ગઇ હોવાનું જણાયું હતું. માછીમારોના જીવ બચાવવાને પ્રાથમિકતા આપી તમામ ખલાસીઓ ને રેસ્ક્યુ કરી કોસ્ટગાર્ડના જહાજ પર લઇ જવામાં આવ્યા હતા.
વહાણ પૂરના કારણે આંશિક રીતે પાણીમાં ડૂબી ગયેલું હોવાથી કોસ્ટગાર્ડના કર્મચારીઓએ સબમર્સિબલ પંપનો ઉપયોગ કરીને હોડીમાં ધસી આવતા પાણીને નિયંત્રિત કરવાનો પ્રયાસ કર્યો હતો. અને પરિણામે તેના પર નિયંત્રણ મેળવી શકાયું હતું. કોસ્ટગાર્ડનું જહાજ સવારે ચાર વાગ્યે બચાવી લેવામાં આવેલા તમામ ક્રૂ ને લઇને ઓખા આવ્યું હતું.પૂરમાં ફસાયેલી બોટ ને પણ અલગથી ઓખા લાવવામાં આવી હતી.
