સમગ્ર ભારતમાં અને ગુજરાતમાં અનેકવિધ શિવમંદિરો વિદ્યમાન છે. અને તે સર્વમાં મહેશ્વરના અત્યંત દુર્લભ અને અદ્વિતીય સ્વરૂપોના ભક્તોને દર્શન થતાં જ રહે છે. અને તે સર્વમાં એક એવું મંદિર છે જેની સાથે જોડાયો છે હરિ અને હર એટલે કે શ્રીકૃષ્ણ અને મહાદેવ બંન્નેનો ગાઢ નાતો. આ તો એ શિવમંદિર છે કે જ્યાં સ્વયં શ્રીકૃષ્ણના કોડની થઈ હતી પૂર્તિ. અને આ શિવાલય એટલે તો પોરબંદરનું બિલેશ્વર ધામ. બરડા ડુંગર ની ગોદ માં આવેલ બિલનાથ મહાદેવ ના મંદિરે શ્રાવણ માસ નિમિતે હાલ ભક્તો ની ભારે ભીડ જોવા મળે છે.
પોરબંદર થી ૩૦ કિ.મી. દૂર બરડા ડુંગરની ગોદમાં ખળખળ વહેતી બિલગંગા નદીના કિનારે પ્રાકૃતિક સ્થળે બિલેશ્વર ગામની વચ્ચોવચ્ચ ભગવાન બિલનાથના મંદિર થકી સમગ્ર બિલેશ્વરમાં ધાર્મિક વાતાવરણ પ્રસરાઇ રહે છે. માત્ર સૌરાષ્ટ્ર જ નહીં દેશ-વિદેશમાં વસતા શિવભકતોમાં બિલનાથ પ્રત્યે અપાર શ્રદ્ધા છે. શ્રાવણ મહિનામાં બિલનાથના દર્શનાર્થીઓના ઘોડાપૂર વહે છે. સ્વયંભૂ બિલનાથ મહાદેવ દાદાનું આ મંદિર આશરે ૧૩૦૦ વર્ષથી પણ વધુ જુનું અને પૌરાણિક છે.
પૌરાણિક કથા અનુસાર આ મંદિરની પ્રથમ પૂજા ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના ઘરે પુત્ર પ્રાપ્તીના હેતુથી કરેલ હતી. પુત્ર પ્રાપ્તી માટે ભગવાન શ્રી કૃષ્ણએ આ શિવલીંગ પર સવા લાખ કમળ ચડાવી પુજા કરી હતી.આ સમયે પૂજામાં શુધ્ધ જળ ચડાવવા માટે સ્વયં માતા ગંગાને આહવાન કરી પ્રગટ કર્યા હતા. માટે અહીં બિલનાથ મહાદેવના શિવલીંગ પાછળ માતા ગંગા અને પાર્વતી પણ સાથે બિરાજમાન છે.ઉપરાંતમાં પૂજનવિધી સમયે સવા લાખ કમળ ચડાવતા સમયે એક કમળ ઓછું પડયું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ પોતાનું નેત્ર કટાર વડે કાઢવા જતા સમયે ભગવાન શિવ પ્રસન્ન થયા અને શ્રી કૃષ્ણને પુત્ર પ્રાપ્તિ સાથે અનેક વરદાનો આપ્યા હતા. આ વરદાનથી ભગવાન શ્રી કૃષ્ણના ઘરે પુત્રની પ્રાપ્તિ થઇ હતી.
પાવની બીલગંગા નદીને કાંઠે સ્થિત,સુવર્ણ રંગા શિખરથી શોભતું અને સદૈવ શ્વેત ધજાથી દીપતું આ સ્થાનક શિવભક્તોની પરમ આસ્થાનું કેન્દ્ર બન્યું છે. અન્ય શિવલાયોથી ભિન્ન અહીં વિદ્યમાન મહેશ્વરનું રૂપ અત્યંત અનોખું ભાસે છે. એક વિશાળ શિલા સમાન દૃશ્યમાન થતાં આ રૂપ પર દેવાધિદેવનું ભવ્ય મુખારવિંદ પ્રસ્થાપિત કરાયું છે. બિલેશ્વર મહાદેવનું મુખારવિંદ 25 કિલો ચાંદીમાંથી નિર્મિત છે.અને તેમાં ઉપસેલી મહેશ્વરની આભા એટલી તો દિવ્ય છે કે નિહાળતા જ રહી જઈએ.
બિલેશ્વર મહાદેવનું આ રૂપ સ્વયંભૂ જ મનાય છે.
માન્યતા અનુસાર આ શિવલિંગ તો સ્વયં શ્રીકૃષ્ણના હસ્તે પૂજીત છે ! પ્રચલિત માન્યતા અનુસાર સ્વયં ભગવાન શ્રીકૃષ્ણએ આ ધરા પર મહેશ્વરની સ્વહસ્તે પૂજા કરી હતી. એટલું જ નહીં શ્રીકૃષ્ણને સુદર્શન ચક્રની પ્રાપ્તિ પણ આ જ ધરા પર થઈ હોવાની લોકવાયકા છે. શિવજીને બીલીપત્ર અત્યંત પ્રિય મનાય છે. અને એટલે જ બીલીપત્રથી શિવપૂજાનો મહિમા છે. પરંતુ, બીલનાથ મહાદેવની બિલ્વપત્રથી પૂજાનો સવિશેષ મહિમા છે. અને તેનું કારણ એ છે કે અહીં તો સ્વયં ભગવાન શ્રીકૃષ્ણએ બીલીપત્ર અને કમળ પુષ્પથી શિવજીની પૂજા કરી હોવાની લોકવાયકા છે.
બિલનાથ મહાદેવ નજીક બિલ્વગંગા નદી આવેલી છે. ત્યાં અસંખ્ય બિલીપત્રના વૃક્ષો છે. દરેક શિવ મંદિરમાં શિવની સમીપમાં જ નંદી મહારાજત બિરાજમાન હોય છે, જ્યારે અહીં નંદી શિવાલયની બહાર મંદિરના પ્રાંગણમાં ઊંચા ઓટલા પર બિરાજમાન છે, અહીં નંદી મહારાજની કથા કંઇક અલગ અને અનોખી છે. એક સમયે મહમ્મદ ગઝની પોતાના લશ્કર સાથે સોમનાથ સહિતના શિવાલયો તોડવા નીકળી પડયા હતા. શિવ મંદિરો તોડતા તોડતા અહીં બિલેશ્વર ગામમાં બિલનાથ મહાદેવના શિવાલયમાં લશ્કર પહોંચ્યું ત્યારે ભગવાન શિવે નંદીને આદેશ આપી કહ્યું કે, આ લશ્કરને તું અહીંથી ભગાડી દે ત્યારે નંદી બિલનાથ મહાદેવ પાસેથી દોડીને મંદિરની બહાર ઊંચા ઓટલા પર જઇ બેસી જાય છે, ત્યાં બેસી મોઢામાંથી હજારોની સંખ્યામાં ભમરાઓ બહાર કાઢે છે અને આ ભમરાના ત્રાસથી મહમ્મદ ગઝની અને તેનું લશ્કર આ સ્થાનેથી પરત ભાગી જાય છે.
પવિત્ર શ્રાવણ માસમાં ભકતો શ્રી બિલનાથ દાદાના શિવલીંગ પર ગંગાજળ તેમજ દૂધ ચડાવી દાદાને બિલીપત્ર અર્પણ કરે છે. આ સમયે દાદાને અવનવા શણગારો પણ કરવામાં આવે છે સાથે ભસ્મ તેમજ ચંદન દ્વારા તિલક કરવામાં આવે છે. . શિવાલય બહાર નંદી પાસેથી કે મંદિરના પ્રાંગણમાંથી બિલનાથ મહાદેવની એક સરખા દર્શન થાય તેવું આ વિરલ સ્થાનક છે. બિલનાથ જયોર્તિલિંગની સવાર-સાંજ બે વખત શણગાર આરતી થાય છે. સવારે ફુલોથી અને સાંજે વસ્ત્ર પૂજા સાથે સવામણ ચાંદીના શોભાયમાન મુગટ ધારણ કરેલા બિલનાથના દર્શનનો લ્હાવો અનેરો હોય છે.
નિજ મંદિરમાં જયોર્તિલિંગ પાછળ ગંગા પાર્વતીની મૂર્તિ સાથે હોય તેવું આ એકમાત્ર શિવાલય છે. શ્રાવણવદ તેરસ, ચૌદસ અને અમાસે અહીં મેળો ભરાય છે. કૃષ્ણ ભગવાનની તપોભૂમિને કારણે આ શિવાલયમાં જન્માષ્ટમી પર્વ ઉજવાય છે.હવન થાય છે લીમડીના મહારાણી રૂપાળીબાએ મંદિરમાં ચાંદીના તોરણની કમાન અર્પણ કરેલ છે. રાણા સરતાનજીના સમયની સો વર્ષ ઉપરાંતની જૂની ઝાલર સવાર-સાંજ વાગે છે.
હાલ શ્રાવણ માસ નિમિતે આ મંદિર ખાતે દરરોજ મહાદેવ ને અવનવા શણગાર કરવામાં આવે છે તો મોટી સંખ્યા માં ભક્તો આ દર્શન નો લાભ લે છે પુજારી પરિવાર ના કૌશિકગીરી ગૌસ્વામી,કેતનગીરી ગૌસ્વામી વગેરે દ્વારા ભક્તો મહાદેવના શાંતિપૂર્વક દર્શન કરી શકે તે માટે સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે.