પોરબંદર
પોરબંદર માં પોલીસ પગાર વધારા ના આંદોલન અંગે સોશ્યલ મીડિયા માં પોસ્ટ મુકનાર એમટી વિભાગ ના ડ્રાઈવર સામે સાયબર સેલ ના મહિલા પી એસ આઈ એ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
પોરબંદર ના સાયબર સેલ ના વાયરલેસ પીએસઆઈ સુમનબા ખુમાનસિંહ જાડેજાએ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તેઓ ગઈ કાલે સોશ્યલ મીડિયા મોનીટર કરતા હતા ત્યારે તેઓના ધ્યાન પર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે એમ. ટી. વિભાગમાં ફરજ બજાવતા ડ્રાઇવર કોન્સ. નરેન્દ્રસિંહ કોયસિંહ પરમાર એ સોશ્યલ મીડીયા પર ગ્રેડ પે વધારાના આંદોલન અંગે પોલીસ કર્મચારીને ન છાજે તેવી શિસ્ત વિરૂધ્ધની પોસ્ટ કરી હતી.અને પોતે પોલીસ મહાઆંદોલનને સમર્થન આપેલ હતું.તેમજ નારીશક્તિ દ્વારા ફરીથી પોલીસ ગ્રેડ પે બાબતે આંદોલન શરૂ થતા તે તમામ સામે ગુન્હા દાખલ કરવામાં આવ્યા છે.જેથી પોલીસ પરિવાર વેર વિખેર થઇ ગયેલ છે.પોલીસ પરિવારનો માળો વિખરાઇ ન જાય તે જોજો તેવા શબ્દો બોલી આંદોલન પરત્વે લાગણી પ્રગટ કરી હતી.
નરેન્દ્રસિંહ દ્વારા ઉપરી અધિકારીઓને જાણ કર્યા વગર આંદોલનકારીને ગેરમાર્ગે દોરે તેવો સરકાર વિરૂધ્ધ ઉશ્કેરાટ થાય તેવો વિડીયો તથા પોસ્ટ મુકી સોશ્યલ મીડીયા પર વાયરલ કરી છે,અને સરકાર વિરૂધ્ધ ઇરાદાપૂર્વક ઉશ્કેરણી કરી શિસ્તબધ્ધ પોલીસ ખાતા ના કર્મચારીઓને શિસ્તભંગ કરવા પ્રેરિત કરી પોલીસ દળમાં અસંતોષ ઉભો થાય તેવી ગેરકાયદેસર પ્રવૃતિ કરી ગુન્હો કર્યો હોવાનું ફરિયાદ માં જણાવ્યું છે છે.વધુ માં એવું પણ જણાવ્યું છે કે તે ગત તા.૨૪/૧૨ના રોજ પોલીસ હેડ કવાટ૨ એમ.ટી.વિભાગ ખાતે હાજર થયા બાદ ઉપરી અધિકારીને જાણ કર્યા વગર કે હેડકક્વાર્ટર છોડવાની મંજુરી મેળવ્યા ઓમીક્રોન સંક્રમણના સમયમાં ફરજ પરત્વે ઉદાસીનતા દાખવીને પિતાની નાદુરસ્ત તબીયતનું કારણ આપી ફેમીલી સીકમાં ગયા હતા.
આથી પોલીસે તેના વિરુદ્ધ પોલીસ એક્ટ અને ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ ની અલગ અલગ કલમ વડે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.બનાવ ના પગલે પોલીસબેડા માં ચકચાર મચી છે.
પોસ્ટ વાઈરલ કરવા બદલ સાબરકાંઠા થી પોરબંદર બદલી થઇ હતી
નરેન્દ્રસિંહ અગાઉ સાબરકાંઠા ખાતે ફરજ બજાવતો હતો.જ્યાં તેણે સોશ્યલ મીડિયા માં પોલીસ પગાર વધારા ને સમર્થન આપતો વિડીયો સોશ્યલ મીડિયા માં વાઈરલ કર્યો હતો.તેના કારણે તેની ૫૦૦ કિમી દુર પોરબંદર ખાતે તાજેતર માં બદલી થઇ હતી.અહી પણ તે ફરજ પર હાજર થયા બાદ ફેમીલી સીક લીવ પર ઉતરી ગયો હતો.