પોરબંદર
પોરબંદરની બાજુમાં આવેલ દેગામ ગામે એક બ્રાહ્મણ અને એક વાળંદ બંને નિરાધાર પરિવારો માટે ગામ લોકોએ ઘરે ઘરે જઇ ફાળો એકત્રિત કરી આ બને નિરાધાર પરિવારને જીવન નિર્વાહ માટે અર્પણ કરી ” વસુધેવ કુટુંબકમ “ની વ્યાખ્યા ને સાચા અર્થમાં સાબિત કરી દીધી છે.
થોડા દિવસ પહેલા પોરબંદર ના દેગામ ગામે રહેતા ચંદુભાઈ થાનકીનું સર્પ દંશના કારણે અવસાન થયું હતું.મૃત્યુ પામેલ ચંદુભાઈના પરિવારમાં વૃદ્ધ માતા પિતા, પાંચ નાનાં બાળકો અને પત્નિ સહિત આઠ લોકો હતા.દુભાઈનું મૃત્યુ થતાં આ પરિવારમાં કમાનાર કોઈ રહ્યું નહીં.આથી આ નિરાધાર બ્રાહ્મણ પરિવારને આર્થિક રીતે મદદરૂપ બનવા દેગામ મહેર સમાજના પ્રમુખ ભીમભાઈ સુંડાવદરા,ઉપપ્રમુખ વિસાભાઈ સુંડાવદરા,ગિજુભાઈ સુંડાવદરા અને મહેર સમાજની ટિમ તથા ગામના અન્ય આગેવાનોએ ગામમાં ઘરે ઘરે વાડીએ વાડીએ ફરીને 12 લાખ 25 હજાર ફાળો એકઠો કરી આ રકમ બેંકમાં ફિક્સ ડિપોઝીટ તરીકે જમા કરાવી આ રકમનું વ્યાજ દર મહિને આ નિરાધાર બ્રાહ્મણ પરિવારને ઘરનું ગુજરાન ચલાવવા મળતું રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી.
આ અગાઉ પણ ગામના એક વાળંદ પરિવાર ઉપર આવી જ આકસ્મિક આફત આવતાં ત્યારે પણ દેગામના ગામ લોકોએ આ વાળંદ પરિવાર માટે પણ 2 લાખ જેવી રકમનો ફાળો એકઠો કરી મદદરૂપ બન્યા હતા.
આજના સમયમાં કોમવાદ અને જ્ઞાતિવાદનું ઝેર રેડાઈ રહ્યું છે, તેવા સમયે દેગામના ગામજનોએ નાત જાતના ભેદભાવ ભુલી માનવતાની મહેક ફેલાવી તે અન્ય ગામોના લોકો માટે પણ પ્રેરણા પૂરી પાડનાર બની રહેશે, ત્યારે આ ગામના આગેવાનો અને ઉદાર હાથે દાન આપેલ દાતાઓને સૌ બિરદાવી રહ્યા છે.