પોરબંદર
ભારત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા “કેન્દ્રીય પુરસ્કૃત યોજના ફેસ-૩” અંતર્ગત જે જિલ્લાઓમાં મેડિકલ કોલેજ નથી તેવા જિલ્લાઓમાં 100 સીટો વાળી દેશમાં કુલ 75 નવી મેડિકલ કોલેજો શરૂ કરવા જાહેર કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે પોરબંદર જિલ્લામાં પણ 325 કરોડના ખર્ચે નવી મેડિકલ કોલેજ ફાળવવામાં આવી હતી.
◆ કેન્દ્રીય ઇન્સ્પેકશન ટીમે મેડિકલ કોલેજ નામંજૂર કરી :-
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગરે તા. 24/12/2020ના રોજ કેન્દ્રીય પુરસ્કૃત યોજના ફેસ-3 અંતર્ગત ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી હસ્તક પોરબંદર ખાતે નવી મેડિકલ કોલેજ મંજૂર કરવામાં આવેલ હતી.
આ મેડિકલ કોલેજ માટે નેશનલ મેડિકલ કાઉન્સિલ નવી દિલ્હી દ્વારા તા. 11/8/2021ના રોજ પોરબંદર ખાતે ઇન્સ્પેકશન કરવામાં આવ્યું હતું. તેની સુનાવણી તા. 12/10/2021ના રોજ રાખવામાં આવેલ હતી. તે સુનાવણીમાં નેશનલ મેડિકલ કાઉન્સિલ દ્વારા પોરબંદરમાં મેડિકલ કોલેજ શરૂ કરવા માટે પૂરતી સુવિધાઓ અને મેનપાવર નહીં હોવાનું જણાવી નવી મેડિકલ કોલેજ હાલ પૂરતી નામંજૂર કરવામાં આવેલ.
રી-ઇન્સ્પેકશન માટે JCI દ્વારા કરાઈ હતી રજુઆત :-
નેશનલ મેડિકલ કાઉન્સિલ દિલ્હી દ્વારા પોરબંદરમાં નવી મેડિકલ કોલેજ નામંજૂર થયાની માહિતી મળતાં જેસીઆઈ પોરબંદરના સ્થાપક પ્રમુખ લાખણશી ગોરાણીયા અને પ્રમુખ હાર્દિક મોનાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા કેન્દ્ર અને રાજ્ય સરકારના આરોગ્ય મંત્રીઓને તા. 27/11/2021ના રોજ વિગતવાર પત્ર લખીને પોરબંદરની ચાલુ વર્ષમાં જ આ મેડિકલ કોલેજ શરૂ કરવા માટે જરૂરી ખૂટતી સુવિદ્યાઓ પૂર્ણ કરી રી-ઇન્સ્પેકશન માટે વિગતવાર રજુઆત કરી હતી.
◆ રાજ્ય સરકારે રી-ઇન્સ્પેકશન માટે કેન્દ્રમાં કરી અપીલ :-
ઇન્સ્પેકશન દરમિયાન કેન્દ્રીય ટીમે નામંજૂર કરેલ પોરબંદરની મેડિકલ કોલેજના તાત્કાલિક રી-ઇન્સ્પેકશન માટે જેસીઆઈ પોરબંદર દ્વારા થયેલી તા. 27/11/2021ની રજુઆતના અનુસંધાને મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા આરોગ્ય વિભાગના અગ્ર સચિવને તાત્કાલિક યોગ્ય કાર્યવાહી માટે લેખિત આદેશ આપવામાં આવતા તા. 21/12/2021ના રોજ પોરબંદર મેડિકલ કોલેજના ઇન્ચાર્જ ડિન દ્વારા ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયને રી-ઇન્સ્પેકશન માટે અપીલ અરજી કરવામાં આવી.
આથી પોરબંદરમાં નવી મેડિકલ કોલેજ શરૂ કરવા તાત્કાલિક રી-ઇન્સ્પેકશન માટે જેસીઆઈ પોરબંદર દ્વારા રજુઆત કરવામાં આવી હતી, તેના અનુસંધાને રાજ્ય સરકારે કેન્દ્ર સરકારમાં રી-ઇન્સ્પેકશન માટે અપીલ અરજી કરી છે તે અપીલ અરજી સ્વીકારી સરકાર તાત્કાલિક રી-ઇન્સ્પેકશન કરીને પોરબંદરને ચાલુ વર્ષમાં જ નવી મેડિકલ કોલેજ શરૂ કરવાની મંજૂરી આપે તેવી જેસીઆઈ પોરબંદરના સ્થાપક પ્રમુખ લાખણશી ગોરાણીયા અને પ્રમુખ રોનક દાસાણી દ્વારા વધુ એક વખત રજુઆત કરવામાં આવી છે.