પોરબંદર
પોતાના ૨૮ વરસ ના શાસનકાળ દરમ્યાન પોરબંદર ના વિકાસ માં મહત્વ નું યોગદાન આપનાર પ્રજાવત્સલ રાજવી મહારાણા નટવરસિંહજી ના રાજ્યાભિષેક ને આજે ૨૬ જાન્યુઆરી એ ૧૦૧ વરસ પૂર્ણ થયા છે.ત્યારે આજે પણ શહેરીજનો આ રાજવી ને તેના ઉમદા કાર્યો બદલ યાદ કરી રહ્યા છે.
પોરબંદર ના મહારાણા નટવરસિંહજી ના રાજ્યાભિષેક ને આજે ૧૦૧ વરસ પૂર્ણ થયા છે.સંશોધક નિશાંત બઢ દ્વારા અપાયેલ માહિતી મુજબ ૨૬ જાન્યુઆરી ૧૯૨૦( વસંતપંચમી)ના સુભ દિવસે પોરબંદરની રાજગાદી પર મહારાણા નટવરસિંહજી સાહેબનો રાજ્યાભિષેક થયો હતો.જેઓએ ૨૮ વરસ સુધી એટલે કે ૧૯૪૮ સુધી રાજ્ય વહીવટ સંભાળ્યો હતો.રાજ્યાભિષેકના ૭ દિવસ પછી ૫ ફેબ્રુઆરી ૧૯૨૦ ના રોજ નટવરસિંહજી સાહેબના લગ્ન લીંબડીના રાજકુમારી રૂપાળીબા સાહેબ સાથે થયા હતા.રાજ્યાભિષેક અને લગ્ન ના થોડા સમય બાદજ પોરબંદર નું વહીવટીતંત્ર સોળે કળાએ મહારાણા નટવરસિંહજી સાહેબ અને મહારાણી રૂપાળીબા સાહેબ ની દીર્ઘ દ્રષ્ટી ને લીધે ખીલી ઉઠયું હતું.
લગ્ન ના દોઢ વર્ષ પછી ઓક્ટોબર ૧૯૨૧માં મહારાણી રૂપાળીબા સાહેબ સાથે ના યુરોપના પ્રવાસ દરમિયાન મહારાણા નટવરસિંહજી સાહેબ જોયું કે શિક્ષણ અને આર્થીક સદ્ધરતા જ માણસને સુખી બનાવી શકે છે.એમને નાના મોટા ઉદ્યોગો આને કેળવણીને ઉતેજન આપવા પ્રજાજનો સાથે સંપર્ક વધાર્યો હતો.મહારાણા નટવરસિંહજી સાહબે પોરબંદર રાજ્યના દરેક ગામડાનો જાતે પ્રવાસ કર્યો અને દરેક કોમ અને દરેક જ્ઞાતિના આગેવાનોને મળી ખેતીવાડી,પશુપાલન, રસ્તા અને વાહન વ્યવહારનો પ્રત્યક્ષ પરિચય લઇ અને વધુ સુધારાવધારાના કાર્યો હાથ ધર્યા હતા,ચોપાટીની યોજના, વિલા અને નવા રાજમહેલનું બાંધકામ,રેલ્વે સ્ટેશન અને એરોડ્રામ,પોલીસ વ્યવસ્થા અને જાહેર આરોગ્ય વિષે યોજનાઓ ઘડી હતી.
૨૦ મે ૧૯૨૫ના દિવસે સમાજ સુધારણા એક મુખ્ય પગલા તરીકે ‘ પોરબંદર રાજ્ય જ્ઞાતિ બંધારણ’ અમલમાં મુકયું. જન્મ,મરણ અને લગ્ન જેવા પ્રસંગોમાં થતા અંધાળા ખર્ચ ઉપર કાયદાનું બંધ મુક્યું.કન્યાપક્ષે આપવી પડતી જુદી જુદી વિધિની રકમને એક કરી ને માત્ર “પાંચ સોપારી “ જેવા પ્રતીકમાં સીમિત કરી.
૧૫ ઓક્ટોબર ૧૯૨૫ ના રોજ “ પોરબંદર બેંક “ ની સ્થાપના કરી,5 મે ૧૯૨૯ ના રોજ પોરબંદર સંસ્થાનમાં રહેતા દરેક જ્ઞાતિના આગેવાનોને બોલાવી બાળ લગ્ન પ્રતિબંધ ધારો અમલમાં મુક્યો.શેઠ ભાણજી લવજી ઘીવાલાએ આપેલ ૧ લાખના માતબર દાનથી 5 મે ૧૯૩૦ ના તોજ રતનબાઇ વનિતા વિશ્રામગૃહને ખુલ્લું મુકમાં આવ્યું,જેમાં કન્યાઓ માટે અંગ્રેજી શિક્ષણની પણ સુવિધા ઉભી કરવામાં આવી હતી.૧૯૩૦માં “લોહાણા બાળાશ્રમ” જે પ્રેમબાઈમાએ પોતાની મરણ મૂડીમાંથી સર્જન કર્યું હતું.તેનું મહારાણા નટવરસિંહજી સાહેબ ના વરદ હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવ્યું.એપ્રિલ ૧૯૩૧ માં પ્રજાકીય સત્તાનો વધુ સ્વીકાર કરી ને પોરબંદરમાં પહેલીવાર ચુંટાયેલી નગરપાલિકા આપી,૧૯૩૧માં કરાંચીની એક મોટી પેઢી “નાદાર સોલ્ટ વર્કસ” ને નિમંત્રણ આપીને મીઠાના ઉદ્યોગ ને ઉત્તેજન અપીયું,૧૯૩૪માં પોરબંદરના આંગણે પહેલું વિમાનમથક બનાવી અને પહેલું વિમાન ઉતાર્યું હતું. ૧૯૩૬ માં તૈયાર થયેલ ચોપાટીનું ઉદ્દઘાટન ગવર્નર વિલિંગ્ટનના હાથે થયું,
ખાડી કાઠે પોરાવમાતાના સામા તટ આર્ય કન્યા ગુરુકુળનું ઉદ્દઘાટન 5 ડિસેમ્બર ૧૯૩૭ ના રોજ કરવામાં આવ્યું.૧૯૨૪ થી બંધાવાની શરુ થયેલ મહારાણા મીલ પણ ૧૯૩૪ માં કામ કરતી ચાલુ થઇ,મહારાણી રૂપાળીબા સાહેબએ પોતાના માતુશ્રી બાલુબા સાહેબની યાદમાં ૧૯૩૬ માં બાલુબા બાલમંદિર અને બાલુબા કન્યા વિદ્યાલયનો આરંભ કર્યો.૧૯૩૭ વાડિયા ફેમેલીના અનુદાન થી “ મહારાણી રૂપાળીબા હોસ્પિટલ “ નું બિલ્ડીંગ ઉભું થયું છે.અને ૧૯૩૮ માં પોરબંદર ના એક સપૂતે પોતાના પિતા દેવકરણ નાનજીના નામથી “ દેના બેંક “ નું સર્જન કર્યું.
૧૬ જાન્યુઆરી ૧૯૪૧ના રોજ ભારતના વાયસરોય તથા ગવર્નર જનરલ લોર્ડ લિનલિથગો ના હાથે “ગોસા રેકલેમેશન સ્કીમ “ નું ઉદ્દઘાટન થયું,૧૯૪૨ ની હનુમાન જયંતીના શુભ દિવસે પોરબંદર જેઠવા હોસ્ટેલનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું, વધતા જતા શહેરી વિસ્તારને ધ્યાનમાં લઈને ગામની વચ્ચોવચ્ચ સરતાનબાગ માં એક સિનેમાગૃહ બનવા નો ઠરાવ થયો અને ૧૨ જાન્યુઆરી ૧૯૪૬ ના રોજ સરતાનબાગની જાહેર હરાજી કરવામાં આવી.
મહારાણા નટવરસિંહજી સાહેબ પોતાની પ્રિય રમત ક્રિકેટ માટે એશીયાભરની પ્રથમ ક્રિકેટ સ્કુલની સ્થાપના પોરબંદર ના આંગણે કરી.અને ૭ જુન ૧૯૪૭ના રોજ “ ધ દુલીપ સ્કુલ ઓફ ક્રિકેટ” તથા “ વિજય પેવેલિયન “નું ઉદ્દઘાટન કર્યું. અને ૨૬ ઓગસ્ટ ૧૯૪૭ ના દિવસે ભોજેશ્વર પ્લોટમાં બંધાયેલી નવી રૂપાળીબા કન્યા શાળા જાણ્યા કેળવણી માટે ખુલ્લી મૂકી.અને ૧૯૫૫ માં જ્યાં પોતાનો રાજ્યાભિષેક થયો હતો અને જ્યાં પોતાના બાળપણ અને યુવાની ના દિવસો વીત્યા હતા.તેઓ તે દરિયા મહેલ (શ્રી રામબા ગ્રેજ્યુએટ ટીચર્સ કોલેજ ) પોતાના માતુશ્રીની યાદ માં શિક્ષણ ના ઉમદા હેતુ માટે ભેટ કર્યો હતો.
આ રાજવીના પોતાની પ્રજા માટે કરેલા કાર્ય નું વર્ણન અને તેની સૂચી કરીએ તેટલી ઓછી છે.